Q - 1. નીચેના શબ્દોના ઉત્તર એક-એક વાક્યમાં લખો :
(1) ‘રામબાણ’ શબ્દનો અર્થ સમજાવો.
જવાબ :- ‘રામબાણ’ એટલે પ્રભુની ભક્તિરૂપી બાણ જે ભક્તને પ્રભુની ભક્તિમાં લીન કરી દે.
(2) મૂરખ મનમાં શું જાણતો નથી?
જવાબ :- મૂરખ મનમાં પ્રભુભક્તિનો આનંદ કેવો હોય તે જાણતો નથી.
(3) વેદવાણીમાંથી શી હકીકત પ્રાપ્ત થાય છે?
જવાબ :- વેદવાણીમાંથી એ હકીકત પ્રાપ્ત થાય છે કે ધ્રુવ, પ્રહલાદ અને શુકદેવ એમની માતાના ઉદરમાં હતા ત્યારથી જ પ્રભુ ભક્તિમાં લીન થયા હતા.
(4) ધના ભગત હૃદયમાં શી ધારણા બાંધે છે?
જવાબ :- ધના ભગત હૃદયમાં એ ધારણા બાંધે છે કે જે પ્રભુભક્તિ માટે જ જીવે છે, એવા અનેક સંતોનો પ્રભુએ ઉદ્ધાર કર્યો છે.
Q - 2. નીચેના પ્રશ્નોના બે-ત્રણ વાક્યોમાં ઉત્તર લખો :
(1) હરિ શા માટે આવ્યા છે? તેમણે શું જોયું?
જવાબ :- હરિ મયુરધ્વજ રાજાનું મન હરી લેવા માટે આવ્યા હતા.તેમણે રાજાનું દક્ષિણ અંગ કસોટીરૂપે માંગ્યું,પળની પણ રાહ જોયા વગર, મયુરધ્વજ રાજાએ પોતાના મસ્તક પર કરવત મૂકી. હરિ એ આ દ્રશ્ય જોયું અને તેની ભક્તિથી પ્રસન્ન થયા.
(2) મીરાંબાઈ ઉપર રાણાજીએ શા માટે ક્રોધ કર્યો?
જવાબ :- મીરાંબાઈ કૃષ્ણભક્તિમાં લીન હતા. તેઓ રાજરાણી હોવા છતાં પોતાના મહેલમાં સાધુ- સંતોને બોલાવતાં અને તેમની સાથે બેસીને કૃષ્ણના ભજનો ગાતાં. રાણાજીને મીરાંબાઈની આ પ્રવૃત્તિ પસંદ નહોતી અને મીરાંબાઈ કૃષ્ણભક્તિ છોડે તેમ નહોતાં. આથી મીરાંબાઈ પર રાણાજીએ ક્રોધ કર્યો.
Q - 3. નીચેના પ્રશ્નોના સવિસ્તાર ઉત્તર લખો :
(1) રામબાણ કોને કોને વાગ્યા છે? તેની શી અસરો થઇ છે?
જવાબ :- રામબાણ ભક્ત ધ્રુવ, પ્રહલાદ, શુકદેવ, મયુરધ્વજ, મીરાંબાઈ, નરસિંહ મહેતા અને બીજાં અનેક સંતોને વાગ્યા છે.તેના પરિણામે આ સૌનું જીવન પ્રભુભક્તિમાં લીન થઇ ગયું, તેમને બાણોની વેદના અસહ્ય નથી લાગી, પણ તેમને મન એ તો ઈશ્વર સાથેના જોડાણની સંવેદનાની અનુભૂતિ છે. એ ભક્તોને આ રામબાણની વેદના ની પીડા સહેવી પડી નથી. તેમના માટે તો આ એક વરદાન છે. ધ્રુવે સાચા હૃદયથી ઈશ્વરની ભક્તિ કરી, ભગવાને સ્વયં તેને પોતાના ખોળામાં બેસાડ્યો હતો. પિતા હિરણ્યકશિપુની સામે લડનાર પ્રહલાદ પર ભગવાનના ચાર હાથ હતા. શુકદેવજીને માતાના ગર્ભમાં જ આત્મજ્ઞાન થયું હતું. મયુરધ્વજે ભક્તિ ખાતર માથે કરવત મૂકી, ઈશ્વરકૃપા પ્રાપ્ત કરી હતી. મીરાંબાઈને મળેલું વિષ ભગવાને પીધું, નરસિંહ મહેતાની હુંડી ભગવાને શામળશા બનીને સ્વીકારી. આમ, આ ભક્તોએ પોતાનું જીવન પરમાત્મા પર ઓળઘોળ કરી દીધું હતું તેથી પરમાત્મા પણ ભક્તોની ભક્તિથી પ્રસન્ન થઇ ખરે સમયે તેમનાં કાર્યો કરવા આવે છે.
(2) ‘રામબાણ’ પદનો મર્મ તમારા શબ્દોમાં લખો.
જવાબ :- સાચા હૃદયથી જે પરમાત્માની ભક્તિ કરે છે તે પરમાત્મામાં લીન થઈ જાય છે. ભક્તિરસથી પરમતત્વ સાથેની અનુભૂતિ થાય છે. જેમને રામબાણ વાગ્યા છે, તેમને વેદનાની અનુભૂતિ થતી નથી પરંતુ પરમ આનંદ પ્રાપ્ત થાય છે. આ તો તેમના માટે એક વરદાન છે.સાચા ભક્તો પોતાનું જીવન પરમાત્મા પર ઓળઘોળ કરી દે છે. તેમનાં માટે પરમાત્મા જ સર્વસ્વ છે.નિસ્વાર્થ ભાવે પ્રભુના શરણે જવાથી ખુદ, ઈશ્વર પોતાના ભક્તોનું કલ્યાણ કરે છે. તેમના માટે પરમાત્મા સિવાય કોઈનું પણ મહત્વ નથી. કોઈનું પણ સ્થાન નથી. સાચા ભક્તોની આવી પ્રેમભક્તિથી ઈશ્વર પ્રસન્ન થાય છે. સાચાં ભકતોના જીવનમાં જયારે કપરો કાળ આવે છે ત્યારે પરમાત્મા તેમની વહારે આવે છે તેમને સહાય કરે છે અને તેમની રક્ષા કરે છે. સાચાં ભકતોના જીવનનો આ રીતે ઉદ્ધાર થઈ જાય છે. ‘રામબાણ’ પદનો આ મર્મ છે.
