Q - 1. નીચેના પ્રશ્નોના ઉત્તર એક-એક વાક્યમાં લખો :
(1) અલી ડોસા ને એ જગ્યાએ બેસવાનો કેટલો અભ્યાસ હતો?
જવાબ :- અલી ડોસા ને એ જગ્યાએ બેસવાનો પાંચ વર્ષનો અભ્યાસ હતો.
(2) અલી ડોસા પર આવેલા પત્રનો પોસ્ટમાસ્ટરે શા માટે ઘા કરી દીધો?
જવાબ :- દૂર દેશાવરમાં રહેતી પોસ્ટમાસ્ટરની દીકરી બીમાર હતી અને તેના સમાચારની રાહ જોઈ રહેલા પોસ્ટમાસ્ટર ચિંતામાં હતા. એવામાં તેમની પાસે પડેલા ટપાલના થોકમાંથી તરત તેમણે પોતાની ટપાલ છે તેમ સમજીને એક કવર ઊંચક્યું પણ એ કવર પર અલી ડોસાનું નામ સરનામું જોયું તેથી પોસ્ટ માસ્ટરે અલી ડોસા પર આવેલા પત્રનો ઘા કરી દીધો.
(3) અલી ડોસો રોજ શા માટે પોસ્ટઓફિસે આવતો?
જવાબ :- દૂર રહેતી તેની દીકરી મરિયમનો કાગળ એક દિવસ આવશે એ આશાથી અલી ડોસો રોજ પોસ્ટઓફિસે આવતો હતો.
(4) લેખકના માટે અર્ધ જગત ક્યારે શાંત બની શકે?
જવાબ :- લેખકના મતે મનુષ્ય પોતાની દ્રષ્ટિથી જોવાને બદલે બીજાની દ્રષ્ટિથી જુએ તો અર્ધ જગત શાંત બની શકે.
Q - 2. નીચેના પ્રશ્નોના બે-ત્રણ વાક્યમાં ઉત્તર લખો :
(1) અલી ડોસો હોશિયાર શિકારી હતો તેમ શા પરથી કહી શકાય?
જવાબ :- અલી ડોસો એની યુવાનીમાં હોશિયાર શિકારી હતો તે ધૂળની સાથે ધૂળ બની જાય તેવા કાબરચીતરા તેતર ને જોતો કે તરત જ તેતર તેના હાથમાં આવી પડતું. અલીની ઇટલીના ગરુડ જેવી તીક્ષ્ણ નજર સસલાના કાન પર ચોંટતી અને બીજી પળે સસલું બચી શકતું નહિ. તેનું નિશાન હમેશા અચૂક રહેતું. આ પરથી કહી શકાય કે અલી ડોસો હોશિયાર શિકારી હતો.
(2) ‘સ્નેહ અને વિરહ’ અલી ડોસાને ક્યારે સમજાય છે?
જવાબ :- જે દિવસે અલી ડોસાની દીકરી મરિયમ સાસરે ગઈ તે દિવસથી અલી ડોસાને જિંદગીમાં એકલતા લાગવા માંડી. તે દિવસથી અલી શિકાર કરવાનું ભૂલી ગયો અને સ્થિર નજરે અનાજનાં ભરચક લીલાં ખેતરો સામે જોઈ રહેતો. આ સમયે ‘સ્નેહ અને વિરહ’ શબ્દો અલી ડોસાને સમજાય છે. એને જીંદગીમાં પહેલી વાર સમજાયું કે કુદરતમાં સ્નેહની સૃષ્ટિ અને વિરહનાં આંસુ પણ છે.
(3) પોસ્ટઓફિસના કર્મચારીઓ અલી ડોસાની હાંસી શી રીતે ઉડાડતા?
જવાબ :- પોતાની પુત્રી મરિયમના કાગળની રાહ જોતો અલી ડોસો રોજ સવારે પોસ્ટઓફિસે પહોંચી જતો. આ તેનો રોજનો ક્રમ બની ગયો હતો .પુત્રી મરિયમનો કાગળ આવતો નહિ, છતાં નિરાશા ખંખેરીને તે બીજા દિવસે હાજર થઇ જતો. આ જોઇને પોસ્ટના કર્મચારીઓ તેને પાગલ ગણી તેની હાંસી ઉડાવતા. ક્યારેક મશ્કરીમાં અલી ડોસાનું નામ બોલીને તેને કાગળ માટે ટટળાવતા, આ રીતે પોસ્ટઓફિસના કર્મચારીઓ અલી ડોસાની હાંસી ઉડાવતા.
(4) અલી ડોસાએ લક્ષ્મીદાસને કઈ ભલામણ કરી હતી? શા માટે?
જવાબ :- અલી ડોસાએ લક્ષ્મીદાસને ભલામણ કરી હતી કે તેની દીકરી મરિયમનો કાગળ આવે તો પોતાની કબર પર પહોંચાડવો. કારણ કે અલી ડોસાને હવે તેનું મૃત્યુ નજીક લાગતું હતું અને હજુ સુધી તેની એકની એક દીકરી મરિયમનો પત્ર આવ્યો નહોતો.
Q - 3. નીચેના પ્રશ્નોનાં મુદ્દાસર ઉત્તર લખો :
(1) વાર્તામાં રજૂ થયેલ રાત્રિનું વર્ણન કરો.
જવાબ :- આ વાર્તાની શરૂઆતમાં જ પાછલી રાતનું આબેહૂબ વર્ણન છે. ભૂરા આકાશમાં નાનામોટા તારાઓ ટમટમી રહ્યા છે. શીતળ પવનના સૂસવાટાથી બચવા અલી ડોસાએ પોતાના ફાટેલા ઝભ્ભાથી શરીરને લપેટી લીધું છે. કેટલાંક ઘરોમાંથી ઘંટીના મધુર અવાજ સંભળાય છે અને એ સાથે જ સ્ત્રીઓના ઝીણા અવાજ પણ સંભળાઈ રહ્યા છે. એકાદ કૂતરાનો અવાજ, વહેલા ઊઠી ગયેલા પક્ષીઓના અવાજો સિવાય આખું શહેર સાવ શાંત હતું. લોકો મીઠી નિંદ્રા માણી રહ્યા હતા. શિયાળાની રાત વધુ ગાઢ બનતી જતી હતી. મનુષ્યના સ્વભાવ જેવી શિયાળાની ઠંડી કાતિલ હથિયારની જેમ પોતાનું સામ્રાજ્ય ચારે બાજુ ફેલાવી રહી હતી. રાત્રિ વધારે ‘શીમણી’ બનતી હતી. પવન સોસરવો નીકળી જતો હતો. શુક્રના તારાનું મીઠું તેજ, બરફ પડે તેમ પૃથ્વી પર ઠંડીના કટકા જેવું પડતું હતું.
(2) ‘પોસ્ટઓફિસ’ અલી ડોસા માટે ધર્મક્ષેત્ર- તીર્થસ્થાન બન્યું’ આ વિધાનને સમજાવો.
જવાબ :- અલી ડોસા ને વૃદ્ધાવસ્થામાં પોતાની દીકરી મરિયમની યાદ સતાવતી હતી. તે પોતાની દીકરીના વિરહમાં ઝૂરી રહ્યો હતો. તે દીકરીના પત્રની રાહમાં દિવસો વિતાવતો હતો. તે જાણતો હતો કે પત્ર આવશે તો પોસ્ટઓફિસમાં જ આવશે તેથી તે રોજ સવારે પોસ્ટઓફીસ પહોંચી જતો અને દીકરીના પત્રની આશા રાખી બેસી રહેતો. જેમ કોઈ ભક્ત ઈશ્વરના દર્શન કરવા માટે પૂરા વિશ્વાસ અને શ્રદ્ધાથી મંદિરે જાય તેમ અલી ડોસો પણ પુત્રીનો પત્ર આવ્યો હશે તેવી શ્રદ્ધા અને વિશ્વાસથી પોસ્ટઓફિસ જતો. આમ, પોસ્ટઓફિસ અલી ડોસા માટે ધર્મક્ષેત્ર – તીર્થસ્થાન બન્યું હતું.
(3) અલી ડોસાનું પાત્રાલેખન કરો.
જવાબ :- અલી ડોસો એની યુવાનીમાં કુશળ શિકારી હતો. તેનું નિશાન અચૂક હતું. એક પણ પક્ષી તેની બાજ નજર માંથી છટકી શકતું નહિ, પરંતુ વૃદ્ધ થતા જ તેનામાં ગજબનું પરિવર્તન આવી ગયું. તે શિકારી મટી એક સંવેદનશીલ અને પ્રેમાળ માનવ બની ગયો હતો. વૃધ્ધ્વસ્થામાં તેને દૂર સાસરે રહેતી તેની એકમાત્ર દીકરીની યાદ આવતી હતી. તે પુત્રીના વિરહમાં તડપતો હતો. દીકરીના પત્રની રાહ જોતાં અલી ડોસા માટે પોસ્ટઓફિસ જાણે તીર્થસ્થાન બની ગયું હતું. તે શ્રદ્ધા અને વિશ્વાસથી પોસ્ટઓફિસ પહોંચતો અને દીકરીનો પત્ર ન આવવાથી નિરાહ થઇ ખાલી હાથ સાંજે પાછો વળતો. આથી તે પોસ્ટઓફિસના કર્મચારીઓ માટે હાંસીને પાત્ર બની ગયો હતો. પોતે હવે લાંબુ નહિ જીવે એમ લગતા અલી ડોસાએ પોતાની દાબડીમાંથી પાંચ ગીની કાઢી અને લક્ષ્મીદાસ નામના કર્મચારીને વિનંતી કરી કે “આ ગીની મને કામની નથી અને અલ્લાહની સાક્ષીએ તમને આપું છું. મારી મરિયમનો પત્ર આવે તો મારી કબર પર પહોંચાડજો.” પોતાની પુત્રી માટેનો અપાર પ્રેમ અહીં છતો થાય છે. અહીં અલી ડોસાના જીવનના બે પાસા રજૂ થયાં છે : (1) યુવાનીમાં અઠંગ શિકારી અલી અને (2) વૃદ્ધાવસ્થામાં દીકરીના વિરહમાં તડપતી અલી ડોસો અને એક પ્રેમાળ પિતા.
(4) પોસ્ટઓફિસ વાર્તાનો અંત તમારા શબ્દોમાં લખો.
જવાબ :- વૃદ્ધાવસ્થામાં અલી ડોસો પોતાની એક માત્ર પુત્રી મરિયમના વિરહમાં તડપી રહ્યો છે. તેના એક પત્રની રાહમાં ઝૂરી રહ્યો છે. દીકરીનો પત્ર આવશે એ આશાએ તે રોજ પોસ્ટઓફિસના ચક્કર કાપી રહ્યો છે. દીકરીનો પત્ર આવશે એવી આશા ઠગારી નીવડતા ડોસો નિરાશ થઇ જાય છે. અલી ડોસાને લાગે છે કે તે હવે લાંબુ નહિ જીવે તેથી તે લક્ષ્મીદાસ નામના પોસ્ટના એક કર્મચારીને બોલાવે છે અને પછીપોતાની પાસે રાખેલી પાંચ ગીની અલ્લાહની સાક્ષીએ તેને આપે છે અને મરિયમનો પત્ર આવે તો તે પોતાની કબર પર મુકવા વિનંતી કરે છે . આ વાતને ત્રણેક મહિના વીતી જાય છે અને એક દિવસ મરિયમનો પત્ર આવે છે. એ અરસામાં પોસ્ટમાસ્તર પોતાની દીકરીના સમાચાર ન મળતા ચિંતિત હતા. તેમની દશા પણ અલી ડોસા જેવી હતી.
એવામાં કર્મચારીએ અલી ડોસાના મરી જવાના સમાચાર આપ્યા. તેને હવે અલી ડોસાની વેદના સમજાય છે અને અત્યાર સુધી અલી ડોસાને સમજી શકાય નહિ તે વાતનું તેમને દુઃખ થાય છે. ત્યાર બાદ બંને જણા ડોસાની કબર પર જઈને અલી ડોસાની કબર પર જઈને મરિયમનો પત્ર મૂકી આવે છે. આમ એક પ્રેમાળ પિતાનો પોતાની દીકરી માટેનો ઝુરાપો અંત સુધી અનુભવી શકાય છે.
