Q - 1. નીચેના પ્રશ્નોના ઉત્તર એક-એક વાક્યમાં લખો :
(1) નાવિક કોને કોને નાવમાં બેસાડવાની સંમતિ આપે છે?
જવાબ :- નાવિક સીતા, લક્ષ્મણ અને વિશ્વામિત્ર ઋષિને નાવમાં બેસાડવાની સંમતિ આપે છે.
(2) નાવિકે અગાઉ કઈ બાબતના મહિમા વિશે સાંભળ્યું હતું?
જવાબ :- શ્રીરામની ચરણરજના સ્પર્શથી પાષાણ પણ સ્ત્રી બની જાય છે, શ્રી રામના આ મહિમા વિશે નાવિકે અગાઉ સાંભળ્યું હતું.
(3) અંતે કોણ નાવિકના મનનું સમાધાન કરે છે?
જવાબ :- અંતે શ્રી રામના ગુરુ વિશ્વામિત્ર ઋષિ નાવિકના મનનું સમાધાન કરે છે.
(4) નાવિકે શાના વડે શ્રીરામનાં ચરણ પખાળ્યા?
જવાબ :- નાવિકે ગંગાજળ વડે શ્રીરામનાં ચરણ પખાળ્યા.
(5) કવિએ શ્રીરામને કેવા કહ્યા છે?
જવાબ :- કવિએ શ્રીરામને અશરણશરણ અર્થાત નિરાધારના આધાર કહ્યા છે.
Q - 2. નીચેના પ્રશ્નોના સવિસ્તાર ઉત્તર લખો :
(1) નાવિકે શ્રીરામને હોડીમાં બેસાડવાની શા માટે ના પાડી?
જવાબ :- નાવિકે સાંભળ્યું હતું કે શ્રીરામની ચરણરજનો મહિમા પાર છે. એમની ચરણરજના સ્પર્શનો મહિમા અપાર છે. એમની ચરણરજના સ્પર્શથી પાષાણ પણ સ્ત્રી બની જય છે. ઋષિના શાપથી પથ્થર બની ગયેલી અહલ્યા શ્રીરામની ચરણરજના સ્પર્શથી સ્ત્રી બની ગઈ હતી. આથી નાવિકની મૂંઝવણ એ હતી કે એની હોડી ભલે કાષ્ઠની હોય, પણ કાષ્ઠ હોય કે પાષાણ બંને એક જ કહેવાય, એટલે જો શ્રીરામને પોતાની હોડીમાં બેસાડે તો શ્રીરામની ચરણરજના સ્પર્શથી એની હોડી સ્ત્રી બની જાય તો શું કરવું?
એ હોડી તો તેની કમાણીનું સાધન છે અને જો એ જ છીનવાય જાય તો શું કરવાનું? વળી એક સ્ત્રી એટલે કે તેની પત્ની તો ઘરમાં છે જ તેમાં વળી બીજી સ્ત્રી આવે તો બંને નું ભરણપોષણની વ્યવસ્થા પણ કરવી પડે. આથી નાવિક સીતા, લક્ષ્મણ અને વિશ્વામિત્ર ઋષિને પોતાની હોડીમાં બેસાડવા તૈયાર છે પરંતુ શ્રીરામને બેસાડવાની ના પાડી દીધી.
(2) નાવિકે શો વાંધો ઉઠાવ્યો?
જવાબ :- નાવિકે શ્રીરામના પોતાની હોડી માં બેસાડવા વિશે વાંધો ઉઠાવ્યો. નાવિકે એ વાંધો ઉઠાવ્યો કે એ પોતાની હોડીમાં શ્રી રામને નહીં બેસાડે કેમકે તેમની ચરણરજના સ્પર્શથી એની હોડી સ્ત્રી બની જશે અને એની આજીવિકાનું સાધન છીનવાઈ જશે. વળી એક સ્ત્રી તો ઘરમાં છે ને બીજી લાવીને એનું ભરણપોષણ કઈ રીતે કરવું એ પણ તેના માટે ચિંતા નો વિષય બની ગયો.
(3) વિશ્વામિત્ર નાવિકના વાંધાનો શો ઉપાય સૂચવે છે?
જવાબ :- વિશ્વામિત્ર નાવિકના ધંધાનો એ ઉપાય સૂચવે છે કે નાવિક શ્રીરામના ચરણો ને ગંગાજળથી પખાળે, જેથી એમના ચરણમાં સહેજ પણ રજ રહે નહિ અને એની હોડી સ્ત્રી બની ન જાય.
(4) નાવિકે શ્રીરામના ચરણ કેમ પખાળ્યા?
જવાબ :- નાવિકને શ્રીરામને પોતાની હોડીમાં બેસાડવા સામે વાંધો હતો કારણકે એને એમ લાગતું હતું કે રામ જો તેની હોડી માં બેસશે તો એની હોડી પણ અહલ્યાની જેમ સ્ત્રી બની જશે. તેની આ વિમાસણ દૂર કરવા વિશ્વામિત્રે નાવિકને શ્રીરામના ચરણ ગંગાજળથી પખાળવાનું સૂચવ્યું. નાવિકને વિશ્વામિત્રના શબદોમાં વિશ્વાસ હતો. આથી નાવિકે શ્રીરામના ચરણ ગંગાજળથી પખાળ્યા.
Q - 3. મુદ્દાસર નોંધ લખો :
(1) નાવિકનું ભક્તહ્રદય
જવાબ :- નાવિક ભોળો હતો, તે શ્રીરામનો પરમ ભક્ત હતો. ગંગા નદી પાર કરવા તેની પાસે શ્રીરામ. સીતા, લક્ષ્મણ અને વિશ્વામિત્ર આવે છે. સૌએ તેને નદી પાર કરવા જણાવ્યું. નાવિક નું ભક્ત હૃદય વિમાસણમાં મુકાઇ જાય છે. તેણે સાંભળ્યું હતું કે રામનો સ્પર્શ થતા જ પાષાણની અહલ્યા ફરીથી સ્ત્રી બની જાય છે તેથી તેને ડર લાગે છે કે ક્યાંક તેની લાકડાની નાવ પણ રામ નો સ્પર્શ પામીને સ્ત્રી ન બની જાય. વળી એક સ્ત્રી એટલે કે તેની પત્ની ઉપરાંત બીજી સ્ત્રી ના ભરણપોષણ નો ખર્ચ પણ વધી જાય વળી તેની નાવ જો સ્ત્રી બની જાય તો તેની આજીવિકા પણ છીનવાઈ જાય તેથી તે રામ ને પોતાની નાવમાં બેસાડવા માટે તૈયાર થતો નથી.
તેની આ સમસ્યાનો ઉકેલ ઋષિ વિશ્વામિત્ર એ આપે છે કે નાવિકે ગંગાજળથી શ્રીરામના ચરણ પખાળવા અને બધી રજ સાફ કરી નાખવી. નાવિકને વિશ્વામિત્ર પર પૂરો વિશ્વાસ હતો અને તે શ્રી રામનો મહિમા જાણતો હતો. તેથી તેણે ભક્તિભાવપૂર્વક શ્રીરામના ચરણ ગંગાજળથી પખાળ્યા. આ નિમિતે તેને રામના ચરણ પખાળવાની તક મળી.
Q - 4. નીચેના સમાનાર્થી શબ્દોને વાક્યમાં પ્રયોજી તેની અર્થછાયા સમજો :
(1) પાષાણ – પથ્થર
જવાબ :- પાષાણ - રામના સ્પર્શથી પાષાણની અહલ્યા ફરીથી સ્ત્રી બની ગઈ.
પથ્થર – સીતાનું રુદન સાંભળીને પથ્થર પણ પીગળી જશે તેમ લાગતું હતું.
(2) ચરણ – પગ
જવાબ :- ચરણ – નાવિકે રામના ચરણ ગંગાજળથી પખાળ્યા.
પગ – નાવિકે રામના પગ ધોયા.
(3) કાષ્ઠ – લાકડું
જવાબ :- કાષ્ઠ – નાવિકની હોડી કાષ્ઠની બનેલી હતી.
લાકડું – નાવિકને પોતાની લાકડાની હોડી સ્ત્રી બની જશે તો તેવી ચિંતા થવા લાગી.
(4) જળ – પાણી
જવાબ :- જળ – નાવિકે ગંગાજળથી રામના ચરણ પખાળ્યા.
પાણી – ગંગાનું પાણી પવિત્ર હોય છે.
