Q - 1. નીચેના પ્રશ્નોના એક વાક્યમાં ઉત્તર લખો :
(1) કવિ કોને સંબોધીને આ કાવ્ય રચે છે?
જવાબ :- કવિ પોતાની પ્રથમ પત્નીને સંબોધીને આ કાવ્ય રચે છે.
(2) કવિ શા કારણે અસ્વસ્થ થયેલા છે?
જવાબ :- કવિ પોતાની પત્નીના અવસાનને કારણે અસ્વસ્થ થયેલા છે.
(3) મિલન અને વિયોગનું સાક્ષી કોણ બન્યુ છે?
જવાબ :- અગ્નિ મિલન અને વિયોગનો સાક્ષી બન્યો છે.
(4) ‘છેલ્લું દર્શન’ કાવ્યમાં શો ભાવ સમાયેલો છે?
જવાબ :- ‘છેલ્લું દર્શન’ કાવ્યમાં સૌન્દર્યયોગની કૃતાર્થતાનો અને સૌન્દર્યપૂજન નો ભાવ સમાયેલો છે.
Q - 2. નીચેના પ્રશ્નોના ત્રણ-ચાર વાક્યમાં ઉત્તર લખો :
(1) કવિ શેના વડે પૂજન-અર્ચન કરવા કહે છે? શા માટે?
જવાબ :- કવિ અગરુ, દીપ, ચંદન, ગુલાલ, કુમકુમ, શ્રીફળ વગેરે સામગ્રીઓ વડે પૂજન-અર્ચન કરવા કહે છે. કારણકે આ સૌન્દર્ય અંત સુધી વિકસતું રહે છે અને કદી પણ ક્ષય પામતું નથી. તેથી તે વિભૂતિરૂપ છે. તેના માટે આવું આવું પૂજન અર્ધ્ય જ યોગ્ય છે.
(2) છેલ્લું દર્શન એવું કવિ શા માટે કહે છે?
જવાબ :- આ કાવ્ય કવિએ તેમની પત્નીના અવસાન નિમિત્તે લખ્યું હતું. તેને કવિ છેલ્લું દર્શન કહે છે. આ કાવ્ય સુંદરીનું નથી, સૌન્દર્યનું છે, માંગલ્યનું છે. અહી સૌન્દર્યના ઉપભોગની વાત નથી પરંતુ સૌન્દર્ય પૂજનની વાત છે. સૌન્દર્ય નું એ દર્શન પત્નીના અંતિમ સંસ્કાર પછી કરવા નહીં મળે માટે સૌન્દર્યનું આ છેલ્લું દર્શન છે. એ કૃતાર્થતા પ્રેરનારું દર્શન છે. માટે કવિ છેલ્લું દર્શન એવું કહે છે.
(3) ‘ધમાલ’ શબ્દ દ્વારા કઈ મનોદશા પ્રગટે છે? શા માટે?
જવાબ :- ‘ધમાલ’ શબ્દ દ્વારા સ્વજનોની વ્યાકુળ મનોદશા પ્રગટે છે. અને તેનાંથી થતા રોક્કળ વગેરે વ્યવહારો પ્રગટ કરતા રોકવા માટે વપરાયો છે. કવિની પત્નીના મૃત્યુ પછી આવેલા સ્વજનો વ્યાકુળતાથી રોક્કળ કરી મુકે છે. કોઈની આંખોમાંથી આંસુઓ ખાળ્યા ખળાતા નથી ને જેને કારણે વાતાવરણ શોકમય બની જાય છે. આથી કવિ ‘ધમાલ’ શબ્દનો પ્રયોગ કરીને આંસુઓને રોકવાની વિનંતી કરે છે એમ લાગે છે.
Q - 3. વિસ્તૃત ઉત્તર લખો :
(1) ‘છેલ્લું દર્શન’ કાવ્યમાં કવિની મન:સ્થિતિનું આલેખન કરો.
જવાબ :- આ કાવ્ય કવિએ તેમની પ્રથમ પત્નીના અવસાન નિમિત્તે લખ્યું છે. આ એક વ્યક્તિનિષ્ઠ વિરહ-પ્રેમનું કાવ્ય છે. મૃત્યુ પ્રસંગે મનુષ્યનો વ્યક્તિરાગ અત્યંત તીવ્ર બની જાય છે તે જગતની નશ્વરતાનું ભાન કરાવે છે. મૃત્યુ પ્રસંગે જે બનતું હોય છે તે અહીં પણ બને જ છે. કોઈની આંખોમાંથી આંસુઓ ખાળ્યા ખળાતા નથી. કવિનું મન અસ્વસ્થતાથી ભરેલું છે. કવિએ એક વાર નહીં પણ ત્રણ ત્રણ વાર ‘ધમાલ’ શબ્દનો પ્રયોગ કાવ્યમાં કરેલો છે જે કવિની અસ્વસ્થ મનોદશા બતાવે છે. એમ કહી કવિ આ મનોસ્થિતિમાંથી ઉગરવાનો પ્રયત્ન કરે છે. કવિ જે ગુમાવ્યું છે તેનાં કરતાં જે પ્રાપ્ત થયું હતું તેની ધન્યતા તરફ મનને વાળવાનો પ્રયત્ન કરે છે. કવિ મન પર સંયમ રાખી બધી પૂજન અર્ચનની સામગ્રીઓ ધરવાનું કહે છે. કવિ માટે આ સૌન્દર્ય પૂજનીય, પવિત્ર અને માંગલ્યયુક્ત છે. તેને આંસુ સારીને વેડફી નાખવા કરતા એ સૌન્દર્યનું છેલ્લું દર્શન કરી લેવું યોગ્ય છે તેમ કવિ માને છે. કવિ માને છે કે મૃત વ્યક્તિના શરીર પરથી કોઈ સ્મરણચિન્હ લઇ લેવું એ આ સૌન્દર્યને ખંડિત કરવા બરાબર છે. તે સૌન્દર્યનું હૃદય માં પૂરતું સ્થાન છે તે જ ઇષ્ટ છે તેના માટે સ્મરણચિન્હ જેવાં સ્થૂળ આધારની કોઈ જરૂર નથી તેમ કવિ કહે છે. અંતે કવિની આ જીવનદ્રષ્ટિ મૃત્યુની ઘટનાને મંગલમય બનાવી દે છે. કવિ કહે છે કે જે અગ્નિની સાક્ષીએ મિલન થયું હતું તે જ અગ્નિની સાક્ષીએ જુદાં પડી રહ્યાં છી. અગ્નિનું સાક્ષીત્વ એ મંગલતાનું સૂચક છે અને કવિએ કવિતામાં તેનું સુચન કરી મૃત્યુની ઘટનાને પણ મહિમાવંત કરી છે.
(2) કવિએ મૃત્યુની ઘટનાને મંગલમય શી રીતે ગણાવી છે? શા માટે?
જવાબ :- કવિએ છેલ્લું દર્શન કાવ્ય પોતાની પ્રથમ પત્નીના અવસાન નિમિત્તે લખ્યું છે. અહી કવિએ અમુક પ્રસંગો દ્વારા મૃત્યુની મંગલતાનું વર્ણન કર્યું છે. મૃત્યુ જેવી ઘટના બની હોવા છતાં પણ કવિ અસારવાદમાં સારી પડ્યા નથી. જે નષ્ટ થયું છે તેનો શોક મનાવવાને બદલે જે પ્રાપ્ત થયું હતું તેની ધન્યતા કવિ અનુભવે છે. કવિ સૌન્દર્યને પૂજનીય અને મંગલમય ગણે છે તેથી બધી જ પવિત્ર પૂજન અર્ચનની સામગ્રીઓ વડે તેઓ સૌન્દર્યનું પૂજન કરવા કહે છે. સોનેટની અંતિમ બે પંક્તિઓમાં તો કવિએ મૃત્યુની મંગલમયતાને સચોટ રૂપે રજૂ કરી છે. અંતિમ પંક્તિઓમાં કવિ કહે છે કે જે અગ્નિની સાક્ષીએ મિલન થયું હતું તે જ અગ્નિની સાક્ષીએ જુદાં પડી રહ્યાં છી. અગ્નિનું સાક્ષીત્વ એ મંગલતાનું સૂચક છે અને કવિએ કવિતામાં તેનું સુચન કરી મૃત્યુની ઘટનાને પણ મહિમાવંત કરી છે. આમ અહી મૃત્યુ મંગલમય બને છે.
(3) સમજાવો :
“મળ્યાં તુજ સમીપ અગ્નિ! તુજ પાસ જુદાં થીયે;
કહે, અધિક ભવ્ય મંગલ નથી શું એ સુન્દરી?”
જવાબ :- કવિની પત્ની નું મૃત્યુ થયું છે. લોકો આંસુ સારી રહ્યા છે અને રોક્કળ કરી રહ્યા છે પરંતુ કવિના મનોભાવો અહી કૈક અલગ જ છે. કવિનો મૃત્યુ માટેનો દ્રષ્ટિકોણ અલગ જ છે. દંપતી જયારે લગ્ન કરે છે ત્યારે અગ્નિની સાક્ષી એ ફેર ફરે છે અને બંનેનું મિલન થાય છે. અને મૃત્યુ પછી અગ્નિમાં દેહ પંચમહાભૂતમાં વિલીન થઇ જય છે અને બંને એકબીજા થી જુદાં પડે છે. કવિની દ્રષ્ટિએ આ એક મંગલમય સંયોગ છે. અગ્નિનું સાક્ષીત્વ એ મંગલતાનું સૂચક છે અને કવિએ કવિતામાં તેનું સુચન કરી મૃત્યુની ઘટનાને પણ મહિમાવંત કરી છે. આમ અહી મૃત્યુ મંગલમય બને છે.આમ આ મૃત્યુ વિષયક કાવ્યમાં ભાવ અને વિચારનું અદભૂત રસાયણ સિદ્ધ થયેલું છે જે મૃત્યુ જેવી ઘટનાને પણ મંગલમય બનાવી દે છે.
