Q - 1. નીચેનાં પ્રશ્નોનાં એક-એક વાક્યમાં ઉત્તર લખો :
(1) આજે સંસ્થા-શાળાઓમાં ક્યા ક્યા દિવસોની ઉજવણી કરવામાં આવે છે?
જવાબ :- આજે સંસ્થા-શાળાઓમાં સફાઈદિન, સ્વાવલંબન દિન, વિનયદિન, સ્વયંશિક્ષણદિન વગેરે દિવસોની ઉજવણી કરવામાં આવે છે.
(2) દક્ષિણામૂર્તિના વિદ્યાર્થીઓ ક્યા દિવસની ઉજવણી કરવા થનગની રહ્યા હતા?
જવાબ :- દક્ષિણામૂર્તિના વિદ્યાર્થીઓ તોફાનદિનની ઉજવણી કરવા માટે થનગની રહ્યા હતા.
(3) સંસ્થા ચલાવવા બાબતે વિદ્યાર્થીઓની વાતનો નાનાભાઈએ શો પ્રત્યુત્તર આપ્યો?
જવાબ :- વિદ્યાર્થીઓ વિદ્યાર્થી – સ્વરાજ રૂપે સંસ્થા ચલાવવા માંગતા હતા. આ બાબતે તેઓએ નાનાભાઈને રજૂઆત કરી. વિદ્યાર્થીઓની રજૂઆતનો પ્રત્યુત્તર આપતા નાનાભાઈએ કહ્યું કે વિદ્યાર્થીઓ સંસ્થા ચલાવે તે સારી વાત છે. કાલે વિદ્યાર્થીઓ ઓફિસમાં તેમણે મળવા આવે. સૌ સાથે મળીને બધી વિચારણા-ગોઠવણ કરી લઈએ.
(4) સંસ્થા ચલાવવા તૈયાર વિદ્યાર્થીઓએ અંતે શું કર્યું?
જવાબ :- સંસ્થા ચલાવવા તૈયાર વિદ્યાર્થીઓ નાનાભાઈની નજર ચૂકવીને ઓફિસની બહાર નીકળી ગયા.
Q - 2. નીચેના પ્રશ્નોના બે-ત્રણ વાક્યોમાં ઉત્તર લખો :
(1) તોફાનદિનની ઉજવણી કરવાની હા કહ્યા પછી નાનાભાઈએ પ્રથમ શું કર્યું? શા માટે?
જવાબ :- વિધાર્થીઓ અન્ય દિવસોની ઉજવણી ની જેમ તોફાનદિન ઉજવવા માંગતા હતા. આ માટેતેઓએ નાનાભાઈને રજૂઆત કરી. નાનાભાઈએ સહમતિ આપી અને આયોજન કરવા માટે વિધાર્થીઓને મળવા બોલાવ્યા અને તેઓનેઆયોજન કરવા કહ્યું. આ ઉજવણીમાં પોતેપણ સામેલ થવા માંગે છે એવી ઈચ્છા દર્શાવી.આનું કારણ એ હતું કે નાનાભાઈ વિધાર્થીઓને શિસ્તના પાઠ શીખવવા માંગતા હતા તેમજતોફાનદિનની ઉજવણીથી બંને પક્ષને થનારા નુકસાનનો ખ્યાલ આપવા માંગતા હતા.
(2) તોફાનદિન અંગે આગેવાન મંડળીએ રજૂ કરેલી ચિંતાનો નાનાભાઈએ શો ઉત્તર આપ્યો?
જવાબ :- આગેવાન મંડળીએ નાનાભાઈએ સુચવેલા તોફાનોમાં તો તેઓને નુકસાન થશે એવું લગતા એ ચિંતા નાનાભાઈ સમક્ષ રજૂ કરી. કોઈના કપડા કે બાબરી પર કાતર મુકવી એ તો મોટું નુકસાન છે તેમ વિદ્યાર્થીઓ માનતા હતા. પરંતુ નાનાભાઈએ કહ્યું કે આ તો તોફાનદિન છે કોઈ પણ પ્રકારનું તોફાન કરતા કોઈને કઈ રીતે રોકી શકાય? સંસ્થાના રસોડામાં પણ ગોળ, ખાંડનું નુકસાન થવાનું જ છે અને તોફાનદિન તો સૌને સરખો જ લાગુ પડે.
(3) સંસ્થામાં ક્યા ક્યા વિભાગો ચલાવવાના હોય છે? ટૂંકી યાદી આપો.
જવાબ :- સંસ્થામાં નિયામક, હિસાબનીશ અને ગૃહપતિ વિભાગ, મકાન બાંધકામ વિભાગ, પ્રકાશન વિભાગ વગેરે વિભાગો ચલાવવાના હોય છે.
(4) સંસ્થા ચલાવવા માટે પૈસાની વ્યવસ્થા સંદર્ભે નાનાભાઈએ વિદ્યાર્થીઓને શી સલાહ આપી?
જવાબ :- સંસ્થાના વિદ્યાર્થીઓ વિદ્યાર્થી – સ્વરાજ રૂપે સંસ્થા ચલાવવા માંગતા હતા. આ માટે તેઓએ નાનાભાઈને રજૂઆત કરી. નાનાભાઈએ તુરંત જ સહમતિ આપી દીધી. જયરે સંસ્થાના કામકાજની સોંપણીનું કામ શરુ થયું ત્યારે નાનાભાઈએ કહ્યું કે પગારની તારીખ નજીક આવે છે તો સિલક તપાસી લો અને પૈસા છે કે નહીં તે જાણી લો અને ખૂટતા પૈસાની વ્યવસ્થા કરો. પૈસાની વ્યવસ્થા કરવાની વાત આવી એટલે વિદ્યાર્થીઓ સહેજ ઢીલા પડ્યા. નાના ભાઈએ કહ્યું કે પૈસા માટે હું વડીલો અને મિત્રોની મદદ લેતો આવ્યો છું તો તમે પણ એમ જ કરજો. તેમણે પૈસાની વ્યવસ્થા સંદર્ભે વિદ્યાર્થીઓને સલાહ આપી કે તમે પણ તેના માટે તમારા વડીલોને લખો અને પૈસાની વ્યવસ્થા કરો.
Q - 3. સવિસ્તાર ઉત્તર લખો :
(1) તોફાનદિનની ઉજવણી અને સંસ્થા ચલાવવાની કામગીરીનો વિચાર આખરે વિદ્યાર્થીઓએ જ શા માટે બંધ રાખ્યો?
જવાબ :- વિદ્યાર્થીઓના તોફાનદિનની ઉજવણીના આયોજનમાં નાનાભાઈ પણ તેઓને પાઠ ભણાવવા હેતુ જોડાયા અને કેટલાક તોફાનો સૂચવ્યા. તેઓએ સૂચવ્યું કે કોઈ વિદ્યાર્થીનીબેગ માં પડેલા નવા સૂટને કાતરથી કાપી નાખવું, કે બાબરી પાડવાના શોખીન વિદ્યાર્થીના વાળ પર રાત્રે કાતર ચલાવી દેવી, કોઈ વિદ્યાર્થીનું ટાંકું તોડી તેમાં મુકેલી સામગ્રી વેરવિખેર કરી નાખવી વગેરે. એની સામે વિદ્યાર્થીઓ સંસ્થાને નુકસાન થાય તેવા તોફાનો કરવા માંગતા હતા જેવાં કે સંસ્થાના રસોડામાંથી દહીં-ખાંડ ખાવા, કોઠારમાંથી ઘી-ગોળ ખાવા વગેરે. પરંતુ વિદ્યાર્થીઓએ વિચાર્યું કે નાનાભાઈએ સુચવેલા તોફાનોથી તો વિદ્યાર્થીઓને નુકસાન થાય તેમ હતું. તેમણે નાનાભાઈ ને આ વિશે રજૂઆત કરી તો તેમણે કહ્યું કે તોફાનદિન તો બધાને સરખો લાગુ પડે.
અંતે પોતાનું નુકસાન ટાળવા વિદ્યાર્થીઓએ તોફાનદિન ઉજવવાનું મુલતવી રાખ્યું. એ જ રીતે વિદ્યાર્થીઓને સંસ્થા ચલાવવા માટે સહમતી આપીને નાનાભાઈએ તેઓને સંસ્થાના કામો સમજાવવા માંડ્યા. વિદ્યાર્થીઓ માટે સૌથી વધારે અઘરું કામ હતું સંસ્થા ચલાવવા પૈસાની વ્યવસ્થા કરવી. નાનાભાઈએ પગારની તારીખ નજીક આવટી હતી તો સિલક તપાસીને વિદ્યાર્થીઓને પગાર માટે ખૂટતા પૈસાની વ્યવસ્થા કરવા માટે તેઓના વડીલોને લખવા માટે કહ્યું કારણકે અત્યાર સુધી નાનાભાઈ એ જ રીતે પૈસાની વ્યવસ્થા કરતા આવ્યા હતા. વિદ્યાર્થીઓ માટે આ કામ મુશ્કેલ હતું તેથી સંસ્થા ચલાવવાની કામગીરી નો વિચાર આખરે વિદ્યાર્થીઓએ બંધ જ રાખ્યો. આમ, નાનાભાઈની કુનેહ ને કારણે વિદ્યાર્થીઓએ બંને વિચાર પડતા મુક્યા.
(2) આ બંને પ્રસંગો દ્વારા નાનાભાઈનો હેતુ વિદ્યાર્થીઓને શો-શો સંદેશ આપવાનો હતો?
જવાબ :- નાનાભાઈ એક ઉત્તમ કેળવણીકાર હતા. તેઓ કોઈપણ રીતે વિદ્યાર્થીઓને સાચો રાહ બતાવતા રહેતા હતા. વિદ્યાર્થીઓના તોફાનદિનની ઉજવણી માટે સહમતી આપી અને પોતે પણ એમાં જોડાઈ ને તેઓ એક અદભૂત ચાલ ચાલ્યા હતા. કેવા કેવા તોફાનો કરી શકાય તેની યાદી પણ તેમણે જ સુચવી જેથી કરીને વિદ્યાર્થીઓને આ આયોજનને કારણે થનારા નુકસાનનો અંદાજ આવી શકે. વિદ્યાર્થીને નુકસાન ન થાય એવું જો વિદ્યાર્થીઓ ઈચ્છતા હોય તો તો સંસ્થાને પણ નુકસાન ન થવું જોઈએ એ વાત તેઓએ કુનેહપૂર્વક સમજાવી. એ જ રીતે વિદ્યાર્થીઓની સંસ્થા ચલાવવાની વાતનો પણ તેઓને ચતુરાઈથી અંત આણ્યો. સૌ પ્રથમ તો તેઓએ સંસ્થા ચલાવવા માટેની વિશાળ કામગીરી વિદ્યાર્થીઓને સમજાવી અને ખાસ કરીને એક સંસ્થા ચલાવવા માટે પૈસાની જરૂરિયાત કઈ રીતે પૂરી કરવી તેનાં પર ભાર મુક્યો.
સંસ્થા ચલાવવા માટે કાબેલિયત અને શિસ્ત જોઈએ એ વિદ્યાર્થીઓને સમજાવ્યું. કોઈ સંસ્થા ચલાવવા માટે પૈસાની વ્યવસ્થા માંગીને પણ કરવી પડે તે પણ વિદ્યાર્થીઓને સમજાયું. આમ, નાનાભાઈએ કુનેહથી વિદ્યાર્થીઓને એ સંદેશ આપી દીધો કે કોઈ સંસ્થા ચલાવવી એ કંઈ ખાવાના ખેલ નથી. દરેક વ્યક્તિ આ કાર્ય ન કરી શકે. બંને પ્રસંગોમાં ના પાડ્યા વગર નાનાભાઈ વિદ્યાર્થીઓને સાચી વાત સમજાવીને ખોટું કરતા રોકે છે અને વિદ્યાર્થીઓને શિસ્તના પાઠ ભણાવે છે.
(3) વિદ્યાર્થીઓનાં મનમાં ઊભા થતા પ્રશ્નોનું નિરાકરણ લાવવાની નાનાભાઈની રીત તમને કેવી લાગી? શા માટે?
જવાબ :- બંને પ્રસંગોમાં નાનાભાઈ એક ઉત્તમ કેળવણીકાર સાબિત થાય છે. વિદ્યાર્થીઓના પ્રશ્નોનું નિરાકરણ સમજાવટથી લાવવાની તેમની રીત અત્યંત પ્રશંસનીય છે. બાળકોને કોઈ પણ વાત માટે સીધી ના પાડીએ તો તેઓને ખરાબ લાગે અને સમજી ન શકે એ વાત નાનાભાઈ ખૂબ સારી રીતે જાણતા હતા તેથી તો વિદ્યાર્થીઓને ખોટી અને ગેરવ્યાજબી માંગણીઓમાં પણ તેઓ સહમત થાય છે અને તેમનાં તોફાનોમાં કુનેહપુર્વક ભળી જાય છે.તેમનું આ પગલું અત્યંત સરાહનીય છે. બાળકોને ખોટું કરવાની ના કહેવી તેના કરતાં એવું કૈક કરવું કે બાળકો સામે ચાલીને આવું કામ કરવાની ના પાડી દે. નાનાભાઈની આ રીત ખૂબ જ સરસ છે.
તોફાનદિનની ઉજવણી કરવાની ના પાડવાના બદલે પોતે તેમાં ભળી જઈને એવા તોફાનો સૂચવ્યા કે તેમાં વિદ્યાર્થીઓને જ નુકસાન જાય અને વિદ્યાર્થીઓ સામે ચાલી ને તોફાનદિન ઉજવવાનું મુલતવી રાખે. એજ રીતે આવડી મોટી સંસ્થા બાળકો ન ચલાવી શકે તેવી ના પડવાને બદલે બાળકોને સામેથી સંસ્થાના કામો સમજાવી ને સંસ્થા સોંપે છે અને બાળકોને સંસ્થા માટે ક્યા ક્યા કાર્યો કરવા જોઈએ અને પૈસાની વ્યવસ્થા પણ સ્વયં કરવી પડે તે એ રીતે સમજાવ્યું કે બાળકોએ સામે ચાલીને સંસ્થા સંભાળવાનું મુલતવી રાખ્યું. આમ, ના પડ્યા વગર બાળકોમાં સમજણ પેદા કરીને પ્રશ્નોનું નિરાકરણ લાવવાની નાનાભાઈની રીત અત્યંત ઉત્તમ છે.