Q - 1. નીચેનાં પ્રશ્નોનાં એક-એક વાક્યમાં ઉત્તર લખો :
(1) ભાવસિંહજીના આમંત્રણનો પ્રભાશંકરે શો પ્રત્યુતર આપ્યો?
જવાબ :- ભાવસિંહજીના આમંત્રણનો પ્રભાશંકરે એ પ્રત્યુતર આપ્યો કે, “હું મોરબીબાવાનો નોકર છું. મને તેઓ સારી રીતે રાખે છે એટલે નિષ્કારણ તેમની નોકરી મારાથી છોડાય નહીં.”
(2) કશ્મીરના મહારાજાના નોકરી માટેનાં આમંત્રણને પ્રભાશંકરે કેવી રીતે નકાર્યું?
જવાબ :- કશ્મીરના મહારાજાના નોકરી માટેનાં આમંત્રણને પ્રભાશંકરે એમ કહીને નકાર્યું કે, “મારા પર આપ વિશ્વાસ ન રાખો તો આવું”.
(3) ભાવસિંહજીને શ્રી પ્રભાશંકર પ્રત્યે કેમ આદરમાન હતું?
જવાબ :- ભાવસિંહજી સગીર હતા ત્યારે રાજકોટ રાજકુમાર કોલેજમાં ભણતા હતા અને શ્રી પ્રભાશંકર ત્યારે તેમની નોકરીમાં હતા, ત્યારથી ભાવસિંહજીને શ્રી પ્રભાશંકર પ્રત્યે આદરમાન હતું.
(4) પ્રભાશંકરે પોતાનું રાજીનામું શ માટે આપ્યું?
જવાબ :- શ્રી પ્રભાશંકર ભાવનગરમાં સેક્રેટરી પદે હતા, તે વખતે મહારાજા ભાવસિંહજીએ એક વરિષ્ઠ અમલદારને રાજીનામું આપી ચોવીસ કલાકમાં ભાવનગર છોડી જવા હુકમ કર્યો અને શ્રી પ્રભાશંકરને બોલાવી માગેલા રાજીનામા પર મંજૂરીનો હુકમ લખવા આજ્ઞા કરી. એ વખતે બધી હકીકત જાણી શ્રી પ્રભાશંકરે પોતાનું રાજીનામું લખી આપ્યું.
(5) લોકમત બ્રિટિશ વિરુધ્ધ ચળવળમાં કેમ પરિણમ્યો?
જવાબ :- લોકમતની પરવાહ કર્યા વગર બંગભંગની યોજના અમલમાં મુકાઇ. તેથી સરકારની ન્યાયવૃત્તિ પર લોકોનો જે દ્રઢ વિશ્વાસ હતો તે તૂટવા લાગ્યો. ધીમે ધીમે લોકમત અને ન્યાયની અવહેલના થવા લાગી તેથી લોકમત બ્રિટિશ વિરુધ્ધ ચળવળમાં પરિણમ્યો.
Q - 2. નીચેનાં પ્રશ્નોના ત્રણ-ચાર વાક્યમાં ઉત્તર લખો :
(1) ભાવસિંહજીના એક અમલદારને સજા કરવાના ચુકાદાનો પ્રભાશંકરે કેવી રીતે વિરોધ કર્યો?
જવાબ :- શ્રી પ્રભાશંકર એ સમયે ભાવનગરમાં સેક્રેટરી પદે હતા. એક વખત મહારાજા ભાવસિંહજીએ એક વરિષ્ઠ અમલદારને દંડ આપવા માટે રાજીનામું આપી ચોવીસ કલાકમાં ભાવનગર છોડી જવા હુકમ કર્યો અને શ્રી પ્રભાશંકરને બોલાવી માગેલા રાજીનામા પર મજૂરીનો હુકમ લખવા આજ્ઞા કરી. શ્રી પ્રભાશંકરે રાજાની આજ્ઞાનું પાલન કરવાને બદલે સઘળી હકીકત જાણી પોતાનું રાજીનામું લખી આપ્યું. મહારાજાએ કારણ પૂછતા એમણે કહ્યું કે રાજા કેવળ સત્તાધીશ દંડદાતા નથી, પ્રજાનો બાપ પણ છે અને પ્રજા એનું કુટુંબ છે. કુટુંબનો કોઈ એક માણસ કોઈ ભૂલ કરે તો તેને આકરી સજા કરાય તો એવા મનસ્વી રાજાની નોકરી કરવા કોઈ સારો માણસ તૈયાર ન થાય. આમ આ રીતે ભાવસિંહજીના એક અમલદારને સજા કરવાના ચુકાદાનો પ્રભાશંકરે વિરોધ કર્યો.
(2) મેટ્રિક સુધીનો અભ્યાસ કરનાર પટ્ટણીએ કેવી રીતે ઉચ્ચ સિધ્ધિઓ મેળવી હતી?
જવાબ :- મેટ્રિક સુધી અભ્યાસ કરનાર પટ્ટણીએ તેમની કારકિર્દીમાં અસંખ્ય ઉચ્ચ સિધ્ધિઓ મેળવી હતી. તેઓ એક શિક્ષક થી ભાવનગરના દીવાનપદ તથા એડમિનિસ્ટરના પદ સુધી પહોંચ્યા હતા. તેઓ મોરબીના કેળવણી ખાતામાં નિરીક્ષરના પદે હતા. ઉપરાંત તેઓ હિન્દના દેશી રાજ્યોના માનવંતા સલાહકાર બન્યા. બ્રિટિશ સલ્તનતનો વિશ્વાસ મેળવી ઈન્ડિયા કાઉન્સિલ તથા લીગ ઓફ નેશન્સમા મહત્વના સ્થાને રહ્યા. દેશના સ્વાતંત્ર્ય માટે ગાંધીજીના અંગત મિત્ર બનીને કાર્ય કર્યું હતું. જરૂર હોય ત્યારે તેઓ ગાંધીજીને સાચી સલાહ આપતા અને ગાંધીજી પણ તેમની સલાહ માનતા.
Q - 3. સવિસ્તર ઉત્તર લખો :
(1) મહારાણી વિકટોરિયાના ઢંઢેરાના લોર્ડ કર્ઝનના અવળા અર્થઘટનનો પ્રભાશંકરે કેવી રીતે પ્રતિવાદ કર્યો?
જવાબ :- લોર્ડ કર્ઝ્ન હિન્દના વાઈસરૉય હતા. મહારાણી વિકટોરિયાના ઢંઢેરાને પ્રમાણિકપણે પાળવામા આવશે તેવું વચન આપવામાં આવ્યું હતું પરંતુ લોર્ડ કર્ઝ્ને સાર્વભૌમસત્તાના અનિરુધ્ધ સ્વાતંત્ર્યના હકના આધારે મનસ્વી વર્તન ચલાવ્યું અને ઢંઢેરાનું અવળું અર્થઘટન કર્યું. કરાર મુજબ ભાવનગર રાજ્ય સાથે તાજને સમાન બંદરીહકના કરાર હોવા છતા ભાવનગર રાજ્યની સંમતિ લીધા વગર, ભાવનગર સહિત કાઠિયાવાડના બંદરોનો વિકાસ તોડવા, કાઠિયાવાડ અને બ્રિટિશ હિન્દ વચ્ચે જકાતની લાઇનદોરી નાખી. કરારભંગનો તાજની ન્યાયપરાયણતાની નીતિથી વિરુધ્ધ હતો. આ કરારભંગ સામે ભાવનગર રાજ્યે કર્ઝન સરકારને અને પછી મિંન્ટો સરકારને અરજીઓ કરી પણ દાદ ન મળી. આથી ભાવનગર રાજ્યે ઈન્ડિયા કાઉન્સીલ સુધી અરજ કરી. કામ ન પતતા છેવટે પ્રભાશંકર પોતે ઈંગ્લેન્ડ ગયા અને બધી વાત રૂબરૂ સમજાવી. અંતે આખા કેસની તપસ થઈ અને કર્ઝનના પગલાંને અન્યાયી કહી તેને રદ કરતો ઠરાવ કર્યો. આમ, મહારાણી વિકટોરિયાના ઢંઢેરાના લોર્ડ કર્ઝનના અવળા અર્થઘટનનો પ્રભાશંકરે પ્રતિવાદ કર્યો.
(2) ‘પ્રભાશંકરમા બધા જ પ્રકારના લોકોને પ્રેમથી જીતી લેવાની જન્મજાત શક્તિ હતી’ આ વિધાનની સદ્રષ્ટાંત ચર્ચા કરો.
જવાબ :- પ્રભાશંકરમા બધા જ પ્રકારના લોકોને પ્રેમથી જીતી લેવાની જન્મજાત શક્તિ હતી આ વાતના પુરાવા આપણને સમગ્ર પાઠ દરમિયાન મળે છે. સગીર વયમાં તેમણે મહારાજા ભાવસિંહજીના માનપાન પ્રાપ્ત કર્યા હતા. તેઓએ મોરબીના વાઘજી ઠાકોરને ત્યાં ઈમાનદારી અને વફાદારીપૂર્વક નોકરી કરી હતી. ભાવસિંહજીએ એક અમલદારની ભૂલ પર ગુસ્સે થઇ રાજીનામું આપી ચોવીસ કલાકમાં ભાવનગર છોડીને જવાનો હુકમ કર્યો હતો એ સમયે બધી હકીકત જાણ્યા પછી પ્રભાશંકરે પોતાનું રાજીનામું લખી આપ્યું અને મહારાજાને પોતાની ભૂલનું ભાન કરાવ્યું હતું અને અમલદારનું દિલ જીતી લીધું હતું. બંદરીહકનાં કેસમાં પણ કર્ઝનના અન્યાયી પગલાને રદ કરાવવામાં પ્રભાશંકરના પ્રયત્નોનો જ ફાળો હતો તેમ છતાં તેનો યશ ભાવનગરવાસીઓને આપી સૌનું દિલ જીતી લીધું હતું. ગાંધીજીને પરિષદનાં પ્રમુખ બનવા માટે રાજી કરીને ગાંધીજીનું દિલ પણ જીતી લીધું હતું. ભાવસિંહજીને ત્યાં સંતાનપ્રાપ્તિ થાય તે માટે પ્રભાશંકરે વ્રત કર્યું હતું અને ભાવસિંહજીને ત્યાં સંતાનપ્રાપ્તિ થઇ તો તેઓ જાતે પ્રભાશંકરને વધામણિઆપવા ગયા હતા. આમ પોતાનાં સાલસ, પરોપકારી અને નીડર સ્વભાવને કારણે આપણે કહી શકીએ કે ‘પ્રભાશંકરમાં બધા જ પ્રકારના લોકોને પ્રેમથી જીતી લેવાની જન્મજાત શક્તિ હતી.
