Std 12 BA Ch 1 Swadhyay Solution | dhoran 12 vanijya vyavstha path 1 swadhyay

Std 12 BA Ch 1 Swadhyay Solution | dhoran 12 vanijya vyavstha path 1 swadhyay

 

પ્રશ્ન 1. નીચેના પ્રશ્નોના જવાબ માટે સાચો વિકલ્પ શોધો:


(1) અન્ય વ્યક્તિઓ પાસેથી કામ લેવાની કળાને શું કહે છે?

(A) આયોજન

(B) સંચાલન

(C) દોરવણી

(D) સંકલન


(2) પ્રવૃત્તિની દ્રષ્ટિએ સંચાલન કેવી પ્રવૃત્તિ છે ?

(A) સર્વવ્યાપી

(B) બિનક્રાર્યક્ષમ

(C) ધ્યેય નિર્ધારણ

(D) પારદર્શક


(3) જ્ઞાનને અમલમાં મૂકવાની સરળ પદ્ધતિ એટલે શું ?

(A) વ્યવસાય

(B) વિજ્ઞાન

(C) કળા

(D) દોરવણી


(4) વ્યવસાયી મંડળો પોતાના વ્યવસાય માટે કઈ બાબતોનું ઘડતર કરે છે ?

(A) વિસંગતતા

(B) અસંગતતા

(C) આચારસંહિતા

(D) વિચારસંહિતા


(5) સંચાલનની સપાટીઓ કેટલી છે ?

(A) એક

(B) બે

(C) ત્રણ

(D) ચાર


(6) ઉચ્ચ સપાટી સંચાલનમાં કોનો સમાવેશ થાય છે ?

(A) નિષ્ણાતો

(B) કામદારો

(C) ખાતાવાર અધિકારીઓ

(D) બોર્ડ ઓફ ડિરેક્ટર્સ


(7) તળ સપાટીને બીજા કયા નામે ઓળખવામાં આવે છે ?

(A) કાર્યકારી સપાટી

(B) કર્મચારી સપાટી

(C) નીતિ વિષયક સપાટી

(D) અધિકારીઓની સપાટી


(8) નીચેનામાંથી કોનો સમાવેશ સંચાલનની એક પણ સપાટીમાં થતો નથી ?

(A) નિરીક્ષક

(B) જૉબર

(C) કામદાર

(D) હિસાબી અધિકારી


(9) આયોજન એ ધંધાકીય સાહસનું મગજ છે, તો વ્યવસ્થાતંત્ર એ શું છે ?

(A) હ્રદય 

(B) હાથ-પગ

(C) શારીરિક માળખું

(D) રક્ત


(10) નીચેનામાંથી બજાર-સંચાલનનું કાર્ય કયું છે ?

(A) આવકની ફાળવણી

(B) ઉત્પાદન

(C) પેદાશમિશ્ર

(D) નાણાંનો ઉપયોગ


(11) નીચેના પૈકી કોઈ એકનો માનવ-સસાધન સંચાલનમાં સમાવેશ થતો નથી ?

(A) સમારકામ અને જાળવણી

(B) તાલીમ અને વિકાસ

(C) બઢતી અને બદલી

(D) ભરતી અને પસંદગી



પ્રશ્ન 2. નીચેના પ્રશ્નોના એક વાક્યમાં જવાબ આપો :


(1) સંચાલન એટલે શું ?

  • સંચાલન એટલે ઓછામાં ઓછા સમયે અને ખર્ચે, ઉપલબ્ધ સાધન-સગવડોનો શ્રેષ્ઠ ઉપયોગ કરીને એકમના નિર્ધારિત ધ્યેયને સિદ્ધ કરવાનું કાર્ય.


(2) સંચાલન કઈ કઈ પ્રવૃત્તિઓમાં જરૂરી છે ?

  • સંચાલનમાં મુખ્યત્વે (1) આયોજન (2) વ્યવસ્થાતંત્ર (પ્રબંધ) (3) કર્મચારી - વ્યવસ્થા (4) દોરવણી અને (5) અંકુશ વગેરે બાબતોનો સમાવેશ થાય છે.


(3) એકમના સંચાલન અંગેની સર્વોચ્ચ સત્તા ધરાવતી સપાટીને કઈ સપાટી કહેવાય છે ?

  • એકમના સંચાલન અંગેની સર્વોચ્ચ સત્તા ધરાવતી સપાટીને ઉચ્ચ સપાટી કહેવાય છે.


(4) મધ્ય સપાટી સંચાલન બીજા કયા નામથી ઓળખાય છે ?

  • મધ્ય સપાટી સંચાલન અધિકારીઓની સપાટી નામથી પણ ઓળખાય છે.


(5) મુખ્ય વહીવટી અધિકારી તરફથી પ્રાપ્ત થયેલા હુકમો અને સૂચનાઓનો અમલ કઈ સપાટી કરે છે?

  • મુખ્ય વહીવટી અધિકારી તરફથી પ્રાપ્ત થયેલા હુકમો અને સૂચનાઓનો અમલ તળ સપાટી, નિમ્ન સપાટી, નિરીક્ષકોની સપાટી કે કાર્યકારી સપાટી કરે છે.


(6) યંત્રોની ગોઠવણી અને સમારકામને લગતાં કાર્યો સંચાલનની કઈ સપાટીએ થાય છે ?

  • યંત્રોની ગોઠવણી અને સમારકામને લગતાં કાર્યો સંચાલનની તળ સપાટીએ થાય છે.


(7) પેદાશમિશ્રમાં ક્યા ક્યા ગુણધર્મોનો સમાવેશ થાય છે ? 

  • પેદાશમિશ્રમાં પેદાશના રૂપ, રંગ, કદ, આકાર, વજન, છાપ, પૅકિંગ, કાર્યસંબંધી ખાતરી, વેચાણ પછીની સેવાઓ અને પેદાશ વૈવિધ્યીકરણના ગુણધર્મોનો સમાવેશ થાય છે.


(8) IIMનું વિસ્તૃત રૂપ લખો.

  • IIMનું વિસ્તૃત રૂપ Indian Institute Management' છે.


(9) M.B.A.નું વિસ્તૃત રૂપ લખો.

  • M.B.A. નું વિસ્તૃત રૂપ 'Master of Business Administration'.


(10) C.E.O. નું વિસ્તૃત રૂપ લખો. 

  • CEO નું વિસ્તૃત રૂપ 'Chief Executive Officer .


પ્રશ્ન 3. નીચેના પ્રશ્નોના ટૂંકમાં જવાબ આપો :


(1) સંચાલનની ઉચ્ચ સપાટીએ થતાં કોઈપણ બે કાર્યો જણાવો.

  • સંચાલનની ઉચ્ચ સપાટીએ થતાં બે કાર્યો આ પ્રમાણે છે : (1) ડિરેક્ટરો ધંધાકીય એકમના ટ્રસ્ટી તરીકેનું કાર્ય કરે છે. (2) ધંધાકીય એકમના મુખ્ય અને ગૌણ ઉદ્દેશો નક્કી કરે છે.


(2) સંચાલનથી સમાજને કયા લાભ મળે છે ?

  • દરેક ધંધાકીય એકમ સમાજમાં રહીને, સમાજનાં સાધનોનો ઉપયોગ કરીને સમાજનાં લોકોના લાભાર્થે પોતાની કામગીરી કરે છે.

  • ધંધાકીય એકમની સફળતા સમાજની સમૃદ્ધિ અને સુખાકારીમાં વધારો કરે છે.

  • ધંધાકીય એકમો વિવિધ વસ્તુઓ અને સેવાઓનું ઓછી પડત ઉત્પાદન કરે છે.

  • ધંધાકીય એકમો વસ્તુઓ કે સેવાઓનું ઉત્પાદન કરી રોજગારીમાં વધારો કરે છે.

  • સમાજને વાજબી કિંમતે વસ્તુઓ અને સેવાઓ પૂરી પાડે છે. તેથી સમગ્ર સમાજનું કલ્યાણ થાય છે.

(3) આયોજન એટલે શું ?

  • નક્કી કરેલાં ધ્યેયોની સિદ્ધિ માટે ક્યારે, કેવી રીતે, કેટલા પ્રમાણમાં કરવાનું છે અને કાર્ય ક્યારે પૂર્ણ થવાનું છે, તેની અગાઉથી નક્કી કરવામાં આવતી બુદ્ધિપૂર્વકની વિચારણાને આયોજન કહે છે.

  • વર્તમાન સમયમાં ભવિષ્ય માટેની પૂર્વ-વિચારણા કરવી તેનું નામ આયોજન.


(4) પ્રબંધ કે વ્યવસ્થાતંત્રનો અર્થ આપો.

  • આયોજન દ્વારા નક્કી કરેલા ધ્યેય, નીતિ, કાર્યક્રમ વગેરેની સિદ્ધિ માટે એકમની પ્રવૃત્તિઓને વિવિધ વિભાગોમાં વિવિધ માનવજૂથો વચ્ચે વહેંચી દેવામાં આવે છે.

  • તેમને સત્તા અને જવાબદારીની વહેંચણી કરવામાં આવે છે. તેને વ્યવસ્થાતંત્ર કે પ્રબંધ કહે છે.


(5) સંકલનનો અર્થ આપો.

  • સમગ્ર ધંધાકીય એકમની જુદા જુદા કર્મચારીઓ દ્વારા થતી પ્રવૃત્તિઓ કે કાર્યો વચ્ચે એકસૂત્રતા કે સુમેળ સાધવાના કાર્યને સંકલન કહે છે.

  • એકમની અંદર કાર્ય કરતી તમામ વ્યક્તિઓ એકમના લક્ષ્યાંકોની સિદ્ધિ માટે એકજૂથ તરીકે કાર્ય કરે, તે જોવાનું કાર્ય સંકલનનું છે.


(6) સંચાલનની ઉચ્ચ સપાટીએ કોનો સમાવેશ થાય છે ?

  • સંચાલનની ઉચ્ચ સપાટીમાં સંચાલક મંડળ, મુખ્ય વહીવટી અધિકારી, ચૅરમૅન, મૅનેજિંગ ડિરેક્ટર, જનરલ મૅનેજર જેવા અધિકારીઓનો સમાવેશ થાય છે.


(7) બજારસંચાલનના મુખ્ય તત્વો કયા છે ?

  • બજારક્રિયા સંચાલન એક એવી પ્રક્રિયા છે, જેના દ્વારા ગ્રાહકોની જરૂરિયાત નક્કી કરવામાં આવે છે.

  • તેને માલ કે સેવામાં પરિવર્તિત કરવામાં આવે છે અને ત્યારબાદ આ માલ કે સેવાને આખરી ઉપભોકતા કે ગ્રાહક કે વાપરનાર તરફ લઈ જવામાં આવે છે કે જેથી તે અમુક નિર્ધારિત ગ્રાહક વિભાગ કે વિભાગોની જરૂરિયાત સંતોષી શકે.

  • તેમાં વ્યવસ્થાતંત્રને મળી શકતાં સાધનોનો ઇષ્ટતમ ઉપયોગ થઈ શકે તે રીતે નફાકારકતા પર ભાર મૂકવામાં આવે છે.

  • આ રીતે બજાર-સંચાલનનો મુખ્ય હેતુ ગ્રાહકનો સંતોષ કે ગ્રાહક અભિમુખતા છે.


(8) કિંમત અંગેના નિર્ણયોમાં કઈ કઈ બાબતોનો સમાવેશ થાય છે ?

  • કિંમત અંગેના નિર્ણયોમાં કિંમત-નિર્ધારણ, વેચાણનીતિ, શાખનીતિ, વટાવ અંગેની નીતિ, જથ્થાબંધ કે છૂટક વેચાશ, મધ્યસ્થીઓનું મિશન વગેરે અનેક બાબતોનો સમાવેશ થાય છે.


(9) કર્મચારી વ્યવસ્થાની સમજ આપો.

  • ડૉ. જ્યૉર્જ આર. ટેરીના મતે, “કર્મચારી-વ્યવસ્થાનો ઉદ્દેશ સંતોષકારક અને સંતુષ્ટ કર્મચારીદળ ઊભું કરવાનો, જાળવી રાખવાનો અને વિકસાવવાનો છે.

  • જ્યાં એકમ હોય ત્યાં કર્મચારીઓ હોય જ, તેમના વિનાનું એકમ એ આત્મા વિનાના હાડપિંજર જેવું છે.

  • કોઈ પણ એકમની પ્રવૃત્તિ અને સફળતાનો આધાર કર્મચારીઓ પર રહેલો છે.

  • કર્મચારી - વ્યવસ્થા એકમમાં યોગ્ય જગ્યાએ, યોગ્ય સમયે, યોગ્ય સંખ્યામાં, યોગ્ય લાયકાત ધરાવતા કર્મચારીઓની ભરતી, પસંદગી, તાલીમ, વિકાસ, બઢતી, બદલી, છૂટા કરવા, નિવૃત્તિ તથા તેમને માટે કલ્યાણકારી પ્રવૃત્તિઓ વગેરે પ્રશ્નોનો વિચાર કરે છે.


પ્રશ્ન 4. નીચેના પ્રશ્નોના મુદાસર જવાબ આપો :


(1) સંચાલનનું મહત્વ જણાવો.


  • આધુનિક અર્થવ્યવસ્થામાં સંચાલન ખૂબ જ મહત્વનું છે. કોઈ પણ પ્રવૃત્તિ કે ક્ષેત્રની સફળતાનો કે નિષ્ફળતાનો આધાર સંચાલન પર રહેલો છે. ગમે તેટલા આધુનિક અને યોગ્ય પ્રમાણમાં સાધનસામગ્રી હોય પરંતુ ક્ષતિપૂર્ણ સંચાલન હોય, તો તેનો યોગ્ય ઉપયોગ થઈ શકતો નથી.

  • એકમમાં યંત્રોની યોગ્ય ગોઠવણી હોય પરંતુ તે ખામીયુક્ત હોય કે ઉત્તમ પ્રકારની કર્મચારી-વ્યવસ્થા હોય પરંતુ સંચાલન યોગ્ય ન હોય તો તે એકમ નિષ્ફળતા પામે છે.

  • એક લેખકે સાચું જ કહ્યું છે કે, “સારા સંચાલન વગરની સરકાર એ રેતી પર ચણેલા મહેલ જેવી છે.”

  • સંચાલનના મહત્વનો ખ્યાલ નીચેની બાબતો પરથી આવી શકે છે :


1. દરેક ક્ષેત્રમાં જરૂરી :

  • સંચાલન એ ફક્ત ઉદ્યોગ – ધંધામાં જ આવશ્યક છે એવું જ નહિ, પરંતુ બે કે વધુ વ્યક્તિઓ એકત્રિત થઈ કાર્ય કરતી હોય તેવી દરેક પ્રવૃત્તિમાં જરૂરી છે. ધાર્મિક, સામાજિક, રાજકીય, શૈક્ષણિક, સંરક્ષણ, સરકારી તેમજ રમત – ગમતની એમ દરેક પ્રવૃત્તિમાં સંચાલન જરૂરી છે.

  • દરેક પ્રકારની પ્રવૃત્તિઓમાં સંચાલનનાં કાર્યો જેવાં કે આયોજન, વ્યવસ્થાતંત્ર, કર્મચારી-વ્યવસ્થા, દોરવણી, અંકુશ વગેરે કાર્યો કરવાં પડે છે.


2. સાધનોનો ઈષ્ટતમ ઉપયોગ :

  • સંચાલનને કારણે એકમમાં તમામ માનવીય અને ભૌતિક સાધનો જેવાં કે કર્મચારીઓ, જમીન, મૂડી, કાચો માલ અને યંત્રો વગેરેનો મહત્તમ ઉપયોગ થઈ શકે છે. પરિણામે બગાડ અટકાવી શકાય છે.


3. ધ્યેયસિદ્ધિ :

  • સંચાલન માણસો, માલસામાન, યંત્રો અને નાણાં વગેરે સાધનોનું સંકલન કરે છે. સંચાલનને કારણે તમામ સાધનોનો ઈષ્ટતમ ઉપયોગ થઈ શકે છે. તેથી એકમના નિર્ધારિત હેતુઓની સિદ્ધિ શક્ય બને છે.

4. ધંધાની સફળતા માટે ઉપયોગી :

  • ધંધાની સફળતાનો કે નિષ્ફળતાનો આધાર સંચાલન પર રહેલો છે. ધંધાકીય એકમની સફળતામાં અન્ય પરિબળોની તુલનામાં સંચાલનનો ફાળો મહત્વનો છે.

5. રોજગારીની તકોમાં વધારો :

  • કાર્યદક્ષ સંચાલન હોય તો કંપની સ્વરૂપનો વિકાસ થાય છે, પરિણામે રોજગારીની તકોમાં વધારો થાય છે. બિનકાર્યક્ષમતા સંચાલનને કારણે અનેક કંપનીઓ બંધ થાય છે. પરિણામે બેરોજગારીના પ્રમાણમાં વધારો થાય છે.


6. નફામાં વૃદ્ધિ :

  • ધંધાકીય એકમની સ્થાપના નફાના હેતુથી થાય છે.

  • કુશળ સંચાલકો પોતાની આવડત અને સૂઝ દ્વારા ઉપલબ્ધ સાધનોનો મહત્તમ અને કરકસરપૂર્ણ ઉપયોગ કરીને મહત્તમ નફો મેળવી શકે છે.

  • તેથી જ કહેવાયું છે કે, “નફો ધંધાની કાર્યક્ષમતા અને સફળતાનો માપદંડ છે.”


7. સામાજિક લાભ:

  • દરેક ધંધાકીય એકમ સમાજમાં રહીને, સમાજનાં સાધનોનો ઉપયોગ કરીને સમાજનાં લોકોના લાભાર્થે પોતાની કામગીરી કરે છે.

  • નફાના હેતુની સિદ્ધિ સાથે સાથે તેણે સમાજને લાભદાયક પ્રવૃત્તિઓ કરવી પડે છે.

  • ધંધાકીય એકમની સફળતા સમાજની સમૃદ્ધિ અને સુખાકારીમાં વધારો કરે છે. ધંધાકીય એકમની સફળતા સમાજની સમૃદ્ધિ અને સુખાકારીમાં વધારો કરે છે.

  • ધંધાકીય એકમો વિવિધ વસ્તુઓ અને સેવાઓનું ઓછી પડતરે ઉત્પાદન કરે સમાજને વાજબી કિંમતે વસ્તુઓ પૂરી પાડે છે. પરિણામે સમાજનું કલ્યાણ થાય છે.


8. રાષ્ટ્રીય હેતુ:

  • અર્થતંત્રના આર્થિક, સામાજિક અને રાષ્ટ્રીય વિકાસ માટે વનવપરાયેલા માનવસંપત્તિ અને ઉત્પાદનનાં સાધનોનો યોગ્ય અને મહત્તમ ઉપયોગ માટે કાર્યક્ષમ સંચાલન આવશ્યક છે.

  • સંચાલન આ સાધનોનો મહત્તમ અને યોગ્ય ઉપયોગ કરી દેશના વિકાસને ગતિમાં લાવે છે.


(2) સંચાલન એક વ્યવસાય છે. - સમજાવો.

  • સંચાલન એક વ્યવસાય છે (Management is a Profession): કોઈપણ ક્ષેત્રનું વિશિષ્ટ જ્ઞાન પ્રાપ્ત કરીને તે જ્ઞાનનો લાભ સમગ્ર સમાજને આપવામાં આવે અને બદલામાં સમાજ પાસેથી ફી લેવામાં આવે તો તેવી પ્રવૃત્તિને વ્યવસાય કહે છે. ડૉક્ટરો, વકીલો, ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ, ઈજનેરો વગેરે વ્યવસાયી વ્યક્તિઓ છે. ઉપરોક્ત વ્યક્તિઓનો વ્યવસાય એ એવી પ્રવૃત્તિ છે કે જેમાં સામાન્ય રીતે નીચેની લાક્ષણિક્તાઓ જોવા મળે છે.


(1) વિશિષ્ટ પ્રકારના જ્ઞાનની જરૂર : વ્યવસાયના પ્રકાર પ્રમાણે તેમાં વિશિષ્ટ જ્ઞાનની જરૂર પડે છે. દા.ત. વકીલના વ્યવસાય માટે LL.B.ની પદવી.

  • ડૉક્ટરના વ્યવસાય માટે M.B.B.S., M.D. કે M.S.ની પદવી મેળવવી પડે છે, તેમ સંચાલનનું પણ વિશિષ્ટ જ્ઞાન મેળવવા માટે B.B.A. (Bachelor of Business Administration), M.B.A. (Master of Business Administration) ની પદવી મેળવવી પડે છે.


(2) જ્ઞાનમાં વૃદ્ધિ અને સંશોધન : દરેક વ્યવસાયની જેમ સંચાલનમાં પણ અનુભવ અને તાલીમ મેળવવાને લીધે જ્ઞાનમાં વૃદ્ધિ અને સંશોધન થાય છે.


(3) વ્યવસાયી મંડળો : વિવિધ વ્યવસાયનાં ક્ષેત્રોમાં જેમ મંડળો છે તેમ સંચાલનક્ષેત્રમાં પણ મંડળો હોય છે, જે સંચાલનનું શિક્ષણ અને તાલીમ આપવાનું કાર્ય કરે છે. ભારતમાં સંચાલનનું શિક્ષણ આપતી સંસ્થા I.I.M. (Indian Institute of Management) છે, જે રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય કક્ષાએ કાર્યરત છે. આ સંસ્થા સંચાલનના વ્યવસાયનો વિકાસ કરવાનું કામ કરે છે.


(4) આચારસંહિતાનું પાલન : દરેક વ્યવસાયિક મંડળો પોતાના વ્યવસાયના સભ્યો માટે આચારસંહિતા ઘડે છે. દરેક સભ્યોએ તેનું પાલન કરવાનું ફરજિયાત હોય છે.


(3) ઉચ્ચ સપાટી સંચાલનનાં કાર્યો જણાવો.

  • ઉચ્ચ સપાટી સંચાલનનાં કાર્યો નીચે મુજબ છે :

  • ધંધાકીય એકમના મુખ્ય અને ગૌણ હેતુઓ નક્કી કરવા.

  • ડિરેક્ટરો ધંધાકીય એકમના ટ્રસ્ટી તરીકેનું કાર્ય કરે છે.

  • ધંધાકીય એકમના મુખ્ય વહિવટી અધિકારી અને ઉચ્ચ અધિકારીઓની નિમણૂક કરવી અને તેમને સત્તા અને જવાબદારીની વહેંચણી કરવી.

  • એકમના વિવિધ વિભાગો દ્વારા તૈયાર કરવામાં આવેલા અંદાજપત્રોને મંજૂર કરવા.

  • ધારાકીય જોગવાઈઓનું પાલન કરવું અને એકમ સાથે સંકળાયેલા વિવિધ વર્ગોના હિતોની જાળવણી કરવી.

  • લાંબા ગાળાનું આયોજન કરી વ્યૂહાત્મક નિર્ણયો લેવા.

  • સંચાલનને લગતી જટીલ સમસ્યાઓનો અભ્યાસ કરવો અને કાનૂની જોગવાઈઓને ધ્યાનમાં લઈ તેનો ઉકેલ લાવવો.

  • ધંધાકીય એકમની જુદી-જુદી યોજનાઓનાં ઘડતર, અમલીકરણ અને દેખરેખનું કાર્ય કરવું.

  • નફાની વહેંચણી કરવી, ડિવિડન્ડ, અનામત, નફાનું પુનઃ રોકાણને લગતાં કાર્યો કરવાં.


(4) સંચાલનની વિવિધ સપાટીઓ વચ્ચેના તફાવતના કોઈ પણ પાંચ મુદ્દા લખો.

ક્રમ

મુદ્દો

ઉચ્ચ સપાટી

મધ્ય સપાટી

તળ સપાટી

(1)

સંચાલન અને વહીવટ

સંચાલનનું પ્રમાણ વધુ અને વહીવટનું પ્રમાણ ઓછું હોય છે.

સંચાલનનું પ્રમાણ ઓછું અને વહીવટનું પ્રમાણ વધુ હોય છે.

સંચાલનનું પ્રમાણ ખૂબ ઓછું અને વહીવટનું પ્રમાણ સૌથી વધુ હોય છે.

(2)

સમાવેશ

સંચાલક મંડળ, મેનેજિંગ ડિરેક્ટર અને જનરલ મેનેજરનો સમાવેશ થાય છે.

ખાતાના વિભાગીય અધિ- કારીઓ અને પોતપોતાના ક્ષેત્રના નિષ્ણાત અધિકારી -ઓનો સમાવેશ થાય છે.

નિરીક્ષકો, જોબર અને ફોરમેનનો સમાવેશ થાય છે.

(3)

સત્તા અને જવાબદારી

સત્તા અને જવાબદારી બંનેનું પ્રમાણ વધુ હોય છે.

સત્તા પ્રમાણમાં ઓછી અને જવાબદારી વિભાગ પૂરતી હોય છે.

સત્તાનું પ્રમાણ ખૂબ ઓછું, જવાબદારીનું પ્રમાણ અમુક પેટા વિભાગ પૂરતું હોય છે.

(4)

સંખ્યા

ઉચ્ચ સપાટીએ કર્મચારી- ઓની સંખ્યા ઓછી હોય છે. 

ઉચ્ચ સપાટી કરતાં મધ્ય સપાટીએ કર્મચારીઓની સંખ્યા વધુ હોય છે.

ઉચ્ચ અને મધ્ય સપાટી કરતાં કર્મચારીઓની સંખ્યા ખૂબ વધારે હોય છે.

(5)

કૌશલ્યની

સર્વગ્રાહી કૌશલ્યની જરૂર છે.

વિશિષ્ઠ જ્ઞાનની જરૂર છે.

ફક્ત પોતાના વિભાગ અને પેટાવિભાગ પૂરતું જ જ્ઞાન જરૂરી છે.

(6)

ધ્યેય અને નીતિ ઘડતર

આ સપાટી દ્વારા કંપનીના મૂળભૂત ધ્યેય અને નીતિનું થડતર થાય છે.

આ સપાટી દ્વારા ઉચ્ચ સપાટીએ થડેલ નીતિ અને ધ્યેયનો અમલ થાય છે.

આ સપાટી ઉચ્ચ સપાટીએ થડેલી નીતિ અને નિર્ણયોનો અમલ કરવાનું કાર્ય કરે છે.

(7)

ઉત્તર- દાયિત્વ

આ સપાટીનું શેર હોલ્ડરો, લેણદારો, સરકારના વિવિધ વિભાગો, કાયદાકીય જોગવાઈઓ વગેરે પ્રત્યે ઉત્તરદાયિત્વ હોય છે.

ઉચ્ચ સપાટી પ્રત્યે મધ્ય સપાટીનું ઉત્તરદાયિત્વ હોય છે.

મધ્ય સપાટી પ્રત્યે તળ સપાટીનું ઉત્તરદાયિત્વ હોય છે.

(8)

નિર્ણયો

આ સપાટીના નિર્ણયો વધારે જોખમી અને પ્રમાણમાં વધારે દૂરોગામી હોય છે.

આ સપાટીના નિર્ણયો પ્રમાણમાં ઓછા જોખમી અને ઓછા દૂરોગામી હોય છે.

આ સપાટીના નિર્ણયો ખૂબ જ ઓછા જોખમી અને ખૂબ જ ઓછા દૂરોગામી હોય છે.


(5) સંકલનનું મહત્વ જણાવો.

  • સંકલનથી સંચાલનનાં જુદાં જુદાં કાર્યો જેવાં કે આયોજન, વ્યવસ્થાતંત્ર, દોરવણી, અંકુશ વગેરે અસરકારક બને છે.

  • સંકલનને કારણે એકમનાં બધાં કાર્યો સરળતાથી કરી શકાય છે.

  • સંકલનથી એકમનું કોઈ કામ કરવાનું રહી જતું નથી કે બેવડાતું નથી.

  • સંકલનથી એકમના જુદા જુદા વિભાગોમાં સંવાદિતા જળવાઈ રહે છે.

  • એકમના વિવિધ વિભાગોના કાર્યોને તેના ક્રમ અને સમય વચ્ચે સમતુલા જાળવવાનું કાર્ય સંકલનને લીધે શક્ય બને છે.

  • સંકલનને લીધે એકમના નક્કી કરેલા હેતુઓને સિદ્ધ કરી શકાય છે.


(6) માનવ સંસાધન સંચાલનનું મહત્વ જણાવો.

  • કર્મચારીઓની કાર્યક્ષમતામાં વધારો થાય છે.

  • એકમની નફાકારકતામાં વધારો થાય છે.

  • એકમની પ્રતિષ્ઠામાં વધારો થાય છે.

  • ઉત્પાદીત વસ્તુ કે સેવાની ગુણવત્તાનાં ઊંચાં ધોરણો જળવાય છે.

  • માનવ સંસાધન સંચાલનથી કર્મચારીઓમાં જૂથ ભાવનાનો વિકાસ થાય છે.

  • ઉત્પાદનનાં સાધનોનો મહત્તમ ઉપયોગ થઈ શકે છે.

  • કર્મચારીઓના ફેરબદલી દરમાં ઘટાડો થાય છે.

  • કર્મચારીઓના સંતોષમાં વધારો થાય છે.


(7) નાણાકીય સંચાલનનાં કાર્યો જણાવો.

  • નાણાંની જરૂરિયાતો અંદાજવી.

  • સમયની દૃષ્ટિએ નાણાંનું આયોજન કરવું.

  • અંદાજપત્ર બનાવવું.

  • આવકની ફાળવણી કરવી.

  • મૂડી માળખાનો વિચાર કરવો તેમજ નાણાં પ્રાપ્તિસ્થાનો પસંદ કરવાં.

  • નાણાં મેળવવા માટેની કાર્યવાહી કરવી.

  • મેળવેલાં નાણાંનો યોગ્ય ઉપયોગ થાય તે જોવું અને અંકુશ વ્યવસ્થા ગોઠવવી.

  • નાણાકીય નીતિ નક્કી કરવી.


પ્રશ્ન - 5. નીચેના પ્રશ્નોના વિસ્તારપૂર્વક જવાબ આપો :


(1) સંચાલનનો અર્થ આપી તેની લાક્ષણિકતાઓ સમજાવો.

  • સંચાલનની વ્યાખ્યા :-

  • એક નિષ્ણાતના મતે, “સંચાલન એટલે અન્ય વ્યક્તિઓ પાસેથી કામ લેવાની કળા'.

  • લિવિંગસ્ટનના જણાવ્યા મુજબ, 'ઓછામાં ઓછા સમયે અને ખર્ચે, ઉપલબ્ધ સાધન-સગવડોનો શ્રેષ્ઠ ઉપયોગ કરીને એકમના નિર્ધારિત ધ્યેયને સિદ્ધ કરવાના કાર્યને સંચાલન કહે છે.”

  • ડૉ. જયોર્જ ટેરીના જણાવ્યા મુજબ, 'સંચાલન એ એક એવી પ્રવૃત્તિ છે જે માણસો (Men), યંત્રો (Machines), સાધનો (Materials), પદ્ધતિઓ (Methods), નાણું (Money) અને બજાર (Market)નું આયોજન કરી તેના ઉપર અંકુશ રાખવાનું કાર્ય કરે છે. તે માનવ પ્રયત્નોને નેતાગીરી, સંકલન અને માર્ગદર્શન પુરું પાડે છે જેથી એકમના ઈચ્છીત ધ્યેયોને હાંસલ કરી શકાય છે.”


  • સંચાલનની લાક્ષણિક્તાઓ :-

(1) સર્વવ્યાપી પ્રવૃત્તિ : સંચાલન એ સર્વવ્યાપી પ્રવૃત્તિ છે. જ્યાં જ્યાં માનવી સમૂહમાં હેતુની સિદ્ધિ માટે કામ કરે છે ત્યાં ત્યાં સંચાલનની જરૂર પડે છે. સંચાલન એ માત્ર ઔદ્યોગિક ક્ષેત્રમાં જ થતી પ્રવૃત્તિ નથી, પરંતુ સામાજિક, ધાર્મિક, કૃષિ, લશ્કરી, શૈક્ષણિક વગેરે ક્ષેત્રોમાં પણ સંચાલનની પ્રવૃત્તિ જોવા મળે છે. સંચાલન દરેક ક્ષેત્રના તમામ એકમોમાં અને એકમના તમામ વિભાગોમાં જોવા મળે છે.


(2) હેતુલક્ષી પ્રવૃત્તિ : સંચાલન એ એક સાધન છે, સાધ્ય નથી. દરેક એકમની સ્થાપના અમુક ચોક્કસ હેતુઓ સિદ્ધ કરવા માટે કરવામાં આવે છે. આ હેતુઓને કાર્યક્ષમ રીતે અને કરકસરપૂર્વક સિદ્ધ કરવા માટે સંચાલન જરૂરી છે.


(3) જૂથ પ્રવૃત્તિ : સંચાલન બે કે તેથી વધુ વ્યક્તિઓના જૂથની પ્રવૃત્તિ છે. જ્યાં બે કે તેથી વધુ વ્યક્તિઓ અગાઉથી નક્કી કરેલા ધ્યેયને સિદ્ધ કરવા માટે પ્રવૃત્તિ કરતા હોય ત્યાં સંચાલન જરૂરી છે.


(4) સતત ચાલતી પ્રવૃત્તિ : સંચાલન એ સતત ચાલતી પ્રવૃત્તિ છે. એક વાર શરૂ કર્યા પછી તેને અટકાવી શકાતી નથી. સંચાલન ધ્યેયલક્ષી હોય છે, પરંતુ ધ્યેય સિદ્ધ થતાં તેની પ્રક્રિયા બંધ થતી નથી. નવાં ધ્યેય અને નવાં લક્ષ્યાંકો સંચાલન દ્વારા જ પ્રસ્થાપિત થાય છે. આમ સંચાલનમાં ધ્યેય નિર્ધારણ, ધ્યેયસિદ્ધિ અને પુનઃ ધ્યેય નિર્ધારણનું ચક્ર સતત ચાલતું હોય છે.


(5) માનવીય પ્રવૃત્તિ : સંચાલન એ સર્વવ્યાપી હોવા છતાં તે માનવજાતને લગતી પ્રવૃત્તિઓ પૂરતું મર્યાદિત છે. સંચાલનમાં માનવતત્વનું સ્થાન મહત્ત્વનું છે. માનવી વિના ઉત્પાદનનાં અન્ય સાધનો નિરર્થક નીવડે છે. સંચાલન માનવી માટે થાય છે, માનવી દ્વારા થાય છે. સંચાલનમાં માનવી કેન્દ્ર સ્થાને છે. તેથી તે માણસ માટે, માણસ દ્વારા થતી માનવીય પ્રવૃત્તિ છે. 


(6) નિર્ણય પ્રક્રિયા : નિર્ણય પ્રક્રિયા એ સંચાલનનું કાર્ય છે. સંચાલન કરતા સંચાલકે સતત નિર્ણયો લેવા પડે છે. નિર્ણય લીધા વગર કોઈ પણ કાર્ય થઈ શકતું નથી. નિર્ણય લીધા પછી સંચાલકો દ્વારા તેનો અમલ થાય તે અંગેની કાર્યવાહી કરવી પડે છે. આમ, નિર્ણય પ્રક્રિયા એ સંચાલનનું કાર્ય છે.


(7) વિજ્ઞાન, કળા અને વ્યવસાય : વિજ્ઞાનની જેમ સંચાલનમાં પણ ચોક્કસ નિયમો કે સિદ્ધાંતો હોય છે. તેથી કેટલાક લેખકો સંચાલનને વિજ્ઞાન તરીકે ઓળખાવે છે. સંચાલનમાં માનવ પરિબળ અગત્યનું હોવાથી તેમની પાસેથી કામ લેવા માટે અંગત આવડત, બુદ્ધિ, ચતુરાઈ, આંતરસૂઝ વગેરેની જરૂર પડે છે જેને કામ લેવાની 'કળા' તરીકે ઓળખી શકાય. આધુનિક ધંધાકીય એકમનું સંચાલન તાલીમ પામેલા નિષ્ણાત સંચાલક વર્ગને સોંપાઈ રહ્યું છે. આધુનિક સમયમાં વકીલ, ડૉક્ટર, ચાર્ટર્ડ એકાઉન્ટન્ટની જેમ સંચાલકોએ પણ વ્યવસાયી સ્વરૂપ ધારણ કર્યું છે. આ બાબતથી સ્પષ્ટ થાય છે કે સંચાલન એ વ્યવસાય છે.


(2) સંચાલનની વિવિધ સપાટીઓની આકૃતિ દોરી તળ સપાટી સંચાલનનાં કાર્યો જણાવો.








  • તળ સપાટીના કર્યો :-

  • કામદારોના કાર્યોનું નિરીક્ષણ કરવું.

  • કામદારોમાં શિસ્ત અને જુસ્સો વધે તેવા પ્રયત્નો કરવા.

  • પોતાના વિભાગના રોજિંદા કાર્યોનું આયોજન કરવું.

  • કર્મચારીઓને લગતાં કાર્યો કરવાં. દા.ત. બદલી, બઢતી, તાલીમ વગેરે.

  • પોતાના વિભાગનાં કાર્યો કરવા માટે વિભાગીય અધિકારીઓ પાસેથી સૂચનાઓ, હુકમો અને કાર્યક્રમો મેળવવા.

  • યંત્રોની ગોઠવણી (યંત્ર વિન્યાસ), યંત્રોનું સમારકામ અને જાળવણીને લગતાં કાર્યો કરવાં.

  • કામદારોને કાર્ય કરવા માટે સાધનસામગ્રી, કાચો માલ વગેરે પૂરાં પાડવાં.

  • કર્મચારીઓના વાજબી પ્રશ્નોનો યોગ્ય ઉકેલ લાવવો.

  • ઉચ્ચ સપાટીએ લીધેલા નિર્ણયો અને નીતિઓનો અમલ કરવો.

  • તળ સપાટીમાં થતી વિવિધ પ્રવૃત્તિઓના અહેવાલો, કામદારોનાં સૂચનો અને ફરિયાદો મધ્ય સપાટીએ મોકલી આપવાં.


(3) સંકલનનો અર્થ આપી લાક્ષણિકતાઓ સમજાવો.

અર્થ (Meaning) : ધંધાકીય એકમના જુદા જુદા વિભાગોમાં કર્મચારીઓ દ્વારા જુદાં જુદાં જે કાર્યો થાય છે તેમની વચ્ચે એક સૂત્રતા કે સુમેળ સાધવાના કાર્યને સંકલન કહે છે.

  • લાક્ષણિક્તાઓ (Characteristic) :

  • આયોજનથી અંકુશ સુધી દરેક કાર્ય કરતી વખતે સંકલનની જરૂર પડે છે. તેથી સંચાલન પ્રક્રિયા સંકલન વગર શક્ય નથી.

  • સંકલન એ સંચાલનની દરેક સપાટીએ થતું કાર્ય છે.

  • સંકલનની સફળતા માટે માહિતીસંચારની વ્યવસ્થા કાર્યક્ષમ હોવી જોઈએ.

  • સહકાર વગર સંકલન શક્ય નથી. એકમની વિવિધ પ્રવૃત્તિઓ વચ્ચે સંકલન જળવાય તે માટે વિવિધ પ્રવૃત્તિઓ સાથે સંકળાયેલ દરેક કર્મચારીનો સહકાર જરૂરી બને છે.

  • ધંધાકીય એકમનાં સાધનોનો મહત્તમ ઉપયોગ સંકલન દ્વારા શક્ય બને છે.

  • સંચાલનનાં દરેક કાર્યોમાં સંકલન સમાયેલું છે તેથી સંકલનને સંચાલનનો આત્મા કહે છે.


(4) માર્કેટિંગ (બજારીય) સંચાલનનો અર્થ આપી તેના કાર્યો સમજાવો.

  • માર્કેટિંગ (બજારીય) સંચાલન (Marketing Management) : માલ કે સેવાને ઉત્પાદક પાસેથી ગ્રાહકો સુધી પહોંચાડવાની પ્રક્રિયાને વિશાળ અર્થમાં માર્કેટિંગ (બજારીય) સંચાલન કહે છે. બજાર સંચાલનમાં વસ્તુ કે નાણાંના વિનિમય ઊપરાંત બજાર સંશોધન, વિતરણ વ્યવસ્થા, વેચાણવૃદ્ધિ, સંગ્રહ, વીમો વગેરે અનેક બાબતોનો સમાવેશ થાય છે.

કાર્યો :

(i) પેદાશ અથવા પેદાશ મિશ્ર : નવી પેદાશના ઉત્પાદન અથવા ચાલુ પેદાશના વિકાસના નિર્ણયમાં પેદાશના રૂપ, રંગ, કદ, આકાર, વજન, છાપ, પૅકિંગ, કાર્ય સંબંધી ખાતરી, વેચાણ પછીની સેવાઓ અને પેદાશ વૈવિધ્યકરણનો સમાવેશ થાય છે.

(ii) કિંમત : વર્તમાન ગ્રાહકો યોગ્ય ગુણવત્તાવાળી વસ્તુઓ વાજબી કિંમતે મળે તેવી અપેક્ષા રાખે છે. તેથી પેદાશની કિંમત નક્કી કરતી વખતે ખૂબ કાળજી લેવી જોઈએ. કિંમત અંગેના નિર્ણયમાં વેચાણ નીતિ, શાખ નીતિ, વટાવ અંગેની નીતિ, જથ્થાબંધ કે છૂટક વેચાણ, મધ્યસ્થીઓનું કમિશન વગેરે બાબતો ધ્યાનમાં લેવાય છે.

(iii) વિતરણ : વિતરણ અંગેના નિર્ણયમાં પોતાની દુકાનો દ્વારા વેચાણ, જથ્થાબંધ વેપારીઓ દ્વારા, છૂટક વેપારીઓ દ્વારા, એજન્ટો, વાહન-વ્યવહારના પ્રશ્નો વગરે બાબતો ધ્યાનમાં લેવાય છે. વિતરણની બાબત ધંધાના કદ અને વિસ્તાર સાથે સંકળાયેલી છે.

(iv) અભિવૃદ્ધિ : અભિવૃદ્ધિ એટલે વેચાણમાં નોંધપાત્ર વધારો કરવાના પ્રયત્નો. જેમાં માલની જાહેરાત કરવી, પ્રસિદ્ધિ કરવી, સેલ્સમેનો દ્વારા વ્યક્તિગત વેચાણ કરવું તથા વેચાણવૃદ્ધિ માટે ગ્રાહકો અને વેપારીઓને આકર્ષવા વગેરે બાબતોનો સમાવેશ થાય છે. અભિવૃદ્ધિના નિર્ણયોને કારણે કેટલોક ખર્ચ થાય છે પરંતુ તેની સામે વેચાણ વધવાથી એકમનો નફો વધે છે.


(5) માનવ સંસાધન સંચાલનનો અર્થ આપી તેની લાક્ષણિકતાઓ જણાવો.

અર્થ : માનવ સંસાધન સંચાલન એટલે ધંધાકીય એકમમાં કામ કરતા કર્મચારીઓનું કૌશલ્ય, જ્ઞાન, બુદ્ધિ, ગમો- અણગમો, વ્યક્તિગત વિકાસ, જરૂરિયાત વગેરે જેવી તમામ બાબતોને ધ્યાનમાં લઈ તેને કંપનીના ઉદેશો સાથે સાંકળી ધંધાને સફળતાના તથા નફાકારકતાના માર્ગે લઈ જવાની સમગ્ર પ્રક્રિયા.

  • લાક્ષણિકતાઓ :

  • માનવ સંસાધન સંચાલનમાં કર્મચારીઓની ભરતી, તાલીમ, બઢતી, દોરવણી વગેરેનો સમાવેશ થાય છે.

  • માનવ સંસાધન સંચાલનમાં કર્મચારીઓના વ્યક્તિગત ધ્યેયને સાંકળી કંપનીના ધ્યેય સિદ્ધ કરવામાં આવે છે.

  • માનવ સંસાધન સંચાલનનું મૂળભૂત કાર્ય કર્મચારીઓને એક અમૂલ્ય મિલકત સમજી તેઓનું સંચાલન કરવામાં આવે છે.

  • કર્મચારીને યોગ્ય તાલીમ આપીને તેના વિકાસ માટે યોગ્ય કાર્યવાહી કરવામાં આવે છે.

  • કર્મચારીઓની કામગીરીઓનું મૂલ્યાંકન કરી તેમનું યોગ્ય સ્થાન નિશ્ચિત કરવાનું કામ માનવ સંસાધન સંચાલન કરે છે.

  • યોગ્ય સંચાલનથી કર્મચારીઓનો ફેરબદલીનો દર ઘટાડી શકાય છે અને કુશળ કર્મચારીઓને કંપનીમાં ટકાવી રાખી શકાય છે.

  • માનવ સંસાધન સંચાલનમાં કર્મચારીઓને યોગ્ય વાતાવરણ પૂરું પાડવામાં આવે છે તેથી તેમના જુસ્સામાં તથા કાર્યક્ષમતામાં વધારો થાય છે. કંપનીનાં મૂલ્યો જળવાય છે અને કંપનીના ધ્યેય સિદ્ધ કરી શકાય છે.

વધુ નવું વધુ જૂનું