Std 11 Economics Ch 6 Swadhyay Solution || ધોરણ 11 અર્થશાસ્ત્ર પાઠ 6 બજાર સ્વાધ્યાય નું સંપૂર્ણ સોલ્યુશન


પ્રશ્ન : 1 નીચેના પ્રશ્નોના જવાબનો સાચો વિકલ્પ પસંદ કરી લખો.


(1) સ્થાન આધારિત બજારના કેટલા પ્રકારો હોય છે ?

(A) એક

(B) ત્રણ

(C) ચાર

(D) સાત


(2) વાહનવ્યવહાર-ખર્ચનો અભાવ એ કયા બજારનું લક્ષણ છે ?

(A) પૂર્ણ હરીફાઈ

(B) ઇજારો

(C) ઇજારાયુક્ત હરીફાઈ

(D) અલ્પહસ્તક ઇજારો


(3) કિંમત ભેદભાવ કયા બજારનું લક્ષણ છે ?

(A) પૂર્ણ હરીફાઈ

(B) ઇજારો

(C) ઇજારાયુક્ત હરીફાઈ

(D) અલ્પહસ્તક ઇજારો


(4) કયા બજારમાં પેઢી એ જ ઉદ્યોગ બને છે ? 

(A) પૂર્ણ હરીફાઈ

(B) ઇજારો

(C) ઇજારાયુક્ત હરીફાઈ

(D) અલ્પહસ્તક ઇજારો


(5) વેચાણ-ખર્ચ કયા બજારનું અગત્યનું લક્ષણ છે ?

(A) ઇજારો

(B) ઊભયપક્ષી ઇજારો

(C) ઇજારાયુક્ત હરીફાઈ 

(D) પૂર્ણ હરીફાઈ


(6) પરસ્પર અવલંબન કયા બજારમાં જોવા મળે છે ? 

(A) અલ્પહસ્તક ઇજારો

(B) ઇજારો

(C) ઇજારાયુક્ત હરીફાઈ

(D) પૂર્ણ હરીફાઈ


(7) કિંમત-ચુસ્તતા કયા બજારમાં જોવા મળે છે ? 

(A) પૂર્ણ હરીફાઈ

(B) અલ્પહસ્તક ઇજારો

(C) ઇજારાયુક્ત હરીફાઈ

(D) ઇજારો


(8) કયા બજારમાં પેઢીઓનો પ્રવેશ બંધ હોય છે ? 

(A) સાદી હરીફાઈ 

(B) પૂર્ણ હરીફાઈ 

(C) ઇજારો

(D) ઇજારાયુક્ત હરીફાઈ


(9) સમાનગુણી વસ્તુઓ કયા બજારનું લક્ષણ છે ?

(A) પૂર્ણ હરીફાઈ

(B) ઇજારો

(C) ઇજારાયુક્ત હરીફાઈ

(D) તીવ્ર હરીફાઈ


(10) અસામાન્ય નફો કયા બજારનું સામાન્ય લક્ષણ છે ?

(A) ઇજારાયુક્ત હરીફાઈ

(B) અલ્પહસ્તક ઇજારો 

(C) ઇજારો

(D) પૂર્ણ હરીફાઈ



પ્રશ્ન : 2 નીચેના પ્રશ્નોના એક વાક્યમાં જવાબ આપો .


(1) બજારનો સામાન્ય અર્થ આપો.

વસ્તુ કે સેવાનાં ખરીદ-વેચાણના હેતુથી ખરીદનાર અને વેચનારએકબીજાના પ્રત્યક્ષ કે પરોક્ષ સંપર્કમાં આવે, તે વ્યવસ્થા એટલે બજાર,


(2) પ્રાદેશિક બજાર એટલે શું ?

જે વસ્તુઓ કે સેવાઓનાં ખરીદ-વેચાણ કોઈ એક ચોક્કસ પ્રદેશ પૂરતાં સીમિત હોય તેવા બજારને પ્રાદેશિક બજાર કહેવામાં આવે છે.


(5) ઇજારો એટલે શું?

ઇજારો એટલે કોઈ વસ્તુના પુરવઠા (ઉત્પાદન) અને વેચાણ પર કોઈ એક પેઢીનો સંપૂર્ણ અંકુશ હોય તેવું બજાર.


(6) વેચાણ-ખર્ચ એટલે શું ?

વેચાણ-ખર્ચ એટલે વસ્તુના વેચાણ માટે થતો ખર્ચ. આ ખર્ચમાં સૌથી અગત્યનો જાહેરાત ખર્ચ છે.


(7) વસ્તુ-વિભિન્નતાનો અર્થ આપો.

વસ્તુ-વિભિન્નતા એટલે એક જ પ્રકારની વસ્તુ અન્ય વસ્તુથી સ્વરૂપ,ગુણધર્મ કે ગુણવત્તામાં ભિન્ન છે એમ દર્શાવવું.


(8) અલ્પહસ્તક ઇજારાની વ્યાખ્યા આપો.

અલ્પ હસ્તક ઇજારો એક એવું બજાર છે, જેમાં અલ્પ ઉત્પાદકો કે વેચનારાઓ સમાનગુણી કે નજીકની અવેજી વસ્તુઓના ઉત્પાદન કે વેચાણનું કાર્ય કરે છે. 


(9) કિંમત સ્વીકારનાર એટલે શું?

 પૂર્ણ હરીફાઈવાળા બજારમાં વસ્તુની કિંમત, વસ્તુની માંગ અને પુરવઠા દ્વારા નક્કી થતી હોવાથી વેચનારને બજારમાં કિંમત સ્વીકારનાર કહેવાય છે.


(10) કયા બજારમાં પેઢીઓનો પ્રવેશ પ્રતિબંધિત હોય છે?

ઇજારાવાળા બજારમાં પેઢીઓનો પ્રવેશ પ્રતિબંધિત હોય છે.



પ્રશ્ન : ૩ નીચેના પ્રશ્નોના ટૂંકમાં જવાબ આપો.


(1) પૂર્ણ હરીફાઈના સંદર્ભમાં વાહનવ્યવહાર-ખર્ચ સમજાવો.

પૂર્ણ હરીફાઈવાળા બજારમાં અસંખ્ય વેચનારા અને અસંખ્ય ખરીદનારા હોય છે. તેથી આવા બજારમાં વાહનવ્યવહાર ખર્ચ કુલ ખર્ચના સંદર્ભમાં ખુબ જ ઓછો હોય છે. તેથી ગણતરીમાં લેવાતો નથી. વાહનવ્યવહાર ખર્ચ નજીવો હોવાથી તે શુન્ય છે, એમ સ્વીકારી લેવામાં આવે છે. આમ, પૂર્ણ હરીફાઈવાળા બજારમાં વાહનવ્યવહાર ખર્ચની ગેરહાજરી એક મહત્વનું લક્ષણ છે.


(2) ઇજારાના સંદર્ભમાં પેઢી એ જ ઉદ્યોગ સમજાવો.

પેઢી એટલે ઉત્પાદન કરતું એક સ્વતંત્ર એકમ જ્યારે ઉઘોગ એટલે એકસરખી વસ્તુઓનું ઉત્પાદન કરતી પેઢીઓનો સમૂહ, ઇજારામાં ઉત્પાદક કે વેચનાર એક જ છે. તેથી તે વાસ્તવમાં પેઢી છે. સમાનગુણી વસ્તુઓનું ઉત્પાદન કરતી પેઢીઓનો સમૂહ જે ઉદ્યોગ છે, તે પણ ઇજારાના લક્ષણ મુજબ એક પેઢી જ ગણાય. તેથી ઇજારામાં પેઢી એ જ ઉદ્યોગ છે.


(3) ઇજારાયુક્ત હરીફાઈ એટલે શું ?

પ્રો. ચેમ્બરલીન જણાવે છે કે, વાસ્તવિક બજારમાં ન તો પૂર્ણ હરીફાઈ જોવા મળે છે કે ન તો પૂર્ણ ઇજારો જોવા મળે છે, પરંતુ હકીક્તમાં બંનેનું સહઅસ્તિત્વ જોવા મળે છે. આ સ્થિતિ ઇજારાયુક્ત હરીફાઈની છે, જેને શ્રીમતી રોબિન્સન અપૂર્ણ હરીફાઈ તરીકે ઓળખાવે છે.

-- ઇજારાયુક્ત હરીફાઈવાળા બજારને પ્રો. ચેમ્બરલીન આ પ્રમાણે વ્યાખ્યાયિત કરે છે : "પૂર્ણ હરીફાઈ અને પૂર્ણ ઇજારો ન હોય, પરંતુ બંનેનું સહઅસ્તિત્વ હોય તેવા બજારને ઇજારાયુક્ત હરીફાઈ કહેવામાં આવે છે.“

-- પ્રો. જે. એસ. બેઇનના મતે, જો નાની નાની પેઢીઓ સંપૂર્ણ અવેજી વસ્તુઓને બદલે નજીકની અવેજી વસ્તુઓનું ઉત્પાદન કરતી હોય, તો તેવીનાની પેઢીઓના મોટા સમૂહમાં પ્રવર્તતી હરીફાઈને ઇજારાયુક્ત હરીફાઈ કહે છે.

-- શ્રીમતી રોબિન્સન જણાવે છે કે, “જો પ્રત્યેક પેઢી ઇજારાદાર હોય અને સાથે સાથે તે હરીફાઈ પણ કરતી હોય, તેવી બજારની પરિસ્થિતિને અપૂર્ણ હરીફાઇ કહેવાય છે.”


(4) કિંમત-ભેદભાવનો અર્થ સમજાવો.

ઇજારાવાળા બજારમાં ઉત્પાદક કે વેચનાર વસ્તુની કિંમત નક્કી કરનારને હરીફાઈનું તત્ત્વ જોવા મળતું નથી. ઇજારાદાર ઘણી વાર આ તકનો લાભ લઈ જુદા જુદા ગ્રાહકો પાસેથી એક જ વસ્તુની જુદી જુદી કિંમત વસૂલી શકે છે. વળી વસ્તુના જુદા જુદા ઉપયોગ મુજબ તે વસ્તુની જુદી જુદી કિંમત વસૂલી શકે છે. આમ, ઇજારાદાર કિંમત ભેદભાવ નીતિનો ઉપયોગ કરી ઊંચો નફો મેળવે છે.


(5) પરસ્પર અવલંબનનો અર્થ સમજાવો.

અલ્પ હસ્તક ઇજારાવાળા બજારમાં ઉત્પાદકો કે વેચનાર અલ્પ સંખ્યામાં હોય છે. તેથી ઉત્પાદકો એકબીજા વિશે માહિતગાર રહેતા હોય છે. જેમ કે, ટેલિવિઝનના ઉત્પાદકો અલ્પ સંખ્યામાં છે. તેથી તેઓ પોતાની વસ્તુના પ્રકાર અને ગુણવત્તા વિશે માહિતગાર હોવાની સાથે તેમના હરીફ ઉત્પાદકોની વસ્તુના પ્રકાર અને ગુણવત્તા અંગે પણ જાણ કારી મેળવે છે. આમ, કોઈ ઉત્પાદકે પોતાની વસ્તુની ગુણવત્તા કે કિંમતના સંદર્ભમાં નિર્ણય કરવાનો હોય ત્યારે તેની હરીફ પેઢીઓ પર એક અથવા બીજી રીતે અવલંબે છે.


પ્રશ્ન : 4 નીચેના પ્રશ્નોના મુદ્દાસર જવાબ આપો.


(1) ઇજારાયુક્ત હરીફાઈનાં ત્રણ લક્ષણો સમજાવો.

પ્રો. ચેમ્બરલીનના મતે, " પૂર્ણ હરીફાઈ અને પૂર્ણ ઇજારો ન હોય, પરંતુ બંનેનું સહઅસ્તિત્વ હોય તેવા બજારને ઇજારાયુક્ત હરીફાઈ કહેવામાં આવે છે.“


  • ઇજારાયુક્ત હરીફાઈનાં લક્ષણો :

1. મોટી સંખ્યામાં વેચનારા અને અસંખ્ય ખરીદનારા : ઇજારા-યુક્ત હરીફાઈમાં ઘણા ઉત્પાદકો કે વેચનારા હોય છે. તેથી તેમાં હરીફાઈનું તત્ત્વ મોટા પ્રમાણમાં હોય છે. આ બજારમાં ખરીદનારાઓ અસંખ્ય હોવાથી તેઓ વસ્તુની કિંમત પર પ્રભાવ પાડી શકતા નથી.


2. વસ્તુ-વિભિન્નતા : ઇજારાયુક્ત હરીફાઈમાં ઉત્પાદકો જે વસ્તુઓનું ઉત્પાદન કરે છે, તે સમાનગુણી હોતી નથી, પરંતુ વસ્તુના સ્વરૂપ, ગુણવત્તા વગેરેની દૃષ્ટિએ નજીવો તફાવત જોવા મળે છે. પરિણામે વસ્તુઓ લગભગ એકસરખી વસ્તુઓ જેવી બની રહે છે. આ બજારમાં ઉત્પાદિત વસ્તુઓને અન્ય વસ્તુઓથી જુદી પાડવા અને વિશિષ્ટ ઓળખ આપવા વસ્તુ-વિભિન્નતા ઉપયોગી છે.


૩.પેઢીઓની મુક્ત અવર-જવર : ઇજારાયુક્ત હરીફાઈવાળા બજારમાં જ્યારે કોઈ એક ઉદ્યોગ અસામાન્ય નફાની સ્થિતિમાં હોય ત્યારે આવા નફાથી આકર્ષાઈ નવી પેઢીઓ મુક્તપણે ઉદ્યોગમાં પ્રવેશે છે અને જો કોઈ ઉદ્યોગમાં અસામાન્ય ખોટની સ્થિતિએ હોય, તો પેઢીઓ ખોટના કારણે ઉદ્યોગ છોડી જાય છે. આમ, આ બજારમાં પેઢીઓની અવર-જવર પર કોઈ પણ પ્રકારનો પ્રતિબંધ હોતો નથી. ટૂંકા ગાળામાં નફાથી આકર્ષાઈ પેઢીઓ બજારમાં પ્રવેશ કરે છે અને ખોટને કારણે બજાર છોડી જાય છે. લાંબા ગાળે જ્યારે ઇજારાયુક્ત હરીફાઈવાળું બજાર સામાન્ય નફાની સ્થિતિએ પહોંચે છે, ત્યારે પેઢીઓની મુક્ત અવર-જવર આપોઆપ બંધ થાય છે.


(2) અલ્પહસ્તક ઇજારાનાં ત્રણ લક્ષણો સમજાવો.

અલ્પ હસ્તક ઇજારો એક એવું બજાર છે, જેમાં અલ્પ ઉત્પાદકો કે વેચનારાઓ સમાનગુણી વસ્તુઓ અથવા નજીકની અવેજી વસ્તુઓનાં ઉત્પાદન કે વેચાણનું કાર્ય કરે છે.

  • અલ્પ હસ્તક ઇજારાનાં લક્ષણો :


1. અલ્પ વેચનારા અને અસંખ્ય ખરીદનારા : અલ્પ હસ્તક ઇજારા-વાળા બજારમાં ઉત્પાદક કે વેચનારની સંખ્યા ખૂબ જ મર્યાદિત (બેથી વધુ અને દસથી વીસ સુધી) હોય છે. તેથી તેઓ બજારકિંમત પર કાબૂ ધરાવે છે. આ બજારમાં ખરીદનારા અસંખ્ય હોવાથી તેઓ વસ્તુની કિંમત પર અસર પાડી શકતા નથી .

2. સમાનગુણી કે નજીકની અવેજી વસ્તુ : અલ્પ હસ્તક ઇજારા-વાળા બજારમાં જ્યારે પેઢીઓ સમાનગુણી વસ્તુઓનું ઉત્પાદન કે વેચાણ કરે છે, ત્યારે તેવા બજારને સંપૂર્ણ અલ્પ હસ્તક ઇજારો કહેવાય છે. આ પ્રકારના બજારમાં જ્યારે પેઢીઓ નજીકની અવેજી વસ્તુઓનું ઉત્પાદન કે વેચાણ કરે ત્યારે તેવા બજારને અપૂર્ણ અલ્પ હસ્તક ઇજારો કહેવાય છે.

3. પેઢીઓનો પ્રવેશ : અલ્પ હસ્તક ઇજારાવાળા બજારમાં જો મુક્ત અલ્પ હસ્તક ઇજારો પ્રવર્તમાન હોય, તો ઉદ્યોગમાં નવી પેઢીઓ માટેનો પ્રવેશ મુક્ત હોય છે અને જો પ્રતિબંધિત અલ્પ હસ્તક ઇજારો પ્રવર્તમાન હોય ત્યારે ઉદ્યોગમાં નવી પેઢીઓને પ્રવેશબંધી હોય છે.



(3) કિંમત-ચુસ્તતા વિશે સમજાવો.

અલ્પ હસ્તક ઇજારામાં પેઢીઓની સંખ્યા ઓછી હોય છે.અને કોઈ પેઢી વસ્તુની કિંમતના સંદર્ભમાં નિર્ણય કરવા તેમની હરીફ પેઢીઓ પર આધાર રાખે છે. જો કોઈ પેઢી વસ્તુની કિંમત ઘટાડે, તો તેની માંગમાં વધારો થશે. પરંતુ હરીફ પેઢીઓની માંગમાં ઘટાડો થશે, પરિણામે હરીફ પેઢીઓ પણફરજિયાત વસ્તુની કિંમત ઘટાડવી પડે છે, આમ, આ પ્રકારની કિંમત હરીફાઈને કારણે વસ્તુની કિંમત કોઈ એક એવા નિષ્મ સ્તરે પહોંચે છે, જ્યાંથી કિંમતનો વધુ ઘટાડો શક્ય બનતો નથી. - જો કોઈ પેઢી વસ્તુની કિમત વધારે, તો તેની માંગ ઘટશે અને હરીફ પેઢીઓ વસ્તુની કિંમત ઘટાડી વસ્તુની માંગ વધારાનો લાભ મેળવશે, પરંતુ હરીફ પેઢીઓ કિંમત વધારો કરતી નથી. તેથી અલ્પ હસ્તક ઇજારામાં વસ્તુની કિંમત એક નિષ્મ સ્તરે ચુસ્ત બને છે, જેને કિંમત ચુસ્તતા તરીકે ઓળખવામાં આવે છે.



(4) હરીફાઈ આધારિત બજારનું વર્ગીકરણ કરો.

હરીફાઈ આધારિત બજારને ખરીદનારાઓ અને વેચનારાઓની હરીફાઈને આધારે વર્ગીકૃત કરવામાં આવે છે.


1. પૂર્ણ હરીફાઈવાળું બજાર : પૂર્ણ હરીફાઈવાળું બજાર એક આદર્શ બજાર છે, જેમાં ઇજારાના તત્ત્વનો અભાવ હોય છે. શ્રીમતી રોબિન્સનના મતે, "પૂર્ણ હરીફાઈ ત્યાં અસ્તિત્વ ધરાવે છે, જ્યાં ઉત્પાદકની ઉત્પાદિત વસ્તુની માંગ સંપૂર્ણ મૂલ્યસાપેક્ષ હોય."

-- પ્રો. લેટવિયના મતે, “પૂર્ણ હરીફાઈ એક એવી બજારવ્યવસ્થા છે કે, જેમાં બજારકિંમતને અસર પહોંચાડી શકે તેટલી મોટી પેઢી સમગ્ર બજારમાં ન હોવા સાથે ઘણી પેઢીઓ સમાનગુણી વસ્તુઓનું વેચાણ કરે છે."


2. અપૂર્ણ હરીફાઈવાળું બજાર : પૂર્ણ હરીફાઈ અને ઇજારો આ બે અંતિમ સ્થિતિઓ વચ્ચેની પરિસ્થિતિઓ ધરાવતું બજાર અપૂર્ણ હરીફાઈવાળા બજાર તરીકે ઓળખાય છે. ઇજારો, ઇજારાયુક્ત હરીફાઈ અને અલ્પ હસ્તક ઇજારો વગેરે અપૂર્ણ હરીફાઈવાળાં બજારોનાં ઉદાહરણો છે.


(i) ઇજારો : ઇજારાનો અંગ્રેજી શબ્દ "Monopoly". જે ગ્રીક ભાષાનો શબ્દ છે, જેનો અર્થ 'એક વેચનારનું બજાર' એવો થાય છે. - ઇજારો બજારની એવી સ્થિતિ છે, જ્યાં હરીફાઈનો અભાવ હોય છે, જ્યાં એક જ ઉત્પાદક કે વેચનાર હોય છે. પ્રો. ચેમ્બરલીનના મતે, "વસ્તુના પુરવઠા પર કોઈ એક પેઢીનો અંકુશ હોય, તો તે ઇજારો છે.” પ્રો. સ્ટિંગ્લરના મતે, “વસ્તુનો એક જ વેચનાર એટલે ઇજારાદાર."

(ii) ઇજારાયુક્ત હરીફાઈ : ઇજારાયુક્ત હરીફાઈવાળું બજાર એટલે એવી પરિસ્થિતિ કે જેમાં ઉત્પાદક જે વસ્તુ ઉત્પન્ન કરે છે, તે વસ્તુની નજીકની અવેજી વસ્તુઓ બજારમાં ઉપલબ્ધ છે.પ્રો. ચેમ્બરલીનના મતે, “પૂર્ણ હરીફાઈ અને પૂર્ણ ઇજારો ન હોય, પરંતુ બંનેનું સહઅસ્તિત્વ હોય તેવું બજાર ઇજારાયુક્ત હરીફાઈવાળું બજાર છે."

-- પ્રો. જે. એસ. બેઇનના મતે, 'જો નાની નાની પેઢીઓ સંપૂર્ણ અવેજી વસ્તુઓને બદલે નજીકની અવેજી વસ્તુઓનું ઉત્પાદન કરતી હોય, તો તેવી નાની પેઢીઓના મોટા સમૂહમાં પ્રવર્તતી હરીફાઈને ઇજારાયુક્ત હરીફાઈ કહે છે.


(iii) અલ્પ હસ્તક ઇજારાવાળું બજાર: અલ્પ હસ્તક ઇજારાનો અંગ્રેજી શબ્દ 'oligos' ગ્રીક ભાષાનો શબ્દ છે, જેનો અર્થ 'અલ્પ ઉત્પાદકો કે વેચનારાઓનું બજાર' એવો થાય છે. અલ્પ હસ્તક ઇજારો એક એવું બજાર છે. જેમાં અલ્પ ઉત્પાદકો કે વેચનારાઓ સમાનગુણી વસ્તુ અથવા નજીકની અવેજી વસ્તુઓના ઉત્પાદન કે વેચાણનું કાર્ય કરે છે. આ બજારમાં હરીફાઈનું પ્રમાણ ઊંચી કક્ષાનું હોય છે. પ્રો. સ્ટિંગ્લરના મતે, અલ્પ હસ્તક ઇજારો એક એવી પરિસ્થિતિ છે કે, જેમાં પેઢી પોતાની બજાર અંગેની નીતિ પોતાના હરીફોની અંદાજિત વર્તણૂકને આધારે બનાવે છે." પ્રો. પીટર ડુલીના મતે,"અલ્પ હસ્તક ઇજારો એક એવું બજાર છે, જેમાં અલ્પ વેચનારાઓ સમાનગુણી વસ્તુઓ અને નજીકની અવેજી વસ્તુઓ રજૂ કરે છે.”

-- પ્રો. બોમલના મતે, “અલ્પ હસ્તક ઇજારો એ એક એવું બજાર છે, જેમાં અલ્પ વેચનારાઓ પૈકી કેટલાક વેચનારાઓ બજારમાં એટલું મોટું કદ ધરાવે છે. જે બજારકિંમતને અસર પહોંચાડી શકે.”



(5) પૂર્ણ હરીફાઈ અને ઇજારાનો તફાવત આપો.



(6) ઇજારો અને ઇજારાયુક્ત હરીફાઈનો તફાવત આપો.





પ્રશ્ન : 5 નીચેના પ્રશ્નોના વિસ્તારપૂર્વક જવાબ આપો.


(1) બજારનો અર્થ સમજાવી તેનાં લક્ષણો જણાવો.

બજારનો અર્થ : સામાન્ય રીતે ચીજવસ્તુઓ અને સેવાઓની ખરીદી અને વેચાણની વ્યવસ્થાને બજાર કહેવાય છે.

  • અર્થશાસ્ત્રની દ્રષ્ટિએ, “ બજાર એક એવી વ્યવસ્થા છે, જેમાં ખરીદનારાઓ અને વેચનારાઓ પ્રત્યક્ષ કે પરોક્ષ રીતે એવા સંપર્કમાં આવે છે કે જે વસ્તુ અને સેવાની ખરીદી-વેચાણમાં પરિણમે છે.”

 પ્રો. સેમ્યુઅલસનના શબ્દોમાં, “બજાર એટલે એક એવી કાર્યપ્રણાલી કે જ્યાં ખરીદનાર અને વેચનાર વસ્તુ અને સેવાની કિંમત અને જથ્થાને નક્કીકરવાના હેતુથી એક્બીજાના સંપર્કમાં આવે છે. બજારના અસ્તિત્વ માટે બે બાબતો જરૂરી છે: (1) ગ્રાહક અને વેચનાર વચ્ચે પ્રત્યક્ષ કે પરોક્ષ સંપર્ક તથા (2) વસ્તુને સેવાનાં ખરીદી અને વેચાણ, પરંતુ બજારના અસ્તિત્વ માટે કોઈ ચોક્કસ સ્થળ હોવું જરૂરી નથી.


બજારનાં લક્ષણો : બજારનાં મુખ્ય લક્ષણો આ મુજબ છે. 


1.ખરીદનારાઓ અને વેચનારાઓ : બજારમાં વસ્તુ કે સેવાના ખરીદનારા અને વેચનારા હોવા ફરજીયાત છે. બજારમાં વેચનારનો ઉદ્દેશ મહત્તમ નફો મેળવવાનો અને ખરીદનારનો ઉદ્દેશ વસ્તુમાંથી મહત્તમ સંતોષ પ્રાપ્ત કરવાનો હોય છે.


2. વસ્તુઓ કે સેવાનું અસ્તિત્વ : બજારમાં ખરીદનારાઓની માંગ હોય અને વેચાણ થતી હોય તેવી વસ્તુઓ કે સેવાઓ જરૂરી છે. બજારમાં વેચનાર મહત્તમ નફો મેળવવાના આશયથી જુદી જુદી વસ્તુઓ કે સેવાઓ પ્રત્યે ખરીદનારાઓને આકર્ષે છે. જ્યારે ખરીદનારાઓ વસ્તુઓ કે સેવાઓના ઉપભોગથી મહત્તમ સંતોષ પ્રાપ્ત થાય તે મુજબ ખરીદી કરે છે. 


3. ગ્રાહકો અને વેપારીઓ વચ્ચેનો સંપર્ક : બજારમાં વસ્તુ ખરીદનારા અને વેચનારા એકબીજાના પ્રત્યક્ષ કે પરોક્ષ સંપર્કમાં આવે તે જરૂરી છે. વર્તમાન સમયમાં ટેલિશૉપિંગ અને ઑનલાઈન શૉપિંગ જેવાં માધ્યમો દ્વારા વસ્તુઓ કે સેવાઓના ખરીદનારા અને વેચનારા પરોક્ષ રીતે એકબીજાના સંપર્કોમાં આવે છે.


4.સમાન કિંમતનું વલણ : બજારમાં ચોક્કસ સમયે વસ્તુ કે સેવાની કિંમત નક્કી થયેલ હોવી જોઈએ. બજારમાં વસ્તુ કે સેવાની કિંમત ખરીદનારાઓની માંગ અને વેચનારાના પુરવઠા દ્વારા નક્કી થાય છે.


5.બજાર સ્થિતિ અંગેની જાણકારી : બજાર સ્થિતિ અંગેની જાણકારી વસ્તુ કે સેવા ખરીદનારા અને વેચનારને હોવી જરૂરી છે. બજારમાં ફુગાવો અથવા મંદી હોય કે કોઈ કુદરતી આફતો આવી હોય તેવા સંજોગોમાં ખરીદનારા અને વેચનારા માંગ અને પુરવઠા સંદર્ભે યોગ્ય નિર્ણયો લઈ શકે.



(2) બજારનું વર્ગીકરણ સ્થાન આધારિત અને જથ્થા આધારિત સમજાવો.

-- જુદા જુદા માપદંડો મુજબ બજારનું વર્ગીકરણ નીચે મુજબ છે :


1. સ્થાન આધારિત બજાર : આ પ્રકારના બજારને ભૌગોલિક વિસ્તારને આધારે નીચે મુજબ ચાર પ્રકારમાં વિભાજિત કરવામાં આવે છે : 


(i) સ્થાનિક બજાર : ગ્રાહકો જે સ્થાને વસવાટ કરે છે, તેની નજીકના વિસ્તારમાં આવેલ બજારને સ્થાનિક બજાર કહે છે. જેમ કે, ગામડામાં દૂધ અને શાકભાજીનું બજાર, વાળંદ, ધોબી, દરજી, લુહાર, સુથાર, કુંભાર વગેરેની સેવાઓ, અમદાવાદમાં AMTSની વાહનવ્યવહારની સેવા વગેરે સ્થાનિક બજાર ધરાવે છે.


(ii) પ્રાદેશિક બજાર : જે વસ્તુઓ કે સેવાઓનું ખરીદ-વેચાણ કોઈ એક ચોક્કસ પ્રદેશ પૂરતું મર્યાદિત હોય તેને પ્રાદેશિક બજાર કહે છે. પ્રાદેશિક બજાર રાજ્યના જુદા જુદા જિલ્લાઓ સુધી વિસ્તરેલ હોય છે.જેમ કે, મહેસાણાની દૂધસાગર ડેરીનું દૂધ, ગુજરાતી નવલકથાઓ, ગુજરાતી ચલચિત્રો, પ્રાદેશિક ભાષાનાં પુસ્તકો વગેરેનાં બજાર પ્રાદેશિક બજાર છે. 


(iii) રાષ્ટ્રીય બજાર : જે વસ્તુઓ કે સેવાઓનું ખરીદ અને વેચાણ સમગ્ર રાષ્ટ્રમાં થતું હોય તેને રાષ્ટ્રીય બજાર કહે છે. રાષ્ટ્રીય બજાર દેશનાં વિવિધ રાજ્યો સુધી વિસ્તરેલ હોય છે. જેમ કે, પંજાબના ઘઉં, કાપડ, અમૂલ ડેરી પ્રોડક્સ, ટેલિવિઝન વગેરે રાષ્ટ્રીય બજાર ધરાવે છે.


(iv) આંતરરાષ્ટ્રીય બજાર: જે વસ્તુઓ કે સેવાઓનાં ખરીદ-વેચાણ માત્ર એક રાષ્ટ્ર પૂરતું સીમિત ન હોય, પરંતુ વિશ્વના અનેક રાષ્ટ્રમાં પ્રસરેલાં હોય તેને આંતરરાષ્ટ્રીય બજાર કહે છે. આ બજારને વૈશ્વિક બજાર પણ કહે છે, જે વિશ્વના વિવિધ દેશોનાં બજારો સુધી વિસ્તરિત હોય છે.જેમ કે, ઓસ્ટ્રેલિયાનું ઊન, સ્વિટઝરલેન્ડની ઘડિયાળ, ભારતની ચા, ચીનનાં રમકડાં, અંગ્રેજી નવલકથાઓ, જાપાનનાં ઇલેક્ટ્રોનિક ઉપકરણો વગેરે વસ્તુઓ આંતરરાષ્ટ્રીય બજાર ધરાવે છે. આંતરરાષ્ટ્રીય બજારમાં થતાં ખરીદ વેચાણને આયાત-નિકાસથી ઓળખવામાં આવે છે,


2. જથ્થા આધારિત બજાર


(i) જથ્થાબંધ બજાર : જે બજારમાં મોટા જથ્થામાં વસ્તુઓનું ખરીદ-વેચાણ થાય છે, તેને જથ્થાબંધ બજાર કહે છે.

જેમ કે, કાપડ બજારમાં ગાંસડી મુજબ થતાં ખરીદ-વેચાણ, અનાજ બજારમાં ગુણી મુજબ થતાં ખરીદ વેચાણ, તેલમાં ટેન્કરો મુજબ થતાં ખરીદ-વેચાણ જથ્થાબંધ બજારમાં વેપારી ઉત્પાદક પાસેથી મોટા જથ્થામાં વસ્તુઓ ખરીદે છે અને તેને છૂટક બજારના વેપારીઓને વેચે છે.


(ii) છૂટક બજાર : જે બજારમાં નાના જથ્થામાં વસ્તુઓનું ખરીદ-વેચાણ થાય છે, તેને છૂટક બજાર કહે છે, જેમ કે, કરિયાણાંનું બજાર, શાકભાજીનું બજાર, કપડાંનું બજાર વગેરે છૂટક બજાર છે.

-- છૂટક બજારમાં છૂટક વેપારીનો મોટા જથ્થામાં વસ્તુઓની ખરીદી કરી નાના જથ્થામાં છૂટક રીતે તેઓ ગ્રાહકોને વેચે છે. આમ, છૂટક બજારના વેપારીઓ વસ્તુઓનું પુન:વેચાણ કરી ગ્રાહકોને તેમની જરૂરિયાતોની વસ્તુઓ પહોંચાડે છે.



(3) પૂર્ણ હરીફાઈનાં લક્ષણો સમજાવો.

-- પૂર્ણ હરીફાઈવાળું બજાર એક આદર્શ બજાર છે, પરંતુ તે માત્ર સિદ્ધાંતમાં જ છે. કારણ કે, તેનાં લક્ષણો બજારમાં ભાગ્યે જ જોવા મળે છે.

-  પૂર્ણ હરીફાઈવાળા બજારમાં ઇજારાનો અભાવ હોય છે.

-- શ્રીમતી રોબિન્સનનાં મતે, "પૂર્ણ હરીફાઈ ત્યાં અસ્તિત્વ ધરાવે છે.જ્યાંઉત્પાદકની ઉત્પાદિત વસ્તુની માંગ સંપુણ મૂલ્યસાપેક્ષ હોય."

-- પ્રો. લેટવિયના મતે, "પૂર્ણ હરીફાઈ એક એવી બજાર વ્યવસ્થા છે કે, જેમાં બજારકિંમતને અસર પહોંચાડી શકે તેટલી મોટી પેઢી સમગ્ર બજારમાં ન હોવા સાથે ઘણી પેઢીઓ સમાનગુણી વસ્તુઓનું વેચાણ કરે છે." > પૂર્ણ હરીફાઈનાં લક્ષણો :


1. અસંખ્ય ખરીદનારા અને અસંખ્ય વેચનારા : પૂર્ણ હરીફાઈવાળા બજારમાં ખરીદનારા ગ્રાહકો અને વેચનારા વેપારીઓની સંખ્યા ખૂબ જ મોટી હોય છે. આમ હોવાને કારણે કોઈ એક વેચનાર આખા બજારના પુરવઠા પર અંકુશ રાખી શકતો નથી અને તેથી તે વસ્તુની બજારકિંમત ઉપર અસર પહોંચાડી શકતો નથી. તે જ રીતે કોઈ એક ખરીદનાર કે અમુક સંખ્યાના કે ખરીદનારાઓ માંગના ફેરફાર દ્વારા વસ્તુની બજારકિંમત પર અસર પાડી શક્યા નથી.

આ બજારમાં વસ્તુની કિંમત, વસ્તુની માંગ અને પુરવઠા દ્વારા નક્કી થાય છે. તેથી વેચનાર અને ખરીદનાર બજારમાં માત્ર કિંમત સ્વીકારનાર (Price tallker) બની રહે છે.


2. સમરૂપ (સમાનગુણી) વસ્તુઓ : પૂર્ણ હરીફાઈવાળા બજારમાં તમામ વસ્તુઓ સમાનગુણી એટલે કે એકબીજાની સંપૂર્ણ અવેજી વસ્તુઓ હોય છે.

બજારમાં વસ્તુઓ સમાનગણી હોવાથી વેચનારાઓ વસ્તુની જુદી જુદી કિંમત લઈ શકતા નથી અને ખરીદનારાઓ તેની જુદી જુદી કિંમત ચૂકવવા તૈયાર થતા નથી. આમ, બજારમાં વસ્તુની કિંમત એકસરખી જોવા મળે છે.


3. પેઢીઓની મુક્ત અવર-જવર : પૂર્ણ હરીફાઈવાળા બજારમાં નવી પેઢીઓને પ્રવેશવાની અને જુની પેઢીઓને બજારમાંથી નીકળી જવાની સ્વતંત્રતા હોય છે, તેથી અસામાન્ય નફાથી આકર્ષાઈ નવી પેઢીઓ ઉદ્યોગમાં દાખલ થાય છે અને ખોટ કરતી પેઢીઓ ઉદ્યોગ છોડી જાય છે.

પૂર્ણ હરીફાઈવાળા બજારમાં પેઢીઓની મુક્ત અવર-જવર માત્ર ટૂંકા ગાળામાં જોવા મળે છે, પરંતુ લાંબા ગાળે સામાન્ય નફાની સ્થિતિમાં પેઢીઓની ઉદ્યોગમાંની અવર-જવર આપોઆપ બંધ થાય છે.


4. બજારની પરિસ્થિતિનું સંપૂર્ણ જ્ઞાન : પૂર્ણ હરીફાઈવાળા બજારમાં વેચનારાઓને અને ખરીદનારાઓની બજારની સ્થિતિ એટલે કે વસ્તુની કિંમત, ગુણવત્તા, અવેજી વસ્તુઓ વગેરેનું સંપૂર્ણ જ્ઞાન હોય છે. તેથી ઉત્પાદકોખરીદનારાઓ પાસેથી જુદી જુદી કિંમત લઈ કિંમત ભેદભાવ સર્જી શકતા નથી.

આમ, ખરીદનાર, વેચનાર અને ઉત્પાદક પક્ષે બજાર અંગેનું સંપૂર્ણ જ્ઞાન હોવાથી બજારમાં વસ્તુની એકસરખી કિંમત પ્રવર્તે છે. તેથી આ બજારમાં માંગરેખા સંપૂર્ણ મૂલ્યસાપેક્ષ બને છે.


5. ઉત્પાદનનાં સાધનો સંપૂર્ણ ગતિશીલ : પૂર્ણ હરીફાઈવાળા બજારમાં ઉત્પાદનનાં ચાર સાધનો - જમીન, મૂડી, શ્રમ અને નિયોજક બધી જ રીતે સંપૂર્ણ ગતિશીલ હોય છે. ઉત્પાદનનાં સાધનો સંપૂર્ણ ગતિશીલ હોવાને કારણે આવાં સાધનો ઓછા વળતરને બદલે વધુ વળતર માટે ઉપયોગમાં લેવાય, તે સ્થિતિને રોકવા પેઢીઓ ઉત્પાદનનાં બધાં સાધનોને એકસમાનવળતર આપે છે. આમ, આ બજારમાં ઉત્પાદનનાં બધા સાધનોની કિંમત (વળતર) એકસરખી હોય છે.


6. વાહનવ્યવહાર ખર્ચનો અભાવ : પૂર્ણ હરીફાઈવાળા બજારમાં જ્યાં જ્યાં ખરીદનારા છે ત્યાં ત્યાં વેચનારા હોય છે. તેથી જ વસ્તુઓની હેરફેર માટે વાહનવ્યવહારનો ખર્ચ શુન્ય છે એમ સ્વીકારી લેવામાં આવે છે.

-- આમ, વાહનવ્યવહાર ખર્ચનો અભાવ ના બજારનું એક મહત્વનું લક્ષણ ગણાય છે.



(4) ઇજારાનાં લક્ષણો સમજાવો.

ઇજારો એ બજારનો એક માત્ર સૈદ્ધાંતિક ખ્યાલ છે. તે બજારની એવી સ્થિતિ છે, જ્યાં હરીફાઈનો સંપૂર્ણ અભાવ હોય છે. ઇજારો એક એવું બજાર છે, જ્યાં એક જ ઉત્પાદક કે વેચનાર હોય છે. જે એવી વસ્તુનું ઉત્પાદન અને વેચાણ કરે છે, જેની સંપૂર્ણ અવેજી વસ્તુ બજારમાં ન જ હોય. આમ, ઉત્પાદક કે વેચનાર ઇજારામાં કોઈ વસ્તુના બજારપુરવઠા પર સંપૂર્ણ પણે અંકુશ ધરાવતો હોય છે. તેને ઇજારાદાર કહેવામાં આવે છે. જેમ કે તાર-ટપાલ ખાતું, ભારતીય રેલવે, ટોરેન્ટ પાવર વગેરે ઇજારાનાં ઉદાહરણો છે.

પ્રો. ચેમ્બરલીન જણાવે છે કે, "વસ્તુના પુરવઠા પર કોઈ એક પેઢીનો અંકુશ હોય, તો તે ઇજારો છે. "


ઇજારાનાં લક્ષણો :


1. એક જ ઉત્પાદક કે વેચનાર અને અસંખ્ય ખરીદનાર : ઇજારામાં ઉત્પાદક કે વેચનાર એક જ હોય છે. તેથી ઉત્પાદકનો કોઈ જ હરીફ હોતો નથી અને તે વસ્તુની કિંમત પર સંપૂર્ણ કાબૂ ધરાવે છે. આથી ઉત્પાદક કે વેચનારને કિંમત નક્કી કરનાર તરીકે ઓળખવામાં આવે છે. ઈજારામાં ખરીદનાર અસંખ્ય હોય છે. તેથી હરીફાઈ માત્ર ખરીદનારાઓ વચ્ચે જ હોય છે. આમ, ખરીદનારાઓ વસ્તુની કિંમતને અસર કરી શકતા નથી.


2. નજીકની અવેજી વસ્તુનો અભાવ : ઇજારાની આ એક મહત્ત્વની લાક્ષણિકતા છે. ઇજારામાં ઉત્પાદક કોઈ એક વસ્તુ પર સંપૂર્ણ કાબૂ ધરાવે છે. તેથી તે વસ્તુની અવેજી વસ્તુ બજારમાં ઉપલબ્ધ નથી. વાસ્તવમાં શુદ્ધ ઇજારોકાલ્પનિક હોઈ માત્ર નજીકની અવેજી વસ્તુનો અભાવ હોય છે, પરંતુ દુરની અવેજી વસ્તુઓ હોવાની શક્યતા છે. - જેમ કે, તમામ સાબુના ઉત્પાદક તમામ સાબુના ઉત્પાદન પર અંકુશ ધરાવે છે, પરંતુ બજારમાં આ સાબુની અવેજ માં બીજા સાબુ મળી શકે છે. તેથી અહીં ઉત્પાદકનો ઇજારો સ્થપાતો નથી, AMTSની સર્વિસ અને રીક્ષાઓ એકબીજાની હરીફ છે, પરંતુ રીક્ષાઓ AMTS સર્વિસની નજીકની અવેજીમાં નથી, તેથી AMTSનો ઇજારો સ્થપાય છે. આમ, અવેજી વસ્તુનો અભાવ ઇજારાનું સર્જન કરે છે.


3. પેઢીઓનો પ્રવેશ બંધ : ઇજારાનું આ અનિવાર્ય લક્ષણ છે. ઇજારાનું બજાર એવું બજાર છે કે, જેમાં ઉત્પાદક પેઢી ટૂંકા ગાળામાં અસામાન્ય નફો પ્રાપ્ત કરે છે અને તેને લાંબા ગાળામાં ટકાવી રાખવા સમર્થ હોય છે. આ સ્થિતિમાં જોઅન્ય પેઢીઓ બજારમાં દાખલ થાય, તો હરીફાઈ વધે અને ઇજારો તૂટે.

ઇજારાના બજારમાં અસામાન્ય નફાની સ્થિતિ હોવા છતાં કાયદેસર રીતે અથવા નૈસર્ગિક રીતે અન્ય પેઢી માટે પ્રવેશબંધી છે.જેમ કે, ભારતીય રેલવે કાયદેસર અમલમાં આવેલ ઇજારો છે, જ્યારે ખનિજ તેલક્ષેત્રો નૈસર્ગિક ઇજારાની સ્થિતિ છે.


4. કિંમત અથવા વેચાણ પર કાબૂ : ઇજારામાં ઉત્પાદક કે વેચનાર એકસાથે વસ્તુની કિંમત અને વસ્તુના વેચાણ પર કાબૂ મેળવી શકતો નથી.અર્થાત જો ઉત્પાદક વસ્તુની કિંમત વધારવા ઇરછતા હોય, તો તેણે બજારમાં વસ્તુનો પુરવઠો ઘટાડવો પડે છે અને જો તે વસ્તુનો પુરવઠો વધારવા ઇરછતા હોય, તો તેણે કિંમતમાં ઘટાડો સ્વીકારવો પડે છે. આમ, ઇજારામાં ઉત્પાદક કિંમત અને વેચાણ એમ બંને પર એક સમયે એકસાથે કાબૂ મેળવી શકતો નથી. તેમજ વસ્તુની ઊંચી કિંમત લઈ વધુ વેચાણ કરી મહત્તમ નફો મેળવવાનું ઇજારાદાર માટે શક્ય નથી.


5. અસામાન્ય નફો : ઇજારાવાળા બજારમાં ઉત્પાદક પેઢી ટૂંકા ગાળામાં તેમજ લાંબા ગાળામાં કોઈ પણ હરીફાઈ વગર અસામાન્ય નફાની સ્થિતિનો લાભ મેળવી શકે છે. અહીં, ઉત્પાદક કે વેચનાર સરેરાશ ખર્ચથી ઊંચી કિંમત નક્કી કરી અસામાન્ય નફો મેળવી શકે છે.


6. કિંમત ભેદભાવઃ ઇજારામાં ઉત્પાદક કે વેચનાર કિંમત નક્કી કરનારા હોવાથી ઘણી વાર જુદા જુદા ખરીદનારાઓ પાસેથી વસ્તુના ઉપયોગ અનુસાર તે જુદી જુદી કિંમત વસૂલી કિંમત ભેદભાવની નીતિ અમલમાં મુકે છે.

જેમ કે, ડૉક્ટર, જુદા જુદા દર્દીઓ પાસેથી એક જ રોગની જુદી જુદી માત્રા મુજબ અલગ અલગ તપાસ ફી વસૂલી શકે છે.


7. પેઢી એ જ ઉદ્યોગ : પેઢી એટલે ઉત્પાદન કરતું એક સ્વતંત્ર એકમ, જ્યારે ઉદ્યોગ એટલે સમાનગુણી વસ્તુઓનું ઉત્પાદન કરતી પેઢીઓનો સમૂહ. 

> ઇજારામાં ઉત્પાદક કે વેચનાર એક જ હોવાથી વાસ્તવમાં તે પેઢી છે અને ઉદ્યોગમાં પેઢીઓનો સમૂહ પણ આ એક પેઢીથી જ થાય છે. તેથી ઇજારાવાળા બજારમાં પેઢી એ જ ઉધોગ છે.


(5) અલ્પ હસ્તક ઈજારાનાં લક્ષણો સમજાવો.

-- અલ્પ હસ્તક ઇજારો એક એવું બજાર છે, જેમાં અલ્પ ઉત્પાદકો કે વેચનારાઓ સમાનગુણી વસ્તુઓ અથવા નજીકની અવેજી વસ્તુઓનાં ઉત્પાદન કે વેચાણનું કાર્ય કરે છે.


અલ્પ હસ્તક ઇજારાનાં લક્ષણો :


1. અલ્પ વેચનારા અને અસંખ્ય ખરીદનારા : અલ્પ હસ્તક ઇજારા-વાળા બજારમાં ઉત્પાદક કે વેચનારની સંખ્યા ખૂબ જ મર્યાદિત (બેથી વધુ અને દસથી વીસ સુધી) હોય છે. તેથી તેઓ બજારકિંમત પર કાબૂ ધરાવે છે. આ બજારમાં ખરીદનારા અસંખ્ય હોવાથી તેઓ વસ્તુની કિંમત પર અસર પાડી શકતા નથી.


2. સમાનગુણી કે નજીકની અવેજી વસ્તુ : અલ્પ હસ્તક ઇજારા-વાળા બજારમાં જ્યારે પેઢીઓ સમાનગુણી વસ્તુઓનું ઉત્પાદન કે વેચાણ કરે છે, ત્યારે તેવા બજારને સંપૂર્ણ અલ્પ હસ્તક ઇજારો કહેવાય છે. આ પ્રકારના બજારમાં જ્યારે પેઢીઓ નજીકની અવેજી વસ્તુઓનું ઉત્પાદન કે વેચાણ કરે ત્યારે તેવા બજારને અપૂર્ણ અલ્પ હસ્તક ઇજારો કહેવાય છે. 


૩. પેઢીઓનો પ્રવેશ : અલ્પ હસ્તક ઇજારાવાળા બજારમાં જો મુક્ત અલ્પ : હસ્તક ઇજારો પ્રવર્તમાન હોય, તો ઉદ્યોગમાં નવી પેઢીઓ માટેનો પ્રવેશ મુક્ત હોય છે અને જો પ્રતિબંધિત અલ્પ હસ્તક ઇજારો પ્રવર્તમાન હોય ત્યારે ઉદ્યોગમાં નવી પેઢીઓને પ્રવેશબંધી હોય છે.


4. વેચાણખર્ચ : અલ્પ હસ્તક ઇજારામાં હરીફાઈ તીવ્ર હોવાથી વેચાણખર્ચ ખૂબ જ ઉપયોગી છે. હરીફાઈને કારણે ઉત્પાદકો કે વેપારીઓ ખરીદનારાઓ (ગ્રાહકો)ને આકર્ષવા વેચાણખર્ચનો ઉપયોગ કરે છે. જેમ કે; કાર, ઇલેક્ટ્રૉનિક ઉપકરણો વગેરેના ઉત્પાદકો વેચાણ - ખર્ચના માધ્યમથી તેમના ઉત્પાદનની એક ચોક્કસ ઓળખ ઊભી થાય છે.


5. પરસ્પર અવલંબન : અલ્પ હસ્તક ઇજારાવાળા બજારમાં ઉત્પાદક કે વેચનારાની સંખ્યા ખૂબ જ ઓછી હોવાથી તેઓ પોતાની વસ્તુઓના પ્રકાર અને ગુણવત્તા તેમજ હરીફ પેઢીઓની વસ્તુઓના પ્રકાર અને ગુણવત્તાથી માહિતગાર રહે છે. જ્યારે પેઢી પોતાની વસ્તુની ગુણવત્તા કે કિંમત સંદર્ભમાં નિર્ણય લેવાનું વિચારે છે, ત્યારે હરીફ પેઢીઓની વર્તણૂક પર એક અથવા બીજી રીતે આધાર રાખે છે. આમ, અલ્પ હસ્તક ઇજારામાં હરીફ પેઢીઓનું પરસ્પર અવલંબન જોવા મળે છે.


6. કિંમત ચુસ્તતા (ખાંચાવાળી માંગરખા) : અલ્પ હસ્તક ઇજારામાં પેઢીઓનું પરસ્પર અવલંબન હોય છે અને પેઢીઓની સંખ્યા અલ્પ હોય છે. જો કોઈ પેઢી વસ્તુની કિંમત ઘટાડે તો તેની માંગ વધશે, જ્યારે હરીફ પેઢીઓની માંગમાં ઘટાડો થશે. પરિણામે હરીફ પેઢીઓને પણ ફરજિયાત રીતે વસ્તુની કિંમત ઘટાડવી પડે છે, પરંતુ જો એક પેઢી વસ્તુની કિંમત વધારે તો તેની માંગ ઘટશે, જેનો લાભ હરીફ પેઢીઓને થશે

. તેથી હરીફ પેઢીઓ વસ્તુની કિંમત ઘટાડશે, પરંતુ વસ્તુની કિંમત વધારવાનું વિચારતી નથી. આમ, આ પ્રકારની કિંમત હરીફાઈને કારણે વસ્તુની કિંમત કોઈ એક નિગ્ન સ્તરે પહોંચે છે. જ્યાંથી કિંમત નો વધારો કે ઘટાડો શક્ય બનતો નથી. વસ્તુની કિંમતનું આ નિગ્ન સ્તર ચુસ્ત બને છે, જેને કિંમત ચુસ્તતા કહે છે.
















 

વધુ નવું વધુ જૂનું