Q - 1. નીચેના પ્રશ્નોનાં એક-એક વાક્યમાં ઉત્તર લખો :
(1) મણિભાઈને શી શિક્ષા થયેલી?
જવાબ :- મણિભાઈને જેલની શિક્ષા થયેલી.
(2) શા કારણે સરકારે મણિભાઈને છોડી મૂક્યા?
જવાબ :- જેલ માં રહેવાથી મણિભાઈનું શરીર દુબળું પડી ગયું હતું. વધારે સમય જેલમાં રાખવાથી મણિભાઈનું મૃત્યુ થશે તેવો સરકારને ડર હતો એટલે સરકારે મણિભાઈને છોડી મૂક્યા.
(3) હૃદયપરિવર્તન કરવા મણિભાઈ શો પ્રયત્ન કરતા?
જવાબ :- હૃદયપરિવર્તન કરવા મણિભાઈ ઉપવાસ કરતા અને તેમનાથી મોટા, વિદ્વાન અને ગાંધીજીના વિચારોને અનુસરતા સાથીઓ પાસે જઈને તેમની શાંત વાણી સંભાળતા.
(4) હીરાને કયો શોખ હતો?
જવાબ :- હીરાને ઘરેણાં પહેરવાનો શોખ હતો.
(5) મણિભાઈએ ગાંધીજીને શો પ્રશ્ન કરેલો?
જવાબ :- મણિભાઈએ ગાંધીજીને એ પ્રશ્ન કરેલો, ”આવું કેવી કે હું મૂંગે મોંએ ગાળ ખાઈ લું તો ભારતમાતા આઝાદ થાય?”
(6) મણિભાઈનું રસ્તામાં સ્વાગત કોને અને શી રીતે કર્યું?
જવાબ :- મણિભાઈનું રસ્તામાં બે-ચાર કૂતરાઓ પહેલા ભસીને અને પછી પૂંછડી હલાવીને સ્વાગત કર્યું.
Q - 2. નીચેના પ્રશ્નોના ત્રણ-ચાર વાક્યમાં ઉત્તર લખો :
(1) ઘરે જતા મણિભાઈએ શી વિમાસણ અનુભવી?
જવાબ :- મણીભાઈનું શરીર નિર્બળ બનતા અંગ્રેજ સરકારે તેમને જેલમુક્ત કર્યા હતા. ધુળીયે રસ્તા ચાલતા મણિભાઈ ઘરે પહોંચે છે. સામાન્ય રીતે ઘરે પાટ પર કોઈ બેઠેલું રહેતું પરંતુ આજ કોઈને પાટ પર બેઠેલા જોયા નહીં. મણિભાઈ ને ચિંતા થઇ કે કોઈ સાજુમાંદુ તો નહીં હોય ને? ચિંતિત મણિભાઈ ઘર આગળ ઊભા રહ્યા તો કોઈ દિવસ બંધ ન રહેતું કમાડ કિચુડ કરતુ બંધ થઇ ગયું. એમણે સાંકળ ખખડાવી. કોઈ બોલ્યું નહીં. મણિભાઈએ જરા જોરથી ખખડાવ્યું. સામેના ઘરની મેડીની બારીઓ ખૂલી અને પછી ધડાધડ બંધ થઇ ગઈ. આ બધું અજુગતું જોઈ મણિભાઈએ વિમાસણ અનુભવી.
(2) હીરાને જોઈ મણિભાઈએ શું આશ્ચર્ય અનુભવ્યું?
જવાબ :- હીરા મણિ ભાઈની પત્ની હતી. હીરાને દાગીનાનો ખૂબ જ શોખ હતો. નાના નાના પ્રસંગોમાં પણ તે ભારે દાગીના પહેરતી. મણિ ભાઈ આઝાદીની લડત લડતા જેલમાં ગયા હતા. જેલવાસને કારણે મણિભાઈનું જીવન તો બદલાઈ જ ગયું હતું પરંતુ હીરાનું પણ જીવન બદલાઈ ગયું હતું. હમેશા ઘરેણાંથી લદાયેલી રહેતી હીરાએ ખાદીની જાડી, દોઢવેલી સાડી પહેરી હતી અને એનાં શરીર પર એક પણ દાગીનું ન હતું. સાદગી જ એનું ઘરેણું જણાતું હતું. હીરાનું આ રૂપ જોઈ મણિભાઈએ આશ્ચર્ય અનુભવ્યું.
(3) હીરાએ ઝાપટ મારીને મણિભાઈને કયું સત્ય સમજાવ્યું?
જવાબ :- વર્ષોના જેલવાસ પછી મણિભાઈ પોતાની પત્નીને મળે છે. વિચારમાં ને વિચારમાં તેઓ ભાગોળે લીધેલાં બીડી બાકસ કાઢે છે અને જેવી દીવાસળી પેટાવવા જાય છે ત્યારે હીરા તેમનાં હાથ પર ઝાપટ મારીને કહે છે કે “રાખો હવે! શોભતા નથી: માં’ત્માના માણસ થઇને!” આમ હીરા મણિભાઈ મહાત્માના માણસ છે તેમને આવું બધું શોભતું નથી એ સત્ય સમજાવ્યું.
(4) હીરા શાથી બદલાઈ ગયેલી?
જવાબ :- મણિભાઈ આઝાદીની ચળવળમાં જોડાઈ જેલવાસ ભોગવતા હતા. તેમની પત્ની હીરા ઘરે એકલી રહેતી હતી. મણિભાઈના બાપુજીની જો હુકમી અને મા ના નિર્બળ વિરોધ વચ્ચે હીરાએ રહેવાનું શીખી લીધું હતું. હીરાના પિયરિયાનું વલણ પણ બદલાઈ ગયું હતું. મણિભાઈના બધા સવાલોનો એક માત્ર જવાબ હીરા એ આપે છે કે ‘જ્યાં તમે ત્યાં હું!’ આમ, હીરાએ આઝાદીની ચળવળમાં જોડાયા વગર જ મણિભાઈના વિચારોને અપનાવી લીધા હતા. મણિભાઈનું જેલવાસ અને ગાંધીજી ના સંગાથને કારણે જીવન બદલાઈ ગયું હતું પરંતુ પતિના પગલે પગલે હીરા પણ બદલાઈ ગયેલી.
Q - 3. નીચેના પ્રશ્નોના સવિસ્તર ઉત્તર લખો :
(1) ઘર તરફ જતા મણિભાઈનું મનોમંથન આલેખો.
જવાબ :- મણિભાઈ ની નિર્બળ શારીરિક હાલત જોઈને સરકાર તેમને જેલમુક્ત કરે છે. મણિભાઈ ગામના ધૂળિયા માર્ગ પર ચાલતા મનોમંથન કરે છે. મણિભાઈ વિચારે છે કે તેમનું શરીર દુબળું પડી જવાથી જખ મારીને સરકારે છોડ્યો છે પોતે કંઈ માફી માંગીને છૂટ્યા નથી. જેલવાસ લાબશે તો પોતાની ઠાઠડી જ નીકળશે તેવો ડર સરકારને લાગ્યો એટલે જ છોડી મુક્યો. મણિભાઈ વિચારે છે કે સરકારે જો તેમને ન છોડ્યા હોત તો તેઓ પણ હજી ચક્કી પીસતા હોત, દંડૂકાનો માર ખાતા હોત, કાંકરીવાળા રોટલા તરછોડીને ઊભા થઇ જતા હોત અને નવી નવી શિક્ષા સહન કરતા હોત. મણિભાઈથી ક્યારેય કોઈ ગાળ આપે તે સહન થતું નહીં. જીગરજાણ મિત્રના મોંએ થી ગાળ ન સાંભળી શકતા મણિભાઈને જેલમાં બે ટકાના વોર્ડરો ધમકાવતા. ઘરે જતા મણિભાઈ અનુભવતા હતા કે જાણે જેલમાં મહિનાઓ નહીં પરંતુ વરસોના વરસ રહ્યા હોય. જાણે એક ભવ વીતી ગયો હોય. પોતાને જોઈને બા શું કરશે? બા નું લાજ કાઢવાનું બંધ કરાવવું પડશે. પોતાના બા વિશે મણિભાઈ આવું બધું વિચારે છે. પત્ની અને છોકરાના વિચારો પણ મણિભાઈને ઘેરી વળે છે મણિભાઈ બ્રહ્મચર્ય અને અહિંસા વિશે પણ વિચારે છે. આમ, ઘર તરફ જતા મણિભાઈના મનમાં જાત જાતનાં મનોમંથન ચાલે છે.
(2) ‘મા’ત્માના માણસ’ શીર્ષકની યથાર્થતા ચર્ચો.
જવાબ :- મહાત્મા ગાંધીના સાથી મણિભાઈ નાં અનુભવોને ‘મા’ત્માના માણસ’ નવલિકામાં વર્ણવવામાં આવ્યા છે. મણિભાઈ ગાંધીજી સાથે આઝાદીની ચળવળમાં જોડાયા હતા અને જેલવાસ ભોગવ્યો હતો. એ સમયે આઝાદીની ચળવળમાં જોડતા લોકોને ખૂબ જ કષ્ટો સહન કરવા પડતા હતા. મણિભાઈ પણ પોતાનો અભ્યાસ અધુરો છોડીને આઝાદીની ચળવળમાં જોડાયા હતા. જીગરી મિત્રની પણ ગાળ સહન ન કરી શકતા મણિભાઈને જેલમાં બે કોડી ના વોર્ડન ધમકાવતા હતા. જયારે આ બધું અને જેલની તકલીફો સહન ન થતી ત્યારે જેલમાં તેમનાંથી મોટા અને વિદ્વાન જેલવાસીઓની સંગતથી શાંતિ મળતી. હૃદય પરિવર્તન કરવા મણિભાઈ ઉપવાસ કરતા. જેલમાંથી છુટતી વખતે મણિભાઈ મનોમંથન અનુભવે છે. પત્નીને મળ્યા પછી મણિભાઈ બીડી બાકસ લઈને દીવાસળી સળગાવવા જાય છે તો પત્ની તેમના હાથ પર ઝાપટ મારીને કહે છે કે મા’ત્માનાં માણસ થઇ તમને આવું શોભતું નથી. આમ, ‘મા’ત્માના માણસ’ શીર્ષક યથાર્થ ઠરે છે.
(3) સત્યાગ્રહી મણિભાઈનો અનુભવ તમારા શબ્દોમાં વર્ણવો.
જવાબ :- મણિભાઈ ગાંધીજીના સંપર્કમાં આવ્યા બાદ આઝાદીની ચળવળમાં જોડાયા હતા અને જેલવાસ પણ ભોગવ્યો હતો. જેલમાં તેમણે ચક્કી પીસવી પડતી, દંડૂકાનો માર સહન કરવો પડતો કાંકરીવાળા રોટલા મળતા જેને મણિભાઈ તરછોડી નાખતા. રોજ નવી નવી શિક્ષા ભોગવવી પડતી. મણિભાઈ કોઈને ગાળ સાંભળી શકતા નહીં. જીગરી મિત્રની પણ ગાળ સહન ન કરી શકતા મણિભાઈને જેલમાં બે કોડી ના વોર્ડન ધમકાવતા હતા. જયારે આ બધું સહન ન થતું અને તેના પશ્ચાતાપ રૂપે તેઓ ઉપવાસ કરતા અને પોતાનાથી ઉંમરમાં મોટા અને વિદ્વાન અને ગાંધીજીની વિચારધારા અનુસરતા કેદીઓ પાસે જઈ તેમની શાંત વાણી સંભાળતા ત્યારે તેમને શાંતિ મળતી. જાણ્યે અજાણ્યે પોતાની ભૂલોને કારણે મણિભાઈ ને સરકારી કર્મચારીઓનો માર ખાવો પડતો અને સાથીદારોનો ઠપકો પણ સંભાળવો પડતો. જેલવાસ દરમિયાન તેઓ સાથીઓની મદદથી ઠીક ઠીક ભણ્યા અને તેમનાં જીવનમાં પરિવર્તન આવ્યું. તેમની પત્ની પણ તેમણે મહાત્માના માણસ કહે છે. પતિના પગલે તેનાં જીવનમાં પણ પરિવર્તન આવે છે.
