Q - 1. નીચેનાં પ્રશ્નોનાં ઉત્તર એક-એક વાક્યમાં લખો :
(1) લેખકે ઝમકુ અને જમણનાં સંદર્ભે કોને સાચો યજ્ઞ કહે છે?
જવાબ :- ઝમકુ અને જમન સંસારરૂપી તપોવનમા પરસેવો ટપકાવીને પેટ ગુજારો કરવાનો જે યજ્ઞ કરી રહ્યા છે. તેને લેખક સાચો યજ્ઞ કહે છે.
(2) વેપારી બાપ, એનાં દીકરાને ક્યુ શાસ્ત્ર ભણાવે છે?
જવાબ :- વેપારી બાપ દીકરાને “આગલા પાસેથી કસીને લેવું અને સામાને છેતરે ઇ ચડિયાતો!” એવું શાસ્ત્ર ભણાવે છે.
(3) એક ચીર લેતી શેઠનીને જોઈને ઝમકુને શું સાંભરી આવ્યું?
જવાબ :- ઝમકુને એક એક પલકે પોતાનો મહેનતે ઉઝેરેલ વાડો, મથી મથીને ગાળેલ કુંટીઓ અને માટલે માટલે સારીને ત્રણ મહિના સુધી લગલગાટ પાયેલ પાણી સાંભરી આવ્યા.
(4) સુમનલાલે ઝમકુ શું જોયું?
જવાબ :- સુમનલાલે ઝમકુનાં દરેક જવાબમાં સંધ્યાનાં રંગો જેટલી જ નિખાલસતા જોઈ.
(5) ઝમકુએ માતાજીને શા માટે નારિયળ માન્યું હતું?
જવાબ :- અંધારી રાતે રસ્તામાં કોઈ તેનો પીછો કરીને જાન-માલને નુકસાન ન પહોંચાડે એટલે ઝમકુએ માતાજીનું નાળિયેર માન્યું હતું.
Q - 2. નીચેનાં પ્રશ્નોનાં બે-ત્રણ વાક્યમાં ઉત્તર લખો :
(1) માતાજીએ સે’ પૂરી છે એવું ઝમકુને ક્યારે લાગ્યું?
જવાબ :- “બૂરાઈ નાં દ્વાર પરથી” નવલિકામાં લેખક ઝવેરચંદ મેઘાણીએ શ્રીમંતોની શોષણખોર સંસ્કૃતિ, સ્વાર્થી અને સંવેદનહીન મનોવૃત્તિ અને વિકૃત્તિને છતી કરે છે. ઝમકુ અને જમન ચીભડા વેચવા બેઠા હતા. બેઉ પરગામવાસી હતા, ધૂપમાં બેઠા હતા. ધૂળનાં વંટોળ ઊડી રહ્યા હતા. બંને ગરીબ છે પણ બેઉનાં મોં પર આનંદનો ઉજાસ મલકતો હતો. ચાર દિવસથી ચીભડા વેંચે છે ત્યારે હવે બે ફાંટ ચીભડા વેચવાના બાકી છે. ઝમકુ કહે છે બે દિવસનાં રોટલા સાથે લાવી હતી પરંતુ કરકસર કરી ચાર દિવસ સુધી રોટલા ખાધા હવે બે વખત જેટલા વધ્યા છે. એટલે ઝમકુને એવું લાગે છે કે માતાજી એ તેમની સે’ પૂરી.
(2) 3 ના સટ્ટા રમનાર વેપારીએ ઝમકુને ભોંઠી પાડતાં શું કહ્યું?
જવાબ :- જ્યારે ખેસધારી વેપારીએ મફતના ભાવે ચીભડા માગ્યા ત્યારે ઝમકુ વેપારીને પોતે કમરના મણકા પણ તૂટી જાય એવી તનતોડ મહેનત કરીને ચીભડા પકવ્યા છે તેમ જણાવે છે. ત્યારે વેપારીએ ઝમકુને ભોંઠી પડતા કયું કે “ મહેનત વગર કાંઇ થોડો રોટલો મળે છે!"
(3) જમનને દાઝે ભરાયેલો જોઈ ઝમકુએ શું કર્યું?
જવાબ :- એક બાઈ રૂમાલ લઇને ચીભડા ખરીદવા આવે છે. આ નિર્દય સ્ત્રીએ આવા ગરીબ પાસે ચીભડા લેતી વખતે નમતું જોખાવી ને શેર ના પૈસા આપી દોઢ શેર માલ પડાવી લે છે, આટલું ઓછું હોય તેમ પાકા ચીભડામાંથી એક ચીર પણ મફતમાં લઈ લે છે ત્યારે જમનને દાઝ ચડે છે. તે સમયે સમજુ ઝમકુ જમનને સમજાવે છે કે આપણે રહ્યા ગરીબ મજૂર, કૈંક થાય તો આ સિપાઈને આપણાં જ વાંક જણાશે.
(4) સુમનલાલે ખેસધારી વેપારીને શા માટે થોભી જવા કહ્યું?
જવાબ :- ખેસધારી વેપારી જાણતો હતો કે સાંજ થવા આવી છે એટલે થાકેલા જમન અને ઝમકુ મફતના ભાવે આ ચીભડા આપી દેશે. ત્યારે ’આનાના’ ત્રણ શેર ભાવે આખો લોટ ખરીદી લઈશું અને પછી બંને જણા વહેંચી લઈશું. આ ઈરાદાથી ખેસધારી વેપારીએ સુમનલાલને થોભી જવા કહ્યું.
(5) સુમનલાલે જમન–ઝમકુ વિશે તેમની પત્ની આગળ શી પ્રશંસા કરી?
જવાબ :- અમરાપર નો રસ્તો બતાવતા સુમનલાલે તેની પત્ની સવિતાને કહ્યું કે આ વર-વહુ ચાલ્યા જાય છે, તેમનું સાચું સહજીવન છે. મરતા મરતા એ જીવતરના તોફાનો એટલે કે સંઘર્ષોનો સાથે મળીને સામનો કરી રહયા છે. સહનાવવતુ સહ નૌ ભુનક્તુ સહવિર્યમ કરવાવહે – એટલે કે સાથે રહેવું સાથે ભોજન કરવું એ શ્લોકને સાચા અર્થમાં જીવનારા તો આ દંપતી જ છે.
Q - 3. માગ્યા પ્રમાણે કરો :
(1) ઝમકુ અને જમનનો દાંપત્ય પ્રેમ. – પાઠના આધારે સમજાવો.
જવાબ :- ઝમકુ અને જમન ગરીબ દંપતી છે. શેરીના રસ્તા પર પછેડી પાથરીને ચીભડાં વેચે છે. આ ફળો તૈયાર કરવા માટે આ દંપતી નદીમાં કુતિઆ ગાળે છે, માટલાં સારીસારીને વાડા પાય છે. તેમની કમરના મણકા તૂટી જાય એટલી મહેનત કરે છે ત્યારે તેમનું માંડ માંડ ભરણપોષણ થાય છે; પરંતુ લગ્નપ્રસંગે હજારોનો ધુમાડો કરનાર શ્રીમંતો ઓછા પૈસે વધુ ચીભડાં ખરીદી લે છે. એમાં વળી સિપાઈ પણ મફતમાં ચીભડું લઈ જાય અને તેની સાથે ઝગડો કરે તો સિપાઈ આ ગરીબ અને અભણ પ્રજાને ખોટા વાંકમાં ફસાવી દે.
આ કારણે ઘણી વાર જમનને ગુસ્સો આવે છે, પણ સમજુ ઝમકુ તેને શાંત પાડે છે. જમન ઝમકુનો કહ્યાગરો કંથ છે. જમનને ચીભડાં વેંચતા નથી આવડતું એટલે ઠપકો આપી ને ઝમકુ તેને શીખવાડે છે. પતિપત્નીમાં મતભેદ છે છતાં ચીભડાં વેચવા, સાંજ પડતાં જ બધુ સંકેલી લેવાનું જેવાં બધાં કામો આ દંપતી સાથે મળીને કરે છે. જમન પત્ની અને બાળકનો વિચાર કરીને મેરકાની ટોળીમાં ભળવાનો વિચાર પડતો મૂકે છે. આવા સંઘર્ષમય જીવનમાં પણ બંને જે સ્નેહાળ જિંદગી જીવે છે તે જોઈને ઉજળિયાત જુવાન પોતાની પત્ની સવિતા પાસે આ દંપતીના સાચા દાંપત્યજીવનની પ્રશંસા કરે છે.
(2) શ્રીમંત લોકોની શોષણવૃત્તિ અને સંવેદનહિનતા – તમારા શબ્દોમાં વર્ણવો.
જવાબ :- આ લોકકથામાં ગરીબોની પરસેવાની કમાણીને લૂંટી લેતા શ્રીમંતો વિશેની વાત છે. ઝમકુના શબ્દોમાં કહીએ તો ‘હજારૂનાં રળનાર અને હજારુંનાં ધુંવાડા કરીને વરા ઉકેલનારા પણ શાકપાંદડાંની વાતમાં પૈસાની ગણતરી છોડતાં નથી. ‘ગરીબને ચાર-છ આના ખટાવતાં શું કામ બીએ છે?’ હાથ-પગ અને ગાળામાં સોનાનાં ઘરેણાં, પગમાં ચંપલ, અંગ પર ઝીણો સુંદર સાડલો, નાની શી કોથળીમાં ઠીક ઠીક પૈસા છત્તા આ ગરીબ પાસે ચીભડાં લેતી વખતે નમતું જોખાવીને વધારે પડાવી લેવાની, ઉપરથી પોતાના છોકરા માટે ચીભડાની એક ચીર મફતમાં પડાવી લેવાની હીન મનોવૃત્તિ અહીં આબેહૂબ છતી થઈ છે. “લાવ ચીર દે છે કે? નીકર લે આ તારું ચીભડું પાછું” એવી ધમકી આપતી શ્રીમંત બાઈને ચીભડું વેચવાની ઝમકુની મજબૂરી છે એટલે ચીર દેવી પડે છે, પરંતુ કલેજામાંથી ચીર કાપીને આપવી પડી હોય એવું દર્દ તેને થાય છે.
આવી જ સંવેદનહીનતા દર્શાવનાર ખેસધારી વેપારીને ઝમકુ પાસેથી આનાનાં ત્રણ શેરમાં આખોય ‘લોટ’ પડાવી લેવો છે. આથી સુમનલાલને ઈશારો કરીને બોલાવી લે છે અને તેને કહે છે કે થાકેલા હોવાથી, સાંજ પડતાં બધાં ચીભડાં મફતનાં ભાવે આપીને જતાં રહેશે. આનાનાં ત્રણ શેર લેખે આખોય ‘લોટ’ લઈ બંને વહેંચી લઈશું. પણ જમન – ઝમકુ સમજી ગયા. “ આપણું ઘરાક ટાળ્યું ઓલા શેઠીયા એ” આ શબ્દોમાં તેમનાં હૈયાની ‘હાય’ સંભળાય છે. આમ, લોકકથામાં શ્રીમંતોની શોષણખોર, સંકુચિત, સ્વાર્થી અને સંવેદનહીન મનોવૃત્તિ તેમની વિકૃત્તિને છત્તી કરે છે.
(3) ‘બૂરાઈનાં દ્વાર પરથી’ શીર્ષકની યથાર્થતા ચર્ચો.
જવાબ :- ‘બૂરાઈનાં દ્વાર પરથી’ નવલિકામાં લેખકે સમાજના ગરીબ અને શ્રીમંત વર્ગની મનોવૃત્તિની વાત કરી છે. ગરીબ પરસેવો પાડીને અને મહેનત કરીને પોતાનાં કુટુંબનું ભરણપોષણ કરે. તેમ છતાં તેમનાં નશીબમાં કારમી ગરીબી અને શોષણ જ લખાયા છે. તેઓ હમેશા શ્રીમંતોની સંકુચિત અને ગરીબોનું શોષણ કરવાની, સ્વાર્થી અને સંવેદનહીન મનોવૃત્તિનો ભોગ બનતા રહે છે, ઝમકુ અને જમન દંપતી ગરીબીથી ઝઝૂમી રહ્યું છે. મહેનત કરનારા જીવનભર પરસેવો પાડે તો પણ તેમનાં જીવનમાંથી ગરીબી જતી નથી. સામે પક્ષે લેખકે કેટલાંક અમીર લોકોની સંકુચિત, શોષણખોર અને સ્વાર્થી મનોવૃત્તિ દર્શાવી છે. આ પરથી કહી શકાય કે આ પાઠનું શીર્ષક બુરાઈનાં દ્વાર પરથી યથાર્થ છે.