Std 12 BA Ch 2 Swadhyay Solution | dhoran 12 vanijya vyavstha path 2 swadhyay

Std 12 BA Ch 2 Swadhyay Solution | dhoran 12 vanijya vyavstha path 2 swadhyay


પ્રશ્ન - 1. નીચેના પ્રશ્નોના જવાબ માટે સાચો વિકલ્પ શોધો:


(1) સંચાલનના સિદ્ધાંતો એટલે શું ?

(A) અનુભવનો નીચોડ છે.

(B) સંચાલકો નક્કી કરે છે.

(C) પ્રયોગોથી નક્કી થાય છે.

(D) મૅનેજરો નક્કી કરે છે.


(2) નીચેનામાંથી ક્યા પરિબળમાં ફેરફારને કારણે સંચાલનના સિદ્ધાંતોમાં બદલાવ લાવવાની જરૂરિયાત ઊભી થાય છે ?

(A) મિલકતોમાં ફેરફાર

(B) મૂડીમાં ફેરફાર

(C) ટેક્નોલોજીમાં ફેરફાર

(D) સંચાલકોમાં ફેરફાર


(3) વૈજ્ઞાનિક સંચાલન વિચારધારાના પ્રણેતા કોણ છે?

(A) લ્યુથર ગ્યુલિક

(B) ફ્રેડરિક ટેલર

(C) હેનરી ફેયોલ

(D) પીટર એફ. ડ્રકર


(4) 19મી સદીના અંત સુધીમાં જે વિચારધારાઓ રજૂ થઈ તેને કઈ વિચારધારાઓ કહે છે ?

(A) નવપ્રશિષ્ટ

(B) પૂર્વપ્રશિષ્ટ

(C) પ્રશિષ્ટ

(D) આધુનિક


(5) નવપ્રશિષ્ટ વિચારધારાના પ્રણેતા કોણ હતા ?

(A) હર્ઝબર્ગ

(B) હેનરી ફેયોલ

(C) ફ્રેડરિક ટેલર

(D) એલ્ટન મેયો


(6) 'તમે તમારા માણસોને સાચવો, તમારા માણસો બાકીનું તમારું બધું જ સાચવી લેશે.' - આ વિધાન કોણે કહ્યું હતું ?

(A) એફ. ડબલ્યુ. ટેલરે

(B) પ્રો. ઉર્વિકે

(C) આર્ગરિસે

(D) પીટર એફ. ડ્રકરે


(7) નીચેનામાંથી ક્યા સંચાલનશાસ્ત્રીનું પ્રદાન આધુનિક વિચારધારામાં રહેલું છે ?

(A) સી. કે. પ્રહલાદ

(B) એલ્ટન મેયો

(C) મેક્સ વેબર

(D) હેનરી ગેન્ટ


(8) સંચાલનના સામાન્ય સિદ્ધાંતો આપનાર કોણ હતા?

(A) ફેડરીક ટેલર

(B) પીટર એફ. ડ્રકર

(C) હેનરી ફેયોલ

(D) ચેસ્ટર બર્નાડ


(9) કોઈ પણ કાર્યમાંથી ખોટી દિશામાં થતા બિનજરૂરી હલનચલનમાંથી ઉદભવતો બગાડ દૂર કરવાની પદ્ધતિ એટલે શું ?

(A) સમયનિરીક્ષણ

(B) ગતિનિરીક્ષણ

(C) ભિન્નવેતન દર

(D) કર્મચારી નિરીક્ષણ


(10) ધ્યેયલક્ષી સંચાલનના સિદ્ધાંતના પ્રણેતા કોણ હતા?

(A) પીટર એફ. ડ્રકર

(B) ફ્રેડરીક ટેલર

(C) હેનરી ફેયોલ

(D) મેક્સ વેબર


(11) શ્રમ વિભાજનના અમલ દ્વારા નીચેનામાંથી કઈ પ્રવૃત્તિ શક્ય બને છે ?

(A) એકત્રીકરણ

(B) વિશિષ્ટીકરણ

(C) સરળીકરણ

(D) સંકલન


(12) જો કર્મચારીને તેમની કાર્યક્ષમતાનો યોગ્ય બદલો ન મળે, તો શેમાં વધારો થાય છે ?

(A) મજૂર ફેરબદલી

(B) મજૂર બઢતી

(C) મજૂર ગેરહાજરી

(D) મજૂર અપકર્ષ


પ્રશ્ન 2. નીચેના પ્રશ્નોના એક વાક્યમાં જવાબ આપો :


(1) સંચાલનના સિદ્ધાંતો એટલે શું ?

  • ધંધાકીય એકમમાં સાનુકૂળ માનવ-વર્તન સર્જવા માટે અમુક નિયમો કે સિદ્ધાંતો ઘડવા પડે છે, જેથી ધ્યેયસિદ્ધિનું કાર્ય સરળ બને. આ સિદ્ધાંતોને સંચાલનના સિદ્ધાંતો કહે છે.


(2) સમય નિરીક્ષણ એટલે શું ?

  • કોઈ પણ કાર્યનો ભાગ પૂર્ણ કરવા માટે જેટલો સમય લાગે, તે અંગે વૈજ્ઞાનિક રીતે કરવામાં આવતો અભ્યાસ એટલે સમય- નિરીક્ષણ. ટેલરના મતે, “જે કાર્ય જે સમયમાં પૂર્ણ થવું જોઈએ તેનો કાળજીપૂર્વકનો અભ્યાસ એટલે સમયનિરીક્ષણ."


(3) હુકમની એકવાક્યતા એટલે શું ?

  • હુકમની એકવાક્યતા એટલે કોઈ પણ કામગીરી કે પ્રવૃત્તિ અંગે કર્મચારીને એક જ ઉપરી અધિકારી તરફથી હુકમો મળવા જોઈએ.


(4) સંચાલન વિચારધારાઓ એટલે શું ?

  • સંચાલનની વિચારધારાઓ સમય અનુસાર રજૂ થયેલ વિશિષ્ટ દૃષ્ટિબિંદુની રજૂઆત છે. આ વિચારધારાઓમાં અનેક સંચાલન વિશારદોએ અલગ અલગ મત આપી, જુદા જુદા સિદ્ધાંતો આપ્યા છે, જેને સંચાલનની વિચારધારાઓ કે અભિગમો કહે છે.


(5) વર્તન સંબંધિત વિચારધારામાં કયા કયા ખ્યાલોનો સમાવેશ થાય છે ?

  • વર્તન સંબંધિત વિચારધારામાં આંતરમાનવીય સંબંધો, અભિપ્રેરણ, નેતૃત્વ, માહિતીસંચાર પ્રક્રિયા, ઔદ્યોગિક ઝઘડાઓના નિકાલ વગેરે ખ્યાલોનો સમાવેશ થાય છે.


(6) આધુનિક વિચારધારામાં સંચાલનને અન્ય કયા વિષયો સાથે અનુબંધ છે?

  • આધુનિક વિચારધારામાં સંચાલનને મનોવિજ્ઞાન, સમાજશાસ્ત્ર, આંકડાશાસ્ત્ર, ગણિતશાસ્ત્ર અને કમ્પ્યૂટર ઇન્ફર્મેશન ટેક્નોલૉજીના વિષયો સાથે અનુબંધ છે.


પ્રશ્ન 3. નીચેના પ્રશ્નોના ટૂંકમાં જવાબ આપો :


(1) વૈજ્ઞાનિક સંચાલન એટલે શું ?

  • વૈજ્ઞાનિક સંચાલન એટલે સંચાલકીય નિર્ણય- પ્રક્રિયામાં વૈજ્ઞાનિક અભિગમ અપનાવવો અને બિનવૈજ્ઞાનિક અભિગમને છોડી દેવો.

  • ફ્રેડરિક ટેલર વૈજ્ઞાનિક સંચાલનની વ્યાખ્યા આપતાં જણાવે છે કે, તમે માણસો પાસે શું કરાવવા માગો છો તે જાણવું અને તેઓ ચોક્કસ રીતે અને ઓછામાં ઓછા ખર્ચે કામ કરે તે જોવાની ચોક્કસ કળા એટલે ‘વૈજ્ઞાનિક સંચાલન'.

  • વૈજ્ઞાનિક સંચાલન કોઈ પણ વિશિષ્ટ એકમ કે કારખાનામાં કર્મચારીઓના પ્રશ્નો, તેમનાં કાર્યો, તેમની ફરજો, સહકાર્યકર્તાઓ અને માલિકો તરફની સંપૂર્ણ માનસિક ક્રાંતિ છે.


(2) સમાનતાનો સિદ્ધાંત શું સૂચવે છે ?

  • કર્મચારીઓ સંચાલન વ્યવસ્થાનો એક ભાગ છે. તેઓ જીવંત વ્યક્તિ છે. તેથી તેમની પાસેથી કામ લેવા માટે વ્યવહારુ અભિગમ અપનાવવો પડે.

  • કર્મચારીઓ પાસેથી કાર્ય લેતાં અધિકારીઓએ સમાનતા અને ન્યાયપૂર્ણ રીતે વર્તવું જોઈએ.

  • આ માટે વૈધિક વલણ અપનાવવું બહુ અસરકારક ન નીવડે. તેથી બદલાતા સંજોગો અને પરિસ્થિતિમાં અવૈધિક વલણ અપનાવી એકમમાં સમાનતા સ્થાપવા જરૂરી પ્રયત્નો કરવા જોઈએ.

  • કર્મચારીઓનું સંચાલકો પ્રત્યેનું વર્તન વફાદારી, સમાનતા અને ન્યાય પર આધારિત છે.


(3) ‘સંચાલનના સિદ્ધાંતો પરિવર્તનશીલ છે.” - સમજાવો.

  • સંચાલનના સિદ્ધાંતો એ જડ તારણ નથી, પરંતુ પરિવર્તનશીલ છે.

  • સંચાલનના સિદ્ધાંતો માનવ-વર્તણૂક સાથે સીધો સંબંધ ધરાવે છે. તેથી સમયાંતરે જ્યારે અને જેવી પરિસ્થિતિમાં જરૂર જણાય ત્યારે તેમાં જરૂરી ફેરફારો કરી, નવા સિદ્ધાંતોના ઉમેરાનો અવકાશ રહે છે.

  • કેટલીક પરિસ્થિતિમાં આ સિદ્ધાંતો બંધબેસતા ન લાગે ત્યારે સંચાલકને તેમાં ફેરફાર કરવાની છૂટ રહે છે.

  • દા. ત., કાર્યવિભાજનનો સિદ્ધાંત મોટા એકમોમાં સમાન રીતે લાગુ કરી શકાય, પરંતુ નાના એકમોમાં તેટલા જ પ્રમાણમાં કાર્યવિભાજનનો સિદ્ધાંત લાગુ કરી શકાતો નથી.


(4) હેનરી ફેયોલે ઔદ્યોગિક સાહસની પ્રવૃત્તિઓને કયા છ ભાગમાં વહેંચી છે ?

  • હેનરી ફેયોલે ઔદ્યોગિક સાહસની વહીવટી પ્રવૃત્તિઓને નીચે મુજબ છ ભાગમાં વહેંચી છે :

(1) ટેકનિકલ પ્રવૃત્તિઓ, (2) વાણિજ્ય પ્રવૃત્તિઓ, (3) નાણાકીય પ્રવૃત્તિઓ, (4) સંરક્ષણ પ્રવૃત્તિઓ, (5) હિસાબી પ્રવૃત્તિઓ અને (6) સંચાલકીય પ્રવૃત્તિઓ.


(5) 'Rule of Thumb' કોને કહે છે ?

  • રૂઢિગત પદ્ધતિમાં મજૂરો હુકમ અનુસાર કામ કરવા ટેવાયેલા હતા, જેને 'હુકમનો નિયમ' (Rule of Thumb) કહે છે.

  • તેમાં મજૂરોનો કોઈ સ્વતંત્ર અવાજ નહોતો. માલિકોની જોહુકમી અને વર્ચસ્વ ખૂબ જ વધી ગયાં હતાં. આ સમયે ટેલરે હુકમના નિયમને બદલે વૈજ્ઞાનિક દષ્ટિકોણ સાથે નવો ખ્યાલ રજૂ કર્યો.


(6) હુકમની એકવાક્યતાનો સિદ્ધાંત જણાવો.

  • કર્મચારી એક કરતાં વધુ ઉપરી અધિકારીઓના હુકમોનું એકસાથે પાલન કરી શકે નહિ. તેથી આ સિદ્ધાંત જણાવે છે કે કોઈ પણ કાર્ય કે પ્રવૃત્તિ અંગે કર્મચારીને એક જ ઉપરી અધિકારી તરફથી હુકમો મળવા જોઈએ.

  • તેનો અર્થ એ છે કે કોઈ કાર્ય કે વિભાગ માટે કર્મચારીઓ એક જ અધિકારીને જવાબઘર હોવા જોઈએ.

  • હુકમની એકવાક્યતાના સિદ્ધાંતને કારણે કર્મચારીઓમાં ગૂંચવાડો કે મૂંઝવણ ઊભી થતી નથી.

  • એક કરતાં વધુ અધિકારીઓ દ્વારા હુકમો આપવામાં આવે, તો કર્મચારીઓમાં ગૂંચવાડો અને મૂંઝવણ ઊભી થાય છે અને તેને કરણે શિસ્ત જોખમાય છે.


(7) ટેલરની ભિન્ન વેતન દરની પદ્ધતી વિશે સમજાવો.

  • ભિન્ન વેતનદરની પદ્ધતિ એટલે કામદારોને તેમના કામના આધારે વેતનસંબંધી ઉત્તેજન આપવાની પદ્ધતિ.

  • કામદારોને ઉત્પાદન-વૃદ્ધિ માટે ઉત્તેજન આપવા માટે ટેલરે ઉત્તેજક વેતનપ્રથાની હિમાયત કરી હતી.

  • કારખાનામાં કાર્ય કરતા દરેક કામદારની કાર્ય કરવાની ક્ષમતા અલગ અલગ હોય છે.

  • આ બાબતને ધ્યાનમાં લઈને કાર્યક્ષમ કામદારોને વધુ ઉત્પાદન બદલ વધુ વેતન મળવું જોઈએ અને ઓછા ઉત્પાદન એટલે કે ઓછી કાર્યક્ષમતા ધરાવતા કામદારોને ઓછું વેતન મળવું જોઈએ.

  • આ બાબતને ધ્યાનમાં લઈને ટેલરે ભિન્ન વેતનદરની પદ્ધતિની રજૂઆત કરી છે.


પ્રશ્ન 4. નીચેના પ્રશ્નોના મુદાસર જવાબ આપો :


(1) સંચાલનના સિદ્ધાંતોનાં મહત્વ અંગે ચર્ચા કરો.

  • સંચાલનના સિદ્ધાંતો એ સફળતાની ચાવી છે. આ સિદ્ધાંતો અપનાવ્યા વગર કોઈ પણ સંચાલનો છૂટકો નથી.

  • સંચાલનના સિદ્ધાંતો એ સંચાલકીય વર્તણૂકને દીર્ધદ્રષ્ટિ પૂરી પાડે છે તેમજ સંચાલન-કાર્યને અસરકારક બનાવે છે.


  • સંચલનના સિદ્ધાંતોનું મહત્વ :- 

(1) દરેક ક્ષેત્રમાં જરૂરી :

  • સંચાલન એ માત્ર ઉદ્યોગ–ધંધામાં જ નહી પરંતુ ધાર્મિક, સંરક્ષણ, સામજિક, રાજકીય, શૈક્ષણિક તથા રમત–ગમત એમ દરેક પ્રકારની પ્રવૃતિમાં આવશ્યક છે.


(2) સાધનોનો ઇષ્ટતમ ઉપયોગ :

  • સંચાલનને લીધે જ એકમનાં ઉપલબ્ધ સાધનો જેવાં કે જમીન, મૂડી, કાચો માલ, કર્મચારીઓ અને યંત્રો વગેરેની ઇષ્ટતમ ઉપયોગ શક્ય બને છે. અને બગાડ અટકાવી શકાય છે.


(3) ધંધાની સફળતા માટે ઉપયોગી :

  • ધંધાકીય એકમની સફળતામાં અન્ય પરિબળોની સરખામણીમાં સંચાલનનો ફાળો વિશેષ છે. ધંધાની સફળતા કે નિષ્ફળતાનો આધાર સંચાલન ઉપર રહેલો છે. કાર્યદક્ષ સંચાલનને કારણે જ ખોટ કરતા એકમો નફો કમાતા થઇ શકે છે.


(4) ધ્યેયસિદ્ધ :

  • ધંધાકીય એકમના ધ્યેયની સિદ્ધિ માટે સંચાલન અનિવાર્ય છે. સંચાલનને લીધે સાધનોનો ઇષ્ટતમ શક્ય બને છે. તેથી એકમના ધ્યેયને સિદ્ધિ કરી શકાય છે.


 




(5) રોજગારીની તકોમાં વધારો :

  • જો સંચાલન કાર્યદક્ષ હોય તો કંપની સ્વરૂપનો વિકાસ થાય. જેથી રોજગારીની તકો વધે છે. જ્યારે બિનકાર્યક્ષમ સંચાલનને લીધે ઘણી કંપનીઓ બંધ પડે છે. જેથી બેરોજગારીના પ્રમાણમાં વધારો થાય છે.


(6) નફામાં વૃદ્ધિ :

  • ધંધાકીય એકમ સામાન્ય રીતે નફાના હેતુથી કાર્ય કરે છે. કાર્યક્ષમ અને કુશળ સંચાલકો પોતાની આગવી સુઝ અને આવડત દ્રારા ઉપલબ્ધ સાધનોનો કરકસરપૂર્વક મહત્તમ ઉપયોગ કરીને મહત્તમ નફો મેળવી શકે છે.


(7) સામાજિક લાભ :

  • દરેક એકમ સમાજમાં રહીને સમાજ માટે પોતાની કામગીરી કરે છે. ધંધાની સફળતા સમાજની સમૃદ્ધિ અને સુખાકારીમાં વધારો કરે છે. સમાજને વાજબી કિંમતે વસ્તુનો પૂરી પાડે છે. પરિણામે સમગ્ર સમાજનું કલ્યાણ થાય છે.


(8) રાષ્ટ્રીય હેતુ :

  • અર્થતંત્રના આર્થિક, સમાજિક અને રાષ્ટ્રીય વિકાસ માટે વણવપરાયેલ માનવસંપત્તિ અને વણવપરાયેલ ઉત્પાદનામાં સાધનોના મહત્તમ ઉપયોગ માટે કાર્યક્ષમ સંચાલન આવશ્યક છે.


(2) આધુનિક વિચારધારાઓ વિશે ટૂંક નોંધ લખો.

  • ઈ. સ. 1960 બાદ ઉદ્યોગો અને ધંધાકીય એકમોના સ્વરૂપમાં પરિવર્તનને કારણે સંચાલનના વિશિષ્ટ અભિગમની જરૂરિયાત ઉદભવી.

  • સંચાલન માત્ર એકલા ધંધાકીય એકમનું ક્ષેત્ર ન રહ્યું અને સંચાલકોનો વિશિષ્ટ વ્યાવસાયિક વર્ગ આ સમય દરમિયાન ઉદભવ્યો.

  • આ વિચારધારામાં સંચાલનની સાથે મનોવિજ્ઞાન, સમાજશાસ્ત્ર, આંકડાશાસ્ત્ર, ગણિતશાસ્ત્ર અને કમ્પ્યૂટર ઇન્ફર્મેશન ટેક્નોલૉજીના ઉપયોગની ભલામણ કરવામાં આવી છે.

  • આ વિચારધારામાં કુન્ઝ, ઓડોનલ, જ્યૉર્જ આર. ટેરી જેવા સંચાલનશાસ્ત્રીઓએ પોતાનો ફાળો આપ્યો છે.

  • આ ઉપરાંત સંચાલનશાસ્ત્રીઓ જેવા કે પીટર એફ. ડ્રકર, વિલિયમ ઓચી અને સી. કે. પ્રહ્લાદ વગેરે પણ આ વિચારધારા માં પોતાનો ફાળો આપ્યો છે.

(3) ‘સંચાલનના સિદ્ધાંતો એ માનવ વર્તણૂંક પર આધારિત છે.” - વિધાન સમજાવો.

  • ધંધાકીય એકમમાં માનવ-વર્તણૂકને સાનુકૂળ બનાવવા માટે અમુક નિયમો અને સિદ્ધાંતોનું ઘડતર કરવું પડે છે, જેથી ધ્યેયસિદ્ધિ સરળ બને. આ સિદ્ધાંતોને સંચાલનના સિદ્ધાંતો કહે છે.

  • સંચાલન એ કળા અને વિજ્ઞાનનો સમન્વય છે. સંચાલન વિજ્ઞાન હોવાથી તેમાં સિદ્ધાંતો હોય તે સ્વાભાવિક છે.

  • શુદ્ધ વિજ્ઞાનની જેમ સંચાલનના સિદ્ધાંતો જડ નથી, પરંતુ પરિવર્તનશીલ છે.

  • સંચાલનના સિદ્ધાંતો માનવ-વર્તણૂક કે માનવ-સ્વભાવ સાથે સીધો સંબંધ ધરાવે છે.

  • પરિણામે સમયાંતરે સંચાલનના સિદ્ધાંતોમાં જરૂરી ફેરફારો કરી નવા સિદ્ધાંતોનો ઉમેરો કરવાની શક્યતા રહે છે.

  • માનવ-વર્તણૂક અને ટેક્નોલૉજીનાં પરિબળો સમયાંતરે બદલાતાં રહે છે. આ પરિવર્તનોને પહોંચી વળવા સંચાલનના સિદ્ધાંતોમાં ફેરફારો થતા રહે છે.

  • આથી કહી શકાય કે સંચાલનના સિદ્ધાંતો એ માનવ-વર્તણૂક પર આધારિત છે.


(4) વર્તન સંબંધિત વિચારધારાઓ વિશે સમજાવો.

  • કુન્ડ્ઝ અને ઓડોનલના મતે, “સંચાલન એટલે અન્ય વ્યક્તિઓ પાસેથી કામ લેવાની કળા."

  • પ્રો. ઉર્વિકે જણાવ્યું છે કે, “તમે તમારા માણસોને સાચવો, તમારા માણસો બાકીનું તમારું બધું સાચવી લેશે."

  • આ બાબત સ્પષ્ટ કરે છે કે એકમમાં કર્મચારી કે વ્યક્તિ ખૂબ જ મહત્વનું સ્થાન ધરાવે છે.

  • સંચાલનનું કાર્ય વ્યક્તિ દ્વારા થતું હોવાથી સંચાલનનો અભ્યાસ આંતવ્યક્તિ સંબંધોનો અભ્યાસ બની રહે છે.

  • સંચાલકીય કાર્યનું મહત્ત્વનું કેન્દ્રબિંદુ માનવ-વર્તન અને માનવ-સંબંધો છે.

  • આથી વર્તન સંબંધિત વિચારધારા, મનોવૈજ્ઞાનિક તારણોનો ઉપયોગ કરીને કર્મચારી કાર્યસંતોષ અને કાર્યક્ષમતા વધારવા પર ભાર મૂકવામાં આવે છે.

  • વર્તન સંબંધિત વિચારધારામાં આંતરમાનવીય સંબંધો, અભિપ્રેરણ, નેતૃત્વ, માહિતીસંચાર, ઔદ્યોગિક ઝઘડાઓનો ઉકેલ વગેરે ખ્યાલોનો સમાવેશ થાય છે.

  • કેટલાક લેખકોના મતે આ વિચારધારાની મુખ્ય મર્યાદા એ છે કે આ અભિગમ વધુ પડતો મનોવૈજ્ઞાનિક હોવાથી તેમાં આર્થિક પરિબળની ક્યાંક અવગણના થઈ હોય તેમ જણાય છે. ઉત્પાદકતાના ભોગે માનવસંબંધોની જાળવણી થઈ ન શકે.


(5) પીટર એફ. ડ્રકરનું સંચાલન ક્ષેત્રે પ્રદાન જણાવો.

  • પીટર ડ્રકર (1909-2005) ખૂબ જ પ્રખ્યાત સંચાલનશાસ્ત્રી, લેખક, ચિંતક અને કેળવણીકાર હતા.

  • વૈશ્વિકીકરણને કારણે સમગ્ર વિશ્વની ધંધાકીય વ્યવસ્થાઓમાં પરિવર્તન આવવાને કારણે સંચાલનની નવી પદ્ધતિઓ વિકસાવવાની જરૂરિયાત ઊભી થઈ.

  • પીટર એફ. ડૂકરે ધંધાકીય એકમમાં માનવસંપત્તિને વિશેષ મહત્વ આપવાની હિમાયત કરી.

  • પીટર એફ. ડ્રકરના મુખ્ય પ્રદાન તરીકે 'ધ્યેયલક્ષી સંચાલન' અને 'સ્વનિયમનનો સિદ્ધાંત'ને દર્શાવી શકાય.

  • ધ્યેયલક્ષી સંચાલન અંગે તેઓ જણાવે છે કે હેતુની સિદ્ધિ માટે કર્મચારીઓ અને સંચાલકોના ધ્યેયમાં એકસૂત્રતા હોવી આવશ્યક છે.

  • વિવિધ સ્વરૂપનાં ધંધાકીય એકમો માટે ધ્યેયલક્ષી સંચાલન ખૂબ જ અસરકારક છે.

  • પીટર ડ્રકરનું માનવસંસાધન-સંચાલન, બજાર-સંચાલન અને તણાવ- સંચાલન માટે મુખ્ય પ્રદાન છે. તેથી તેમને આધુનિક સંચાલનના પિતા કહે છે.


પ્રશ્ન 5. નીચેના પ્રશ્નોના વિસ્તારપૂર્વક જવાબ આપો :


(1) વૈજ્ઞાનિક સંચાલનના સિદ્ધાંતો સમજાવો.

  • વૈજ્ઞાનિક સંચાલનના સિદ્ધાંતો નીચે મુજબ છે :- 

(1) વૈજ્ઞાનિક પદ્ધતિ : કાર્ય કરવા રૂઢિગત પદ્ધતિઓના ઉપયોગનો ત્યાગ કરી નવી વૈજ્ઞાનિક પદ્ધતિ અપનાવવી જોઈએ અને કાર્યનું વૈજ્ઞાનિક વિશ્લેષણ કરી શ્રેષ્ઠ કાર્ય કેવી રીતે થાય તેનો વિચાર કરવો જોઈએ.


(2) આયોજન અને અમલીકરણ : રૂઢિગત પદ્ધતિની જેમ કામદારો જ આયોજન અને અમલીકરણ કરે તેન બદલે આયોજનનું કામ નિષ્ણાતો કરે અને કામદારો તેનું અમલીકરણ કરે તેમ હોવું જોઈએ.


(3) કાર્ય-વિશ્લેષણ : ઓછો ખર્ચ અને ઝડપી કામ કરવા માટે કાર્ય વિશ્લેષણ ઉત્તમ છે. જેમાં સમય નિરીક્ષણ, ગતિ નિરીક્ષણ અને થાક નિરીક્ષણનો અભ્યાસ કરી ઓછી પડતરે ઉત્પાદકતામાં વધારો કરી શકાય.

(4) પ્રમાણીકરણ : પ્રમાણીકરણ અને સરળીકરણ એ વૈજ્ઞાનિક પ્રક્રિયા છે, જે અગાઉથી થવી જોઈએ. ઓજારો, સાધનો, સમય, કામકાજની સ્થિતિ વગેરે બાબતો માટે પ્રમાણીકરણ જરૂરી બને છે.


(5) વૈજ્ઞાનિક પસંદગી અને તાલીમ : કામદારોની પસંદગી યોગ્ય રીતે વૈજ્ઞાનિક ધોરણે થવી જોઈએ. 

  • વૈજ્ઞાનિક ધોરણ માટે કર્મચારીઓના શિક્ષણ, કૌશલ્ય, આવડત, શારીરિક શક્તિ, તાલીમ વગેરેને માપદંડ તરીકે ધ્યાનમાં લઈ શકાય. આ ઉપરાંત કર્મચારીને એવા પ્રકારની કામગીરી સોંપવી જોઈએ કે; જે તેના શિક્ષણ, અભ્યાસ અને કૌશલ્યને અનુરૂપ હોય. સમયાંતરે કામદારોની કાર્યક્ષમતા વધારવા તાલીમનો ઉપયોગ પણ થવો જોઈએ. વળી, તેમની કાર્યરુચિ જાણવા વિવિધ પ્રકારની વૈજ્ઞાનિક કસોટીનો ઉપયોગ થવો જોઈએ.


(6) નાણાંકીય ઉત્તેજન : કુશળ કામદારોને નાણાંકીય અને અન્ય પ્રકારનાં ઉત્તેજન આપવાં જોઈએ. આ માટે

  • વિવિધ પ્રકારની ઉત્તેજક વેતન યોજનાની ભલામણ કરવામાં આવી છે. દરેક કામદારના વ્યક્તિગત ઉત્પાદનના આધારે

  • આ પ્રથા અપનાવવી જોઈએ. તેમના વેતન દર ધારણાના આધારે નહિ, પરંતુ વૈજ્ઞાનિક અભ્યાસથી નક્કી થવા જોઈએ. 


(7) કરકસર : વૈજ્ઞાનિક સંચાલનના અમલ દરમિયાન માત્ર વૈજ્ઞાનિક અને ટેક્નિકલ આધારો જ ધ્યાનમાં ન લેવાતાં ઓછી પડતર પર ભાર મૂકવો જોઈએ. આ માટે પડતર અંદાજ અને પડતર અંકુશની પદ્ધત્તિઓ વિચારી અને વિચલનો શોધી તેનો અભ્યાસ અને ઉકેલ આપવો જોઈએ.


(8) માનસિક ક્રાંતિ : માલિકો અને મજૂરો વચ્ચે ધ્યેયની સિદ્ધિ માટે માનસિક ક્રાંતિ થવી જોઈએ. માનસિક સંવાદિતાથી માલિકો અને કામદારો વચ્ચે તનાવમાં ઘટાડો થાય છે અને ધ્યેયસિદ્ધિ સરળ બને છે.




(2) પ્રશિષ્ટ વિચારધારા અંગે સવિસ્તાર સમજાવો.

  • 19મી સદીના અંત સુધીમાં સંચાલનની જે વિચારધારાઓ રજૂ થઈ, તેને પ્રશિષ્ટ વિચારધારાઓ તરીકે ઓળખવામાં આવે છે.

  • પ્રશિષ્ટ વિચારધારાના મુખ્ય પ્રણેતા સંચાલનશાસ્ત્રીઓ ફ્રેડરિક ટેલર, મેક્સ વેબર, ગીલબર્થ, હેનરી ગેન્ટ અને હેનરી ફેયોલ છે.

  • પ્રશિષ્ટ વિચારધારામાં હેનરી ફેયોલનો ફાળો ખૂબ જ મહત્વનો છે.

  • તેમણે આપેલ વૈજ્ઞાનિક સંચાલનના સિદ્ધાંતો આજે પણ સંચાલન વિચારધારામાં પ્રસ્તુત છે.

  • વૈજ્ઞાનિક સંચાલનનો અભિગમ રૂઢિગત પદ્ધતિઓને બદલે સમય અને ગતિનિરીક્ષણ દ્વારા વૈજ્ઞાનિક રીતે રજૂ થયેલા સિદ્ધાંતોને અપનાવવાની તરફેણ કરે છે.

  • વૈજ્ઞાનિક સંચાલનના સિદ્ધાંતના મુખ્ય પ્રદાન તરીકે વ્યવસ્થાતંત્રમાં વિશિષ્ટીકરણ, ઉત્તેજક વૈતનપ્રથા, જવાબદારી અને કાર્યની વૈજ્ઞાનિક રીતે વહેંચણી વગેરેને દર્શાવી શકાય.

  • પ્રશિષ્ટ વિચારધારામાં હેનરી ફેયોલ સંચાલનના સામાન્ય સિદ્ધાંતો રજૂ કરી સંચાલન વિચારધારામાં મહત્વનું પ્રદાન કર્યું છે.

  • હેનરી ફેયોલે ધંધાકીય એકમમાં વિવિધ કાર્યોની સપાટી નક્કી કરી, કાર્યોની મર્યાદા નક્કી કરવાનો પ્રયાસ કર્યો. વિવિધ સ્તરે સંચાલકીય ફરજો બજાવવા માટે સંચાલનના સાર્વત્રિક સિદ્ધાંતો માર્ગદર્શિકા તરીકે આપ્યા.

  • પ્રશિષ્ટ વિચારધારામાં આ સિવાય મેક્સ વેબરના અમલદારશાહીના વિચારનું પ્રદાન મહત્વનું છે.

  • 19મી સદીના અંત સુધી ઔદ્યોગિક ક્રાંતિને કારણે ધંધાકીય એકમોના સ્વરૂપ અને કદમાં ફેરફાર થવા લાગ્યા. તેથી પ્રશિષ્ટ વિચારધારાની અમુક મર્યાદાઓને કારણે તેમાં ફેરફાર કરવાની જરૂરિયાત ઊભી થઈ.

  • પ્રશિષ્ટ વિચારધારાની મર્યાદાઓમાં નાણાકીય ઉત્તેજનને વધુ સ્થાન, માનવીય અભિગમને ઓછું મહત્વ તેમજ અવૈધિક સંબંધોની અવગણના વગેરે મુખ્ય છે.


(3) હેનરી ફેયોલના સંચાલનના સિદ્ધાંતો સમજાવો.

  • હેનરી ફેયોલે સંચાલનના સિદ્ધાંતો વિકસાવ્યા જે સંપૂર્ણપણે નવા હતા. તેમનું માનવું હતું કે કોઈપણ ઔદ્યોગિક એકમમાં સંચાલકે સફળ થવા માટે માત્ર જ્ઞાન જ મહત્ત્વનું નથી, પરંતુ જે-તે ઔદ્યોગિક એકમનાં સ્વરૂપને અનુરૂપ કામગીરીની પદ્ધતિથી વાકેફ હોવું જરૂરી છે. હેનરી ફેયોલે તેમના અનુભવ તેમજ જ્ઞાનને આધારે સંચાલનના ચૌદ મહત્ત્વના સિદ્ધાંતો રજૂ કર્યા હતા. જે સંચાલન ક્ષેત્રે ખૂબ જ ઉપયોગી સાબિત થયા છે.

(1) શ્રમ વિભાજનનો સિદ્ધાંત : સંચાલનમાં કર્મચારીઓ તથા સંચાલકોની કાર્યક્ષમતા વધારવા પર ભાર મૂકવામાં આવે છે. ઉત્પાદનનાં સાધનોના ઇષ્ટતમ ઉપયોગ દ્વારા ઉત્પાદકતા વધારી શકાય છે. આ ઉપરાંત કર્મચારી તથા સંચાલકોની કાર્યક્ષમતા વધારવા માટે શ્રમ વિભાજન જરૂરી છે. શ્રમ વિભાજનને કારણે વિશિષ્ટીકરણ પણ શક્ય બને છે. શ્રમ વિભાજન સંચાલકોની કક્ષાએ તેમજ કારખાના કક્ષાએ એમ બંને કક્ષાએ થવું જરૂરી છે. તેનાથી વિશિષ્ટીકરણના સિદ્ધાંતનો લાભ લેવો જોઈએ.


(2) સત્તા અને જવાબદારીનો સિદ્ધાંત : સત્તા અને જવાબદારી એ એક સિક્કાની બે બાજુઓ છે. જવાબદારી વગરની સત્તા અને સત્તા વગરની જવાબદારી બંને અધૂરાં છે. જ્યારે તાબેદારને કામ વિશેની કોઈ જવાબદારી સોંપવામાં આવે ત્યારે તે અંગેની સત્તા પણ સોંપવી જરૂરી છે. સત્તા સોંપણી વખતે કર્મચારીનો હોદો, જ્ઞાન, લાયકાત, અનુભવ, નેતૃત્વની કળા, પુખ્તતા વગેરે પરિબળો ધ્યાને લેવાં જોઈએ, જેના પરિણામે કર્મચારીઓનો ઉત્સાહ વધે છે અને ધ્યેયસિદ્ધિ સરળ બને છે.


(3) શિસ્ત અંગેનો સિદ્ધાંત : સાધનોના ઈષ્ટત્તમ ઉપયોગ અને પ્રવૃત્તિઓના સાતત્ય માટે ઔદ્યોગિક શિસ્ત હોવી ખૂબ જ જરૂરી છે. શિસ્ત એ એક ચોક્કસ પ્રકારનું સંવાદિતાભર્યું વાતાવરણ ઊભું કરે છે. ઔદ્યોગિક શિસ્ત એ ચોક્કસ પ્રકારના નિયમો અને આચારસંહિતાને કારણે સ્થપાય છે અને તેને કારણે એકમમાં અનુશાસન સ્થપાય છે; જ્યારે કર્મચારીઓ મોટી સંખ્યામાં હોય ત્યારે શિસ્ત અને આચારસંહિતા મારફતે અંકુશ સરળ બને છે. કર્મચારીનો કાર્ય પ્રત્યેનો આનંદ વધે છે. સંચાલકો પણ સરળતાથી કામ લઈ શકે છે. શિસ્ત માટે દરેક કક્ષાએ યોગ્ય નિરીક્ષણ, કામદારો અને માલિકો વચ્ચે સ્પષ્ટ-ન્યાયી કરારો તેમજ શિક્ષાનો ન્યાયી અમલ જેવી બાબતો મહત્ત્વની છે.


(4) હુકમની એકવાક્યતાનો સિદ્ધાંત : કર્મચારી એક કરતાં વધુ ઉપરી અધિકારીઓના હુકમોનું એક સાથે પાલન કરી શકે નહિ, તેથી આ સિદ્ધાંત દર્શાવે છે કે કોઈ પણ કામગીરી કે પ્રવૃત્તિ અંગે કર્મચારીને એક જ ઉપરી અધિકારી તરફથી હુકમો મળવા જોઈએ. તેનો અર્થ એમ પણ થાય કે કોઈ એક કાર્ય માટે કે વિભાગ માટે કર્મચારીઓ એક જ અધિકારીને જવાબદાર હોવા જોઈએ. હુકમની એક વાક્યતાના સિદ્ધાંતને કારણે કર્મચારીઓમાં હુકમને લગતી કોઈપણ મૂંઝવણ ઊભી થતી નથી. એક કરતાં વધુ અધિકારીઓ દ્વારા હુકમો આપવામાં આવે તો કર્મચારીઓમાં મૂંઝવણ ઊભી થાય છે અને તેને કારણે ઔદ્યોગિક શિસ્ત જળવાતી નથી.


(5) દોરવણીની એકવાક્યતાનો સિદ્ધાંત : આયોજન એ ભવિષ્ય માટેની રૂપરેખા છે. જે કાર્ય વિભાજન અને વિશિષ્ટીકરણના આધારે પાર પાડી શકાય છે. આયોજનના અમલ દરમિયાન જો વિચલનો જણાય તો દોરવણી- માર્ગદર્શન અપાય છે. આ દોરવણી કોઈ ચોક્કસ ઉપરી અધિકારી દ્વારા આપવી જોઈએ. આમ કરવાથી એક સમાન કાર્યો અને પ્રયત્નોનું સંકલન સરળતાથી થઈ શકે છે. આ સિદ્ધાંત મુજબ કર્મચારી જૂથની ઉપર એક જ અધિકારી હોવો જોઈએ અને આ જૂથ એક જ ધ્યેયની સિદ્ધિ માટે જૂથ કાર્ય કરતું હોવું જોઈએ.


(6) સામાન્ય હિતને વધુ અને વ્યક્તિગત હિતને ગૌણ સ્થાન : સંચાલન એ સામૂહિક પ્રવૃત્તિ છે. તેથી વ્યક્તિ- વ્યક્તિ વચ્ચે વિભાગ-વિભાગ વચ્ચે સંકલન હોવું જરૂરી બને છે તેથી ધંધાકીય એકમની ધ્યેય સિદ્ધિ સરળ બને છે. આ સિદ્ધાંત દર્શાવે છે કે કોઈ વ્યક્તિગત કે કર્મચારી જૂથના હિતને સમગ્ર એકમના હિતની સામે ગૌણ ગણવું જોઈએ, એટલે કે વ્યક્તિગત હિત કરતાં સામાન્ય હિતને પ્રાધાન્ય આપવું જોઈએ.


(7) કર્મચારીઓને યોગ્ય વેતનનો સિદ્ધાંત : કર્મચારીઓ જે સેવા આપે છે તેના બદલામાં તેમને જે વળતર મળે છે તેને વેતન કહે છે. આ સિદ્ધાંત મુજબ પેઢીના કર્મચારીઓને ચુકવવામાં આવતું વેતન ન્યાયી હોવું જોઈએ. નિયમ અનુસાર વેતનની ચૂકવણી એ માલિક અને કર્મચારીઓ વચ્ચેનો સંબંધ સુદૃઢ બનાવે છે. એકમમાં બધા જ કર્મચારીઓ એકસરખી કાર્યક્ષમતાથી કાર્ય કરતા હોતા નથી. એકમમાં કેટલાક કાર્યદક્ષ કર્મચારીઓ પણ હોય છે, જેઓ નિશ્ચિત કરતાં વધારે ઉત્પાદન અને કામ આપે છે. તેઓને તેમની કાર્યક્ષમતાનો બદલો મળવો જરૂરી છે. આમ કરવાથી મજૂર ફેરબદલી દર ઘટે છે. કુશળ કારીગરો માટે બોનસ, નફાભાગ, સંચાલક મંડળમાં પ્રતિનિધિત્વ વગેરે જેવી પ્રોત્સાહક યોજના પણ અમલમાં મૂકાવી જોઈએ.


(8) કેન્દ્રીકરણનો સિદ્ધાંત : વ્યવસ્થાતંત્રના માળખાને સફળ બનાવવા માટે કેટલા અંશે સત્તાનું કેન્દ્રીકરણ કે વિકેન્દ્રીકરણ થવું જોઈએ તેની સ્પષ્ટતા હોવી જરૂરી છે. વ્યવસ્થાતંત્રમાં જેટલે અંશે સત્તાની સોંપણી થઈ નથી તેને કેન્દ્રીકરણ કહેવામાં આવે છે. કર્મચારીઓની શક્તિનો શ્રેષ્ઠ ઉપયોગ થાય તે માટે કેન્દ્રીકરણના સિદ્ધાંતને અપનાવવો જરૂરી છે. મોટા કદનાં એકમોમાં કેન્દ્રીકરણ ઓછું સફળ થાય છે, તેથી એકમના કદ મુજબ કેન્દ્રીકરણ અને વિકેન્દ્રીકરણ કરવામાં આવતું હોય છે.


(9) સત્તાની રૈખિક સાંકળનો સિદ્ધાંત : આ સિદ્ધાંત સત્તાની ઉચ્ચ વહીવટી અધિકારીઓથી લઈ તળ સપાટીના કર્મચારીઓ સુધીની સાંકળ રચવા પર ભાર મૂકે છે. સત્તાની સાંકળ ઉચ્ચ સંચાલકોથી લઈ તળ સપાટી સુધી વણતૂટેલી રહેવી જોઈએ. દરેક સપાટીને અનુરૂપ સત્તા અને જવાબદારીની વહેંચણી થવી જોઈએ. એકમમાં કામ કરતા કર્મચારીને ખ્યાલ હોવો જોઈએ કે તે કોને જવાબદાર છે અને તેને કોણ જવાબદાર છે. તેને લીધે એક રૈખિક સાંકળ ઉદ્ભવે છે, જે ઉચ્ચ સપાટીથી નીચેની તરફ જાય છે અને તળ સપાટીથી ઉચ્ચ સપાટી તરફ માહિતીપ્રેષણ થાય છે.


(10) વ્યવસ્થાનો સિદ્ધાંત : આ સિદ્ધાંત બે વસ્તુ પર ભાર મુકે છે. માલ-સામાનની વ્યવસ્થા અને સામાજિક વ્યવસ્થા. માલ-સામાનની દરેક વસ્તુ તેના યોગ્ય સ્થાને હોવી જોઈએ. તેવી જ રીતે યોગ્ય લાયકાત, કૌશલ્ય ધરાવતા કર્મચારીને યોગ્ય સ્થાને મૂકવો જોઈએ. કોઈ ચોક્કસ સ્થાન માટે યોગ્ય કર્મચારીઓની ભરતી અંગેની પણ વ્યવસ્થા હોવી જોઈએ.


(11) સમાનતાનો સિદ્ધાંત : કર્મચારીઓ એ સંચાલન વ્યવસ્થાનો એક ભાગ છે. કર્મચારીઓ એ જીવંત વ્યક્તિ છે, તેથી તેમની પાસેથી કામ લેવા માટે વ્યવહારુ અભિગમ અપનાવવો પડે. અધિકારીઓએ કર્મચારીઓ પાસે કામ લેતી વખતે ન્યાયપૂર્ણ અને સમાનતાથી વર્તવું જોઈએ. આ માટે વૈધિક કે રૂઢિગત વલણની જગ્યાએ અવૈધિક રૂપે વર્તન કરી એકમમાં સમાનતા સ્થાપવા માટે જરૂરી પ્રયત્નો કરવા જોઈએ. કર્મચારીઓનું સંચાલકો પ્રત્યેનું વર્તન એ વફાદારી, વલણ, સમાનતા અને ન્યાય પર આધારિત છે.


(12) સ્થિર કર્મચારીગણનો સિદ્ધાંત : કાયમી અને સ્થિર કર્મચારીગણ એ ધંધાકીય એકમની મૂડી છે. કોઈ એક એકમમાં લાંબો સમય ટકી રહેવાથી કર્મચારીનો વિકાસ થાય છે અને ધંધાકીય એકમને ધ્યેયસિદ્ધિ માટે કર્મચારીની સ્થિરતા ખૂબ જ મહત્ત્વનો ફાળો આપે છે. લાંબા સમય સુધી કર્મચારી જે-તે એકમમાં રહેવાથી અધ્યયન વક્રની અસરને પરિણામે ઉત્પાદકતા વધે છે તેમજ મજૂર ફેરબદલી દર ઘટે છે. કાયમી કર્મચારીઓ માટે બઢતી, તાલીમ વગેરેની વ્યવસ્થા કરવી જોઈએ.


(13) પહેલવૃત્તિનો સિદ્ધાંત : સંચાલકોમાં જેમ ઉદ્યોગસાહસિકતા જરૂરી છે તેમ કર્મચારીઓમાં પહેલવૃત્તિ હોવી જરૂરી છે. સંચાલકોએ એવું ધંધાકીય વાતાવરણ પૂરું પાડવું જોઈએ કે જેમાં કર્મચારીઓની પહેલવૃત્તિને પ્રોત્સાહન મળે. પહેલવૃત્તિથી કર્મચારીઓમાં સ્વતંત્ર રીતે કાર્ય કરવાની શક્તિનો વિકાસ થાય છે, તેમની નેતૃત્વ શક્તિ પણ ખીલે છે.


(14) જૂથ ભાવનાનો સિદ્ધાંત : ધંધાકીય એકમની સફળતાનો આધાર સંચાલકો અને કર્મચારીઓના પરસ્પર સંબંધો પર રહેલો છે, તેથી બંને વર્ગમાં સંવાદિતાભર્યા સંબંધો હોવા જોઈએ. સંચાલકોએ કર્મચારીઓ વચ્ચે જૂથ ભાવના પેદા કરવી જોઈએ. જો તમામ કર્મચારીઓ જૂથ બનીને કાર્ય કરશે તો એકમની ધ્યેયસિદ્ધિનું કાર્ય સરળ બને છે.


(4) સંચાલનના સિદ્ધાંતોનું સ્વરૂપ સવિસ્તાર સમજાવો.

  • સંચાલનના સિદ્ધાંતો સંચાલકો માટેનો એક વ્યવહાર છે. આ સિદ્ધાંતો વગર કાર્ય કરવું મુશ્કેલ છે. આ સિદ્ધાંતો જડ નથી.

  • આ સિદ્ધાંતો કાર્ય કરવા માટેની માર્ગદર્શિકા છે, જે કાર્ય અને કારણનો સંબંધ ધરાવે છે.

  • સંચાલનના સિદ્ધાંતો સંચાલનનાં વિવિધ કાર્યો જેવાં કે આયોજન, વ્યવસ્થાતંત્ર, દોરવણી અને અંકુશનો અમલ કરતી વખતે સંચાલકોને નિર્ણય- ઘડતર માટે માર્ગદર્શક તરીકેની ભૂમિકા બજાવે છે.

  • નિષ્ણાતોના મતે આ સિદ્ધાંતો મોટે ભાગે સત્ય હોય છે, પરંતુ સંપૂર્ણ સત્ય નથી. તેમાં પણ અપવાદનો નિયમ રહેલો છે.


(1) સાર્વત્રિક સ્વીકૃતિ : સંચાલનના સિદ્ધાંતો મોટા ભાગનાં ધંધાકીય એકમોને લાગુ પાડી શકાય છે. જ્યાં જ્યાં સામૂહિક માનવીય પ્રયત્નોની જરૂરિયાત છે, ત્યાં આ સિદ્ધાંતોની આવશ્યકતા રહે છે. જોકે ધંધાકીય એકમના પ્રકાર, સ્વરૂપ, પ્રવૃત્તિ અને કદ મુજબ સંચાલનના બધા સિદ્ધાંતો લાગુ પાડવાની માત્રામાં ફેરફાર હોય છે, પરંતુ મોટા ભાગનાં ધંધાકીય એકમોમાં સંચાલનના સિદ્ધાંતો લાગુ પાડી શકાય છે. તેથી સંચાલનના સિદ્ધાંતો સર્વવ્યાપક કે સાર્વત્રિક છે.


(2) પરિવર્તનશીલ : સંચાલનના સિદ્ધાંતો એ જડ તારણ નથી, પરંતુ પરિવર્તનશીલ છે. સંચાલકને જ્યારે અને જેવી પરિસ્થિતિમાં જરૂર જણાય ત્યાં તેમાં પરિવર્તનશીલતાને અવકાશ છે. કેટલીક પરિસ્થિતિમાં આ સિદ્ધાંતો બંધબેસતા ન જણાય ત્યારે સંચાલકને તેમાં ફેરફાર કરવાની છૂટ રહે છે. દા. ત. કાર્ય વિભાજનનો સિદ્ધાંત મોટા એકમોમાં એકસમાન રીતે લાગુ કરી શકાય, પરંતુ નાનાં એકમોમાં તેટલી જ માત્રામાં કાર્ય વિભાજનનો સિદ્ધાંત લાગુ કરી શકાતો નથી.


(3) સામાન્ય માર્ગદર્શિકા : સંચાલનના સિદ્ધાંતો એ જુદી-જુદી પરિસ્થિતિમાંથી જુદા-જુદા નિષ્ણાતો દ્વારા થયેલા અનુભવોની ફલશ્રુતિ છે. ધંધાકીય એકમનું સંચાલન કરતી વખતે એકમમાં વિષમ અને જટિલ સમસ્યાઓ આવતી હોય છે. આ દરેક સમસ્યાનું સ્વરૂપ એકમ અનુસાર જુદું-જુદું હોય છે, જે દરેક પરિસ્થિતિમાં દરેક એકમ માટે એક સરખું પરિણામ આપી શકે નહિ. તેથી સંચાલનના સિદ્ધાંતોને દરેક એકમ માટે ચુસ્ત રીતે લાગુ પાડી શકાય નહિ, પરંતુ સિદ્ધાંતોનો માત્ર એક માર્ગદર્શિકા તરીકે, સાનુકૂળ પરિસ્થિતિમાં ઉપયોગ કરી, ઈચ્છિત પરિણામો મેળવી શકાય છે.


(4) માનવ વર્તણૂંક પર આધારિત : સંચાલનમાં માનવ કેન્દ્રસ્થાને હોવાથી સંચાલનના સિદ્ધાંતો એ માનવ વર્તણૂંક ઉપર મોટી અસર જન્માવે છે. સંચાલનના સિદ્ધાંતોને માનવ વર્તણૂંક સાથે સીધો સંબંધ રહેલો છે અને માનવ વર્તણૂંક એ મનોવૈજ્ઞાનિક બાબત છે, જે સંચાલનના સિદ્ધાંતોના અમલ વખતે ધ્યાનમાં લેવી જરૂરી છે.


(5) આકસ્મિકતા : સંચાલનના સિદ્ધાંતો લાગુ પાડવા માટેનું એક તત્ત્વ આકસ્મિકતા પણ છે. કોઈ એક ચોક્કસ અનિવાર્ય પરિસ્થિતિમાં આ સિદ્ધાંતોના ઉપયોગ દ્વારા એકમ જરૂરી નિર્ણયો લઈ, ધ્યેય સિદ્ધિ સરળ બનાવી શકે છે. જેમ કે, કર્મચારીઓને યોગ્ય અને વાજબી મહેનતાણું ચૂકવવું જોઈએ. શું આ યોગ્ય અને વાજબી છે ? તે આકસ્મિકતા કે જરૂરિયાતને આધારે અસરકરતા પરિબળોને ધ્યાને લઈ નક્કી કરી શકાય.



વધુ નવું વધુ જૂનું